યાનિક સિનર ઈટલીનો પ્રથમ વિમ્બલ્ડન ચેમ્પિયન, આટલા રૂપિયાનું તોતિંગ ઇનામ જીત્યો…

લંડન: 23 વર્ષનો યાનિક સિનર ટેનિસ જગતની સૌથી લોકપ્રિય સ્પર્ધા વિમ્બલડન (Wimbledon) ચેમ્પિયનશિપનો નવો ચેમ્પિયન બન્યો છે. વિમ્બલ્ડનનું સિંગલ્સનું ટાઈટલ જીતનારો તે ઈટલીનો પહેલો ટેનિસ ખેલાડી છે. યાનિક વિમ્બલ્ડનના પહેલા તાજ સાથે 30 લાખ પાઉન્ડ (34 કરોડ રૂપિયા) જીત્યો છે.
વર્લ્ડ નંબર-વન યાનિક સિનરે (Jannik Sinner) રવિવારે અહીં વિમ્બલ્ડનની સેન્ટર કોર્ટ પર વર્લ્ડ નંબર-ટુ સ્પેનના કાર્લોસ અલ્કારાઝ (Carlos Alcaraz)ને ફાઇનલમાં 4-6, 6-4, 6-4, 6-4થી હરાવ્યો હતો.
અલ્કારાઝને સતત ત્રીજા વર્ષે આ સ્પર્ધાનો તાજ જીતવાનો મોકો હતો, પરંતુ એ તેણે ગુમાવ્યો હતો. બીજી તરફ, યાનિક સિનર પહેલી જ વખત આ પ્રતિષ્ઠિત સ્પર્ધાની ફાઈનલમાં પહોંચ્યો અને એનું ટાઈટલ જીત્યો છે. આ પહેલાં તે ત્રણ ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂક્યો હતો અને આ તેનું કુલ ચોથું ટાઈટલ છે.
હજી એક મહિના પહેલાં સિનરને અલ્કારાઝે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં હરાવ્યો હતો એટલે સિનરે ક્લે કોર્ટ પરની એ ટૂર્નામેન્ટના પરાજયનો બદલો અહીં ગ્રાસ કોર્ટ પરની વિમ્બલડનમાં જીતીને મેળવી લીધો છે.
અલ્કારાઝને વિમ્બલ્ડનના રનર-અપ રહેવા બદલ 15.20 લાખ પાઉન્ડ (17 કરોડ રૂપિયા)નું બીજું ઇનામ મળ્યું છે.
મહિલા ટેનિસમાં પોલૅન્ડની ઈગા સ્વૉન્ટેક શનિવારે ચેમ્પિયન બની હતી અને તેને પણ પ્રથમ ઇનામ તરીકે 30 લાખ પાઉન્ડ (34 કરોડ રૂપિયા) મળ્યા હતા. ફાઈનલમાં તેની સામે 0-6, 0-6થી પરાજિત થયેલી અમેરિકાની અમૅન્ડા ઍમિનિસોવાને રનર અપ તરીકે 15.20 લાખ પાઉન્ડ (17 કરોડ રૂપિયા) મળ્યા હતા.