રેપ કેસમાં યશ દયાલને કોઈ રાહત નહીં, ધરપકડ પર સ્ટે આપવાનો અદાલતનો ઇનકાર

જયપુરઃ આઇપીએલ (IPL)ની બે ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ (જીટી) અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) વતી કુલ મળીને 43 મૅચ રમી ચૂકેલા પેસ બોલર યશ દયાલ (YASH DAYAL) પર હવે બળાત્કારને લગતા કેસમાં ધરપકડની લટકતી તલવાર છે.
જયપુર (JAIPUR)માં સગીર વયની એક છોકરીએ બળાત્કાર (RAPE)નો જે આરોપ મૂક્યો છે એ કેસમાં રાજસ્થાન હાઈ કોર્ટે યશ દયાલની ધરપકડ પર સ્ટે મૂકવાની મનાઈ કરી છે. જયપુરની અદાલતે જણાવ્યું છે કે ` પીડિતા સગીર વયની છે એટલે યશ દયાલની ધરપકડ અને પોલીસની કાર્યવાહી પર કોઈ જ સ્ટે ન મળી શકે.’
આ પણ વાંચો: પેસ બોલર યશ દયાલની કરીઅર જેલમાં જ ખતમ થઈ શકે, ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડે આપ્યા આ પુરાવા
આ કેસમાં હવે પછીની સુનાવણી બાવીસમી ઑગસ્ટે રાખવામાં આવશે. અદાલતનો નવો ફેંસલો યશ દયાલ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે. એનું કારણ એ છે કે થોડા દિવસ પહેલાં ગાઝિયાબાદની એક યુવતીએ પણ યશ દયાલ સામે આક્ષેપ કર્યો હતો કે તેણે તેને લગ્નનું વચન આપીને તેનું શારીરિક તથા માનસિક શોષણ કર્યું હતું.
23મી જુલાઈએ 19 વર્ષની એક છોકરીએ યશ દયાલ સામે એવો આક્ષેપ કર્યો હતો કે `હું ઊભરતી મહિલા ક્રિકેટર છું. હું 2023માં સૌથી પહેલાં યશ દયાલને મળી ત્યારે 17 વર્ષની હતી. ત્યારે યશે મને ક્રિકેટમાં કરીઅર બનાવવામાં મદદ કરવાનું વચન આપીને મારું ભાવનાત્મક અને શારીરિક શોષણ કર્યું હતું. તેણે ત્યારે મને જયપુરમાં સીતાપુરા વિસ્તારની એક હોટેલમાં બોલાવી હતી અને મારા પર બળાત્કાર કર્યો હતો. આવું બે વર્ષ સુધી ચાલ્યું હતું.’