યશ દયાલ પર પ્રતિબંધ: જાતીય શોષણના આરોપ બાદ ટી-20 લીગમાંથી બહાર

લખનઉઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ઝડપી બોલર યશ દયાલની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ લઈ રહી નથી. જાતીય શોષણના બે આરોપોનો સામનો કરી રહેલા યશ દયાલની ક્રિકેટ કારકિર્દી જોખમમાં હોય તેવું લાગે છે. એક રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને (યુપીસીએ) તેને આગામી ઉત્તર પ્રદેશ ટી-20 લીગમાંથી બેન કરી દીધો હતો.
ડાબોડી ફાસ્ટ બોલર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) ટીમનો ભાગ હતો, જેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ ટાઇટલ જીત્યું હતું. તેણે સમગ્ર સીઝન દરમિયાન જોરદાર પ્રદર્શન કર્યું અને 15 મેચમાં 13 વિકેટ લીધી હતી.
આપણ વાંચો: પેસ બોલર યશ દયાલની કરીઅર જેલમાં જ ખતમ થઈ શકે, ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડે આપ્યા આ પુરાવા
યશ દયાલને લીગમાંથી બહાર કરવાનો યુપીસીએનો નિર્ણય આરોપોની ગંભીરતા અને રમતની અખંડિતતા જાળવવા માટેની બોર્ડની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. રિપોર્ટ્સ અનુસાર, યુપી ટી-20 લીગની ટીમ ગોરખપુર લાયન્સે દયાલને 7 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ચાલી રહેલા કાનૂની કેસોને કારણે તે હવે લીગમાં રમી શકશે નહીં.
તાજેતરમાં જ યશ દયાલને રાજસ્થાન હાઈ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે સગીર સાથે સંકળાયેલા કેસની સંવેદનશીલતાને ટાંકીને તેની ધરપકડ અને કોઈપણ પોલીસ કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. આગામી સુનાવણી 22 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી છે.
આપણ વાંચો: યશ દયાલ માટે પાંચ સિક્સરવાળા અંધકાર પછી હવે સોનાનો સૂરજ ઊગ્યો
27 વર્ષીય યશ દયાલ પર પહેલા ગાઝિયાબાદમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના પર લગ્નની લાલચ આપીને એક યુવતીનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે એક સગીરાએ જાતીય શોષણ કરવાનો આરોપ લગાવતા યશ દયાલની ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો છે. જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ નોંધાયા બાદ તેની કારકિર્દી જોખમમાં છે.