યશસ્વી જીત્યો આઇસીસીનો ‘પ્લેયર ઑફ ધ મન્થ’ પુરસ્કાર
યુવા ઓપનરે કહ્યું, ‘મને આશા છે કે ભવિષ્યમાં હું આવા વધુ અવૉર્ડ્સ જીતીશ’
દુબઈ: ઇંગ્લૅન્ડ સામે પૂરી થયેલી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં તમામ બૅટર્સમાં સૌથી વધુ 712 રન બનાવીને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીતનાર બાવીસ વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટર યશસ્વી જયસ્વાલને કરીઅરના શરૂઆતના જ સમયગાળામાં મોટો પુરસ્કાર મળ્યો છે. આઇસીસીએ ફેબ્રુઆરીના ‘પ્લેયર ઑફ ધ મન્થ’ પુરસ્કાર માટે તેની પસંદગી કરી છે.
ભારતને 4-1થી શ્રેણી જિતાડવામાં યશસ્વીનું યોગદાન સૌથી મોટું હતું. તેણે સિરીઝમાં બે ડબલ સેન્ચુરી ફટકારી હતી. તેના 712 રન ઇંગ્લૅન્ડ વિરુદ્ધની સિરીઝમાં ભારતીય બૅટરે બનાવેલા આ સૌથી વધુ રન છે. યશસ્વીએ શ્રેણી દરમ્યાન એક સિરીઝમાં સૌથી વધુ 26 સિક્સર ફટકારવા સહિતના બીજા ઘણા વિક્રમો પણ તોડ્યા હતા અને કેટલાક રેકૉર્ડની બરાબરી કરી હતી.
યશસ્વી ક્રિકેટની સંચાલક સંસ્થા તરફથી મળેલા આ પુરસ્કાર બદલ બેહદ ખુશ છે. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું, ‘હું આ પુરસ્કાર હાંસલ કરી શક્યો એ બદલ ખૂબ ખુશ છું. મને આશા છે કે ભવિષ્યમાં હું આવા વધુ પુરસ્કારો જીતી શકીશ.’
યશસ્વીએ 100મી ટેસ્ટ રમનાર ન્યૂ ઝીલૅન્ડના કેન વિલિયમસન અને શ્રીલંકાના બૅટર પથુમ નિસન્કાને પાછળ રાખીને આઇસીસીનો આ પુરસ્કાર જીતી લીધો છે.
યશસ્વી આટલેથી જ અટક્યો નહોતો. તેણે લખ્યું, ‘પાંચ મૅચની મારી આ પહેલી જ શ્રેણી હતી. એ સિરીઝ મેં ખૂબ એન્જાય કરી. હું સારું રમ્યો અને અમે સિરીઝ 4-1થી જીતી ગયા. મારા તમામ સાથી ખેલાડીઓ સાથેનો મારો આ અકલ્પનીય અનુભવ હતો.’
યશસ્વીએ વિશાખાપટ્ટનમની બીજી ટેસ્ટમાં (219) અને રાજકોટની ત્રીજી ટેસ્ટમાં (અણનમ 214) ડબલ સેન્ચુરી ફટકારી હતી.
માત્ર બાવીસ વર્ષની ઉંમરે ટેસ્ટ-ક્રિકેટમાં બે ડબલ સેન્ચુરી ફટકારનારો તે ડૉન બ્રૅડમૅન અને વિનોદ કાંબળી પછીનો દુનિયાનો ત્રીજો જ બૅટર છે.
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે યશસ્વીને આઇસીસીનો પુરસ્કાર જીતવા બદલ અભિનંદન આપ્યા હતા અને સંદેશમાં જણાવ્યું હતું, ‘યશસ્વીએ માત્ર એક સિરીઝમાં જે પુષ્કળ રન (712) બનાવ્યા એ જ તેની ક્ષમતા પુરવાર કરે છે. યશસ્વી, આવું જ પર્ફોર્મ કરતો રહેજે.’