યશસ્વી રનઆઉટમાં ડબલ સેન્ચુરી ચૂક્યો, ગિલ પર ટીકાનો વરસાદ વરસ્યો | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

યશસ્વી રનઆઉટમાં ડબલ સેન્ચુરી ચૂક્યો, ગિલ પર ટીકાનો વરસાદ વરસ્યો

નવી દિલ્હી: અહીં ફિરોજશા કોટલા ગ્રાઉન્ડ પર વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં આજે બીજા દિવસની શરૂઆતમાં નાટ્યાત્મક વળાંક જોવા મળ્યો જેમાં યશસ્વી જયસ્વાલ (175 રન, 258 બૉલ, બાવીસ ફોર) ઉતાવળે રન લેવા દોડી આવતાં રનઆઉટ થઈ ગયો હતો, પરંતુ આ ગેરસમજમાં કેપ્ટન શુભમન ગિલની વધુ ભૂલ હતી એ બદલ સોશ્યલ મીડિયામાં ગિલ પર ટીકાનો વરસાદ વરસ્યો છે.

લંચ વખતે ભારતનો સ્કોર 4/427 હતો. ગિલની સાથે ધ્રુવ જુરેલ રમી રહ્યો હતો.

યશસ્વી (Yashasvi) શુક્રવારના પ્રથમ દિવસે ઘણું સારું રમ્યો હતો અને 173 રન પર નૉટઆઉટ રહ્યો હતો. જોકે આજે વધુ બે રન કર્યા બાદ દિવસની બીજી ઓવરમાં એક રન દોડવા જતાં વિકેટ ગુમાવી બેઠો હતો.

યશસ્વીને કરીઅરની ત્રીજી ડબલ સેન્ચુરી કરવાની બહુ સારી તક હતી, પરંતુ જેડન સીલ્ઝના બૉલને તેણે મિડ-ઑફ તરફ મોકલ્યો ત્યાર બાદ ઝડપથી રન લેવા માટે તેણે ગિલને કૉલ આપ્યો હતો. ગિલ (Gill)ને રન દોડવામાં કોઈ રસ નહોતો એટલે તે ઊંધો ફરીને પોતાની ક્રીઝ તરફ જવા લાગ્યો હતો.

જોકે યશસ્વી પોતાની ક્રીઝ છોડીને ઘણો આગળ દોડી આવ્યો હતો. તેજનારાયણ ચંદરપોલે બીજી જ ક્ષણે બૉલ વિકેટકીપર ટેવિન ઇમ્લેક તરફ ફેંક્યો હતો જેણે યશસ્વીને રનઆઉટ કરી દીધો હતો.

યશસ્વી નિરાશ થતો પાછો જઈ રહ્યો હતો ત્યારે ગિલને તેણે કહ્યું એ તેનો કૉલ હતો.

સોશ્યલ મીડિયામાં યશસ્વી પ્રત્યે ઘણા ક્રિકેટ ચાહકોએ સહાનુભૂતિ બતાવી છે, પણ કેટલાક ક્રિકેટ પ્રેમીઓએ ગિલને દોષી માન્યો છે. એક નેટ યુઝરે લખ્યું છે કે, ‘ શુભમન ગિલે બેદરકારીથી પોતાની ક્રીઝમાં પાછા આવતા રહેવાને બદલે પોતાની તરફ દોડી આવતા યશસ્વીને મોટેથી બૂમ પાડીને આગળ આવવા ના પાડવી જોઈતી હતી.
કેટલાક મીડિયામાં લખે છે કે રનિંગ બીટવિન ધ વિકેટ્સ ગિલની સૌથી મોટી સમસ્યા છે જેનો આજે વધુ એક પુરાવો મળ્યો.

એક નેટ યુઝર લખે છે કે ‘ શુભમન ગિલને આ રન દોડવાની ઈચ્છા નહોતી તો તેણે તરત યશસ્વીને ના કહી દેવી જોઈતી હતી. યશસ્વી આટલો બધો આગળ આવી જાય એટલી બધી રાહ શા માટે જોઈ? ગિલ પ્રત્યેની મારી નફરત હવે વધી ગઈ છે.’

આ પણ વાંચો…અમદાવાદના મનનને ગઈ સીઝનની પાંચ ઇનિંગ્સ ફળી, ગુજરાતની કૅપ્ટન્સી મળી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button