એક જ દિવસમાં બે ખ્યાતનામ ફૂટબોલરની નિવૃત્તિ
બર્લિન/ઝૂરિક: વિશ્વના બે જાણીતા ફૂટબોલરે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિની સોમવારે જાહેરાત કરી હતી. બે અલગ-અલગ દેશના આ ખેલાડીઓની 14-14 વર્ષની કારકિર્દી શાનદાર રહી. એક છે જર્મનીનો ફૂટબૉલ લેજન્ડ થૉમસ મુલર અને બીજો સ્વિટઝરલૅન્ડનો ઝેર્ડન શાકિરી. જર્મનીનો 34 વર્ષનો મુલર સોમવારે પૂરા થયેલા યુરો-2024માં રમ્યો હતો. જોકે યજમાન દેશ જર્મનીની ટીમ કવૉર્ટર ફાઇનલમાં સ્પેન સામે હારી ગઈ હતી અને એ રીતે સ્પર્ધામાંથી વહેલી આઉટ થઈ જવાને પગલે મુલરે રિટાયરમેન્ટ લેવાનું નક્કી કરી લીધું હતું.
ફૉરવર્ડ અને અટૅકિંગ મિડફીલ્ડર મુલરે 2014માં જર્મનીને ફિફા વર્લ્ડ કપની ટ્રોફી અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. તે 2010થી 2014 સુધીમાં જર્મની વતી કુલ 131 મૅચ રમ્યો હતો અને એમાં કુલ 45 ગોલ કર્યા હતા. જર્મની વતી મોટી આઠ ટૂર્નામેન્ટ રમનાર મુલર રાષ્ટ્ર્ર વતી સૌથી વધુ મૅચ રમનાર જર્મન ખેલાડીઓમાં ત્રીજા નંબરે છે. તે ટીમ-વર્ક, શારીરિક ક્ષમતા માટે તેમ જ ગોલ કરવામાં તથા સાથી ખેલાડી માટે ગોલ કરવાની સ્થિતિ ઊભી કરી આપવાની કાબેલિયત માટે જાણીતો હતો.
2010ના સાઉથ આફ્રિકા ખાતેના ફિફા વર્લ્ડ કપમાં જર્મની ત્રીજા નંબરે રહ્યું હતું, પરંતુ મુલર એ વિશ્વ કપમાં સૌથી વધુ પાંચ ગોલ કરવા બદલ ‘ગોલ્ડન બૂટ’ અવૉર્ડ તેમ જ ‘બેસ્ટ યંગ પ્લેયર’ અવૉર્ડ જીત્યો હતો. 2014માં જર્મની ફિફા ચેમ્પિયન બન્યું હતું અને એમાં મુલર ‘સિલ્વર બૂટ’ અવૉર્ડ જીત્યો હતો. એ વિશ્વ કપમાં મુલરના પાંચ ગોલ લિયોનેલ મેસી અને નેમારથી પણ વધુ હતા.
મુલર જર્મની વતી રમતો નહીં જોવા મળે, પરંતુ પ્રોફેશનલ ફૂટબૉલમાં બાયર્ન મ્યૂનિક વતી હજી રમતો જ રહેશે. તેણે બાયર્ન વતી 500થી વધુ મૅચમાં 150થી વધુ ગોલ કર્યા છે. મુલરના ગાઢ મિત્ર અને જાણીતા જર્મન ફૂટબોલર ટૉની ક્રુઝે તાજેતરમાં યુરો બાદ રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું.
સોમવારે ઇન્ટરનૅશનલ ફૂટબૉલમાંથી રિટાયરમેન્ટ જાહેર કરનાર સ્વિટઝરલૅન્ડના 32 વર્ષના ઝેર્ડન શાકિરીએ 2010થી 2024 દરમિયાન પોતાના દેશ વતી 125 મૅચ રમીને 32 ગોલ કર્યા હતા. તે વિંગર તરીકે (ડાબી અને જમણી બાજુના મિડફીલ્ડર તરીકે) રમ્યો હતો.
શાકિરી પ્રોફેશનલ ફૂટબૉલમાં બાયર્ન મ્યૂનિક અને લિવરપુલ વતી રમ્યો છે. તાજેતરના યુરોમાં સ્વિટઝરલૅન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈટલીને સ્પર્ધાની બહાર કરીને ક્વૉર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને એમાં શાકિરીની મોટી ભૂમિકા હતી.
તે ચાર ફિફા વર્લ્ડ કપમાં રમ્યો હતો. 2014માં ફિફા વર્લ્ડ કપના ઇતિહાસની 50મી હૅટ-ટ્રિક (હૅટ-ટ્રિક ગોલની સિદ્ધિ) શાકિરીના નામે લખાઈ હતી. 2016ની યુરો ચેમ્પિયનશિપમાં પોલેન્ડ સામેની મૅચમાં બોક્સની બહાર ‘બાયસિકલ કિક’થી તેણે જે ગોલ કર્યો હતો એને લીધે તે ફૂટબૉલ જગતમાં છવાઈ ગયો હતો.