સ્પોર્ટસ

યશસ્વી સેન્ચુરી ચૂક્યોઃ ગિલની કૅપ્ટન્સ ઇનિંગ્સ, સાતમી સદી ફટકારી

કરુણ નાયર પહેલી વાર વનડાઉનમાં, ફક્ત 31 રન કરીને આઉટ: ભારત 5/310

એજબૅસ્ટનઃ ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી)માં પહેલા દિવસે ભારતીય ઓપનર યશસ્વી (Yashasvi) જયસ્વાલે બે મોટી ભાગીદારી કર્યા પછી 87 રનના પોતાના સ્કોર પર વિકેટ ગુમાવી દીધી હતી અને છઠ્ઠી સદી ચૂકી ગયો હતો, પરંતુ કૅપ્ટન શુભમન ગિલ (SHUBHMAN Gill) સાતમી ટેસ્ટ સેન્ચુરી (century) પૂરી કરવામાં સફળ રહ્યો હતો. રમતના અંતે ભારતનો સ્કોર પાંચ વિકેટે 310 રન હતો. ગિલ 114 રન પર અને જાડેજા 41 રન પર રમી રહ્યો હતો.

ગિલ જયારે 94 રન પર હતો ત્યારે તેણે બૅક-ટુ-બૅક બૉલમાં ફોર ફટકારીને સદી પૂરી કરી હતી અને 102 રન પર પહોંચી ગયો હતો. ગિલે પહેલી ટેસ્ટમાં પણ સેન્ચુરી ફટકારી હતી. કૅપ્ટન તરીકે તેની આ બીજી સદી છે. તેણે 199 બૉલમાં 11 ફોરની મદદથી સેન્ચુરી પૂરી કરી હતી.

ભારતની પાંચમાંથી બે વિકેટ ક્રિસ વૉક્સે અને એક-એક વિકેટ બેન સ્ટૉક્સ, બ્રાયડન કાર્સ અને શોએબ બશીરે લીધી હતી.

યશસ્વી આ સિરીઝમાં બીજી વાર બ્રિટિશ કૅપ્ટન બેન સ્ટૉક્સના બૉલમાં આઉટ થયો હતો અને 13 રન માટે છઠ્ઠી સેન્ચુરી ચૂકી ગયો હતો. તેની વિકેટ વખતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 161 રન હતો. યશસ્વીએ કરુણ નાયર સાથે 80 રનની અને શુભમન ગિલ સાથે 66 રનની ભાગીદારી કરી હતી.

ટી-બ્રેક બાદ શુભમન ગિલે 128 બૉલમાં આઠમી હાફ સેન્ચુરી પૂરી કરી હતી ત્યારે પંત 18 રન પર રમી રહ્યો હતો અને ભારતનો સ્કોર 194/3 હતો.

ભારતે ત્રણ રનમાં બે વિકેટ ગુમાવી

ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઓપનર યશસ્વી અને શુભમન ગિલે કેટલીક ભાગીદારીઓથી ભારતના સ્કોરને સન્માનજનક સ્થિતિમાં લાવવા જે પ્રયત્ન કર્યો એના પર જાણે પાણી ફરી રહ્યું છે. 208 રનના સ્કોર પર ભારતની ત્રણ જ વિકેટ હતી, પરંતુ એ સ્કોર પર રિષભ પંત (પચીસ રન) આઉટ થયો અને 211 રનના સ્કોર પર નીતીશ કુમાર રેડ્ડી (એક રન)એ વિકેટ ગુમાવી દેતાં બાજી ફરી ગઈ હતી. ભારતનો સ્કોર 3/208 પરથી 5/211 થઈ ગયો હતો.

એ પહેલાં, ભારતે આજે અહીં વાદળિયા હવામાન વચ્ચે ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં સાવચેતીભરી શરૂઆત કર્યા બાદ આક્રમક બૅટિંગ કરી હતી, પરંતુ એમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા બે કલાકની રમત બાદ લંચ સમયે ભારતનો પ્રથમ દાવનો સ્કોર બે વિકેટે 98 રન હતો.

ઓપનર યશસ્વીએ એક છેડો સાચવી રાખ્યો હતો, જ્યારે સામા છેડે કે. એલ. રાહુલ માત્ર બે રન કરીને આઉટ થઈ ગયો હતો. રાહુલ સાથે યશસ્વીની માત્ર 15 રનની ભાગીદારી થઈ શકી હતી, પણ પછીથી વનડાઉનમાં મોકલવામાં આવેલા કરુણ નાયર સાથે યશસ્વીએ બીજી વિકેટ માટે 80 રનની શાનદાર ભાગીદારી કરી હતી.

વધુ પડતું સાવચેત રહેવામાં કે. એલ. રાહુલે પોતાના માત્ર બે રનના સ્કોર પર વિકેટ ગુમાવી દીધી હતી. પેસ બોલર ક્રિસ વૉક્સના ઑફ સ્ટમ્પની બહારનો બૉલ અચાનક અંદર આવી જતાં રાહુલ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. પ્રથમ દાવમાં રાહુલે 42 રન અને પછી 137 રન કર્યા હતા. એ બન્ને દાવમાં તે ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સના બૉલમાં આઉટ થયો હતો. રાહુલની વિકેટ પડ્યા બાદ કરુણ નાયરને વનડાઉનમાં મોકલવામાં આવ્યો હતો અને તેણે ફટકાબાજી શરૂ કરી દીધી હતી. ટેસ્ટમાં તેણે પહેલી જ વાર ત્રીજા નંબરે બૅટિંગ કરી. પહેલા દાવમાં તેને છઠ્ઠા ક્રમે મોકલવામાં આવ્યો હતો. બુધવારે તે 73 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો હતો અને તેણે 50 બૉલમાં પાંચ ફોરની મદદથી 31 રન કર્યા હતા અને લંચ-બ્રેકની થોડી વાર પહેલાં પેસ બોલર બ્રાયડન કાર્સના બૉલમાં બીજી સ્લિપમાં હૅરી બ્રૂકના હાથમાં કૅચઆઉટ થયો હતો.

બુમરાહને આરામ, આકાશને મોકો

ભારતે પ્લેઇંગ-ઇલેવનમાંથી જસપ્રીત બુમરાહને આરામ આપ્યો હતો તેમ જ શાર્દુલ ઠાકુર અને સાઇ સુદર્શનને ટીમની બહાર રાખ્યા હતા. બુમરાહના સ્થાને આકાશ દીપને ઇલેવનમાં સમાવાયો છે.

સાઇ સુદર્શન પ્રથમ ટેસ્ટ (જે તેની ડેબ્યૂ ટેસ્ટ હતી)માં સારું નહોતો રમ્યો. પહેલા દાવમાં તે શૂન્યમાં આઉટ થયા બાદ બીજા દાવમાં 30 રનમાં આઉટ થઈ ગયો હતો. તેને આજે પડતો મૂકીને નીતીશ કુમાર રેડ્ડીને રમવાનો મોકો અપાયો છે.

શાર્દુલ ઠાકુર પણ પહેલી ટેસ્ટમાં અપેક્ષા કરતાં ખૂબ નબળું રમ્યો હતો. તેના સ્થાને સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને રમવાની તક આપવામાં આવી છે.
ઇંગ્લૅન્ડે પ્લેઇંગ-ઇલેવન મંગળવારે જ જાહેર કરી દીધી હતી અને એણે પ્રથમ ટેસ્ટની જ ટીમ જાળવી રાખી છે.

બુમરાહને વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગરૂપે આ મૅચમાં નથી રમાડવામાં આવ્યો. તેણે સિરીઝની પહેલાં જ કહ્યું હતું કે તે સિરીઝની પાંચેય ટેસ્ટ નહીં રમે.

કુલદીપ કેમ નહીં, વૉશિંગ્ટનને કેમ તક

કુલદીપ યાદવનું નામ આ મૅચ માટે ખૂબ ચર્ચામાં હતું, પણ બૅટિંગ હરોળને વધુ મજબૂત કરવાના હેતુથી જ વૉશિંગ્ટનને સિલેક્ટ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button