યશસ્વીએ રચ્યો ઇતિહાસ, 1000મો ટેસ્ટ-રન બનાવીને અનેક વિક્રમો કર્યા
બ્રૅડમૅન પછીના બીજા નંબરના બૅટર્સમાં જોડાયો: રોહિતનો રેકૉર્ડ તોડ્યો, પણ કાંબળીને પાર ન કરી શક્યો
ધરમશાલા: બાવીસ વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનર યશસ્વી જયસ્વાલે (57 રન, 58 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) ગુરુવારે અહીં ધમાકેદાર હાફ સેન્ચુરી ફટકારીને ધરમશાલામાં કાતિલ ઠંડી વચ્ચે માહોલમાં ગરમાટો લાવી દીધો હતો. તે જાણે ઇંગ્લૅન્ડના ખેલાડીઓની બાઝબૉલ સ્ટાઇલથી રમ્યો હતો અને સ્પિનર શોએબ બશીરના બૉલમાં વિકેટકીપર બેન ફૉક્સના હાથે સ્ટમ્પ-આઉટ થતાં ઉતાવળે વિકેટ ગુમાવી બેઠો હતો, પણ એ પહેલાં કેટલાક વિક્રમો સાથે તેનું નામ ઇતિહાસમાં અંકિત થઈ ગયું હતું:
(1) યશસ્વી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપે 1,000 રન બનાવનારો ભારતીય ખેલાડી બન્યો છે. તેણે નવમી ટેસ્ટમાં 1,000 રનની સિદ્ધિ મેળવી છે. તેણે ગુરુવારે ધરમશાલામાં 29મો રન બનાવ્યો એ સાથે તેના નામે નવા વિક્રમો રચાવાની શરૂઆત થઈ ગઈ હતી. ભારતીયોમાં સૌથી ઝડપે 1,000 રન બનાવનારાઓમાં આ પહેલાં સુનીલ ગાવસકર અને ચેતેશ્ર્વર પૂજારાના નામે વિક્રમ હતો. તેમણે 11મી ટેસ્ટમાં 1,000 રન બનાવ્યા હતા. વિનોદ કાંબળીએ 12મી અને મયંક અગરવાલે પણ 12મી ટેસ્ટમાં 1,000 રનની સિદ્ધિ હાંસલ કરી હતી.
(2) યશસ્વી નવમી ટેસ્ટમાં 1,000મો રન બનાવીને સૌથી ઝડપે આટલા રન બનાવનારાઓમાં ડૉન બ્રૅડમૅન પછી બીજા નંબરે છે. બ્રૅડમૅને સાતમી ટેસ્ટમાં 1,000 રન પૂરા કર્યા હતા. યશસ્વી બીજા સ્થાને હર્બર્ટ સટક્લિફ, એવર્ટન વીક્સ અને જ્યોર્જ હેડલીની હરોળમાં આવી ગયો છે.
(3) યશસ્વીએ સૌથી નાની ઉંમરે 1,000 રનનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે એ યાદીમાં સુનીલ ગાવસકર અને કપિલ દેવ સાથે જોડાયો છે.
(4) ભારતીયોમાં ઓપનર તરીકે યશસ્વી સૌથી ઓછી 16 ટેસ્ટ ઇનિંગ્સમાં 1,000 રન પૂરા કરનારો બૅટર બન્યો છે. તેણે 17 ઇનિંગ્સમાં 1,000 રન બનાવનાર તેના જ કૅપ્ટન રોહિત શર્માને ઝાંખો પાડી દીધો છે. જોકે ભારતના તમામ બૅટર્સમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1,000 રન બનાવવાનો વિનોદ કાંબળીનો રેકૉર્ડ તે તોડી નહોતો શક્યો. કાંબળીએ 14 ઇનિંગ્સમાં 1,000 રન બનાવ્યા હતા અને યશસ્વીએ એ મૅજિક ફિગર 16મા દાવમાં મેળવ્યો.
(5) વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની 2023-25ની સીઝનમાં યશસ્વી 1,000 રન બનાવનારો વિશ્ર્વનો પહેલો જ બૅટર બન્યો છે.
(6) યશસ્વી એક ટેસ્ટ સિરીઝમાં 700 રન બનાવનાર સુનીલ ગાવસકર પછીનો બીજો ભારતીય બૅટર છે.
(7) યશસ્વીએ ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન સિરીઝમાં ફક્ત નવ દાવમાં કુલ 26 સિક્સર ફટકારી. એક જ ટીમ વિરુદ્ધ સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીયોમાં તેણે સચિન તેન્ડુલકર અને રોહિત શર્માને ઓળંગી લીધા છે.