યશસ્વી જયસ્વાલ ધમાકેદાર સેન્ચુરી પછી રિટાયર્ડ હર્ટ
રાજકોટ: અહીં ત્રીજી ટેસ્ટમાં શુક્રવારે બીજા દિવસે ઇંગ્લૅન્ડના ઓપનિંગ બૅટર બેન ડકેટે ફક્ત 88 બૉલમાં સેન્ચુરી પૂરી કરીને અને કુલ 153 રન બનાવીને બ્રિટિશ ટીમની આબરૂ સાચવી હતી તો શનિવારના ત્રીજા દિવસે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે બ્રિટનના બોલરોની ખબર લઈ નાખી હતી. તેણે 122 બૉલમાં 100 રન પૂરા કરીને સિરીઝની બીજી સેન્ચુરી નોંધાવી હતી. ડકેટના 100 રનમાં એક સિક્સર અને ઓગણીસ ફોર હતી તો યશસ્વીના એકસો રનમાં પાંચ ઊંચા છગ્ગા અને નવ ફોરનો સમાવેશ હતો.
જોકે યશસ્વી પોતાના 133મા બૉલ પર 104 રનના સ્કોર પર હતો ત્યારે રિટાયર્ડ હર્ટ થઈને પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો. વિશાખાપટ્ટનમની બીજી ટેસ્ટમાં મૅચ-વિનિંગ ડબલ
સેન્ચુરી ફટકારી હતી.
યશસ્વી 103 રન પર હતો ત્યારે 43મી ઓવરની શરૂઆતમાં પીઠ પર હાથ રાખીને ઊભો રહ્યો હતો. તેને દુખાવો હોવાનું સ્પષ્ટ લાગતું હતું. ટીમના ફિઝિયો તેને તપાસવા મેદાન પર દોડી આવ્યા હતા. તેને ક્રેમ્પ્સની થોડી તકલીફ હોવાનું લાગતું હતું. તે ઘૂંટણિયે બેસી ગયો હતો. થોડી વારમાં ઊભો થઈને થોડું રમ્યો હતો, પણ 44મી ઓવરને અંતે ઈજાને કારણે બૅટિંગમાંથી નીકળી ગયો હતો. જોકે તે પાછો રમી શકવાનો હોવાથી ઈજામાંથી બને એટલો જલદી મુક્ત થવા તેણે ડ્રેસિંગ-રૂમમાં જઈને સારવાર કરાવી હતી.