યાનિક સિનર ઑસ્ટ્રેલિયન ઓપન જીતનારો પ્રથમ ઇટાલિયન ખેલાડી
મેલબર્ન: ઇટલીના બાવીસ વર્ષના યાનિક સિનરે અહીં ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસની મેન્સ સિંગલ્સ ફાઇનલમાં રશિયાના ડૅનિલ મેડવેડેવ સામે પહેલા બે સેટમાં હાર જોયા પછી બાકીના ત્રણ સેટ જીતીને પહેલી વાર ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી લીધું હતું. સિનરની આ પહેલી જ ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ હતી અને એમાં તેણે જબરદસ્ત ફાઇટબૅક બાદ યાદગાર વિજય મેળવ્યો હતો.
સિનરે મેડવેડેવને 3-6, 3-6, 6-4, 6-4, 6-3થી હરાવી દીધો હતો. સિનર ઑસ્ટ્રેલિયન ઓપની ટ્રોફી જીતનારો પહેલો જ ઇટાલિયન ખેલાડી છે.
2021માં યુએસ ઓપન જીતી ચૂકેલા થર્ડ-સીડેડ મેડવેડેવે આ સાથે છમાંથી પાંચ ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલમાં પરાજય જોવો પડ્યો છે. અગાઉ તે ઑસ્ટ્રેલિયન ઓપની બે ફાઇનલ બે લેજન્ડરી ખેલાડીઓ નોવાક જૉકોવિચ અને રાફેલ નડાલ સામે હાર્યો હતો.
નોવાક જૉકોવિચ 2008માં ઑસ્ટ્રેલિયન ઓપન જીત્યો ત્યાર પછીના ટાઇટલ-વિજેતાઓમાં સિનર સૌથી યુવાન વિનર છે. સિનરે સેમિ ફાઇનલમાં જૉકોવિચને જ હરાવ્યો એ સાથે ફાઇનલ જીતવા માટેનો તેનો માર્ગ મોકળો થઈ ગયો હતો.