સ્પોર્ટસ

ડબ્લ્યૂટીસી ફાઇનલઃ સાઉથ આફ્રિકા પહેલી વાર ચૅમ્પિયન બનવાની તૈયારીમાં…

માર્કરમ-બવુમા વચ્ચે 143 રનની અતૂટ ભાગીદારીઃ બન્ને દાવ મળીને રબાડાની કુલ નવ વિકેટ

લૉર્ડ્સઃ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં શુક્રવારના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ આપેલા 282 રનના લક્ષ્યાંક સામે સાઉથ આફ્રિકાએ રમતના અંત સુધીમાં માત્ર બે વિકેટના ભોગે 213 રન (213/2) કર્યા હતા અને જીતવા માટે બીજા ફક્ત 69 રન બાકી હતા. ઓપનર એઇડન માર્કરમ 102 રને અને કૅપ્ટન ટેમ્બા બવુમા 65 રને રમી રહ્યો હતો. બન્ને વચ્ચે 143 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

સાઉથ આફ્રિકા (SOUTH AFRICA )ને પહેલી વાર મોટી ટૂર્નામેન્ટની ટ્રોફી જીતીને તેમ જ ફાઇનલ સહિતના નૉકઆઉટમાં પરાજિત થઈને ` ચૉકર્સ’ તરીકેની છાપ ભૂંસી નાખવાની અમૂલ્ય તક છે. બીજી તરફ, પૅટ કમિન્સના સુકાનમાં ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)ને ડિફેન્ડિંગ ચૅમ્પિયનના રૂપમાં ડબ્લ્યૂટીસીની ટ્રોફી જાળવી રાખવાનો મોકો મળ્યો જે ગુમાવાઈ રહ્યો હોય એવું શુક્રવારની રમતને અંતે લાગતું હતું. સાઉથ આફ્રિકાની બન્ને વિકેટ મિચલ સ્ટાર્કે લીધી હતી. ઓપનર રાયન રિકલ્ટને છ રને અને વિઆન મુલ્ડરે 27 રને વિકેટ ગુમાવી હતી.

એ પહેલાં, ઑસ્ટ્રેલિયાનો બીજો દાવ 207 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. ઑસ્ટ્રેલિયાના ઑલરાન્ડર મિચલ સ્ટાર્કે 190 મિનિટ સુધી ટેમ્બા બવુમાની ટીમના બોલર્સનો સામનો કર્યો હતો અને પાંચ ફોરની મદદથી 136 બૉલમાં 58 રન કર્યા હતા અને અણનમ રહ્યો હતો. જોકે સામા છેડે વિકેટ પડતી રહી અને છેવટે 65મી ઓવરના છેલ્લા બૉલમાં જૉશ હૅઝલવૂડ (101 મિનિટમાં 53 બૉલની મદદથી 17 રન)ની વિકેટ પડી હતી અને આ લૉ-સ્કોરિંગ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમની લડતનો અંત આવ્યો હતો. સ્ટાર્ક-હૅઝલવૂડ વચ્ચે 135 બૉલમાં 59 રનની લડાયક ભાગીદારી થઈ હતી.

સાઉથ આફ્રિકા વતી પેસ બોલર કૅગિસો રબાડાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. પ્રથમ દાવની પાંચ વિકેટ સહિત આખી મૅચમાં તેણે નવ વિકેટ લઈને સાઉથ આફ્રિકાને જીતવાનો માર્ગ બતાવ્યો હતો. બીજા પેસ બોલર લુન્ગી ઍન્ગિડીએ બીજા દાવમાં ત્રણ તેમ જ એઇડન માર્કરમ, માર્કો યેનસેન અને વિઆન મુલ્ડરને એક-એક વિકેટ મળી હતી. હૅઝલવૂડની છેલ્લી વિકેટ માર્કરમે લીધી હતી.

પ્રથમ દાવમાં ઑસ્ટ્રેલિયાના 212 રન અને સાઉથ આફ્રિકાના 138 રન હતા. કાંગારૂઓએ પહેલા દાવમાં 74 રનની સરસાઈ લીધી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button