ઓહ નો! યશસ્વી જયસ્વાલ પાછો `પહેલા બૉલ’ પર આઉટ થઈ ગયો
ઍડિલેઇડઃ ઓપનિંગ બૅટર યશસ્વી જયસ્વાલ બાવીસમી નવેમ્બરે પર્થમાં પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં પોતાના આઠમા બૉલ પર આઉટ થઈ ગયો અને બીજા દાવમાં તેણે મૅચ-વિનિંગ 161 રન બનાવ્યા ત્યાર પછી અહીં ઍડિલેઇડની બીજી ટેસ્ટમાં તેણે બન્ને દાવમાં ટીમ ઇન્ડિયાને આંચકા આપ્યા.
શુક્રવારે પહેલા દાવમાં તે મૅચના પહેલા જ બૉલ પર મિચલ સ્ટાર્કને વિકેટ આપી બેઠો ત્યાર પછી આજે તેણે બીજા દાવમાં 30 બૉલમાં 24 રન બનાવ્યા બાદ ફરી એકવાર પહેલા બૉલ' પર વિકેટ ગુમાવી હતી.
આપણ વાંચો: ICC ટેસ્ટ રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલને નુકશાન, આ બેટ્સમેન નં.1 પર યથાવત…
આ વખતે
પહેલો બૉલ’ ફાસ્ટ બોલર સ્કૉટ બૉલેન્ડનો હતો. પ્રથમ દાવમાં શુભમન ગિલ (31 રન) અને કૅપ્ટન રોહિત શર્મા (3 રન)ની વિકેટ લેનાર બૉલેન્ડે આજે હજી તો બીજા દાવમાં પહેલી વાર રન-અપ શરૂ કર્યો અને પોતાનો પ્રથમ બૉલ ફેંક્યો ત્યાં યશસ્વીએ બૉલને પુશ કરવા જતાં વિકેટકીપર ઍલેક્સ કૅરીને આસાન કૅચ આપી દીધો હતો.
પર્થમાં પહેલા દાવમાં ઝીરોમાં આઉટ થયા બાદ યશસ્વી પાસે બીજા દાવમાં મોટી ઇનિંગ્સની આશા રખાતી હતી અને તે અપેક્ષા જેવું રમ્યો પણ હતો. ત્યારે તેણે લગભગ સાત કલાક સુધી બૅટિંગ કરી હતી અને 432 મિનિટમાં 297 બૉલમાં 161 રન બનાવ્યા હતા જેમાં તેની ત્રણ સિક્સર અને પંદર ફોર સામેલ હતી.
તેણે મિચલ સ્ટાર્ક, જૉશ હૅઝલવૂડ, પૅટ કમિન્સ, મિચલ માર્શ અને નૅથન લાયન સહિત સાત બોલરનો સમજદારીથી સામનો કર્યો હતો અને ભારતની જીતનો પાયો નાખ્યો હતો. છેવટે ભારતે એ ટેસ્ટ 295 રનથી જીતી લીધી હતી.
આપણ વાંચો: ICC Test Rankings: બુમરાહની સાથે યશસ્વી જયસ્વાલે પણ લગાવી છલાંગ
આ વખતે ઍડિલેઇડમાં પણ તેની પાસે બીજા દાવમાં મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી અને તે શુભમન ગિલ સાથે ભાગીદારી જમાવી જ રહ્યો હતો ત્યાં પૅટ કમિન્સે મિચલ સ્ટાર્કને આરામ આપીને બૉલેન્ડને મોરચા પર બોલાવ્યો હતો અને તેણે યશસ્વીનો શિકાર કરી લીધો હતો.
ચારેક ઓવર પહેલાં પૅટ કમિન્સના બૉલમાં કે. એલ. રાહુલ (સાત રન)ની વિકેટ પડી હતી ત્યાં યશસ્વી પણ પૅવિલિયનમાં પાછો ફરતાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.