સાઉથ આફ્રિકાની બૅટરે છેલ્લી ઓવરમાં ધમાકા કર્યાં અને મુંબઈ સામે બેંગ્લૂરુની ટીમ…

નવી મુંબઈ: વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ)ની ચોથી સીઝનમાં શુક્રવારે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાની ઑલરાઉન્ડર નૅડિન ડિકલર્કે (63 અણનમ, 44 બૉલ, બે સિક્સર, સાત ફોર) રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ-વિમેન (આરસીબી-ડબલ્યૂ)ને વિજય સાથે ધમાકેદાર શરૂઆત કરવી આપી હતી. હરાજીમાં માત્ર ૬૫ લાખ રૂપિયામાં મળેલી નૅડિને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ-ડબલ્યૂ) સામેની મૅચની છેલ્લી ઓવરમાં છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ (6, 4, 6, 4) વરસાવીને સ્મૃતિ મંધાનાની 2024ની ચેમ્પિયન ટીમને રોમાંચક જીત અપાવી હતી.
મુંબઈએ છ વિકેટે 154 રન કર્યા હતા
મુંબઈએ બૅટિંગ મળ્યા બાદ મિડલ-ઓર્ડરની બૅટર સજીવન સજનાના 45 રનની મદદથી 20 ઓવરમાં છ વિકેટે 154 રન કર્યા બાદ બેંગ્લૂરુને જીતવા માટે 155 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. બેંગલૂરુએ પહેલી 8 ઓવરમાં કેપ્ટન સ્મૃતિ મંધાના, ગ્રેસ હૅરિસ અને રિચા ઘોષની મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. જોકે નૅડિને અરૂંધતી રેડ્ડી (20 રન) સહિતની કેટલીક બૅટર્સ સાથે મળીને બેંગલૂરુને દિલધડક મુકાબલામાં જીત અપાવી હતી.
When you see Neeta Ambani like this, you know IPL/WPL is peaking!! pic.twitter.com/3mPYyxYuCw
— Rajiv (@Rajiv1841) January 9, 2026
છેલ્લા બૉલમાં મિશન સફળ
અંતિમ ઓવરમાં બેંગ્લૂરુએ જીતવા 18 રન કરવાના હતા અને ત્રણ વિકેટ બાકી હતી. મુંબઈ વતી રમતી ઇંગ્લૅન્ડની નંબર-વન પેસ બોલર નૅટ સિવર-બ્રન્ટની એ 20મી ઓવરના પહેલા બે ડૉટ બૉલ રહ્યા હતા. બેંગલૂરુનો સ્કોર 7/137 હતો. નૅડિને નૅટ સિવર-બ્રન્ટના ત્રીજા બૉલથી ફટકાબાજી શરૂ કરી હતી. એ બૉલમાં નૅડિને સિક્સર ફટકારી હતી. તેણે ચોથા બૉલમાં ચોગ્ગો અને પાંચમા બૉલમાં છગ્ગો માર્યો હતો. આ પ્રારંભિક મૅચનું આખરી બૉલમાં કંઈ પણ પરિણામ આવવાનું હતું. મૅચ ટાઈ થતાં સુપર ઓવરમાં પણ જઈ શકે એમ હતી. અંતિમ બૉલમાં બેંગ્લૂરુએ જીતવા બે રન કરવાના હતા અને નૅડિને નૅટના ઑફ સ્ટમ્પની બહારના યોર્કરમાં બોલરના માથા પરથી જ બૉલ બાઉન્ડરી લાઈન તરફ મોકલ્યો હતો અને એ ફોર સાથે ટીમને આખરી બૉલમાં (20 ઓવરમાં 7/157) ત્રણ વિકેટે અભૂતપૂર્વ વિજય અપાવ્યો હતો.
A BLOCKBUSTER START TO WPL 2026. br>
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 9, 2026
– Nadine de Klerk, coming clutch for RCB. pic.twitter.com/WG1ptRX4xG
નૅડિન પ્લેયર ઑફ ધ મૅચ
નૅડિને બૅટિંગમાં પરચો બતાવતાં પહેલાં બોલિંગમાં પણ પાવર બતાવ્યો હતો. પેસ બોલર નૅડિને 26 રનમાં મુંબઈની ચાર વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
નૅડિન ઑક્ટોબરમાં ભારતને જ નડી હતી
ઑક્ટોબર-નવેમ્બરમાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાયો હતો ત્યારે સાઉથ આફ્રિકાએ લીગ મૅચમાં ભારતને નૅડિનના પર્ફોર્મન્સથી જ હરાવ્યું હતું. ત્યારે નવમી ઑક્ટોબરે વિશાખાપટનમમાં વર્લ્ડ કપની મૅચમાં ભારતની બે વિકેટ લીધા બાદ પાંચ સિક્સર અને આઠ ફોર સાથે અણનમ 84 રન સાથે સાઉથ આફ્રિકાને 49મી ઓવરમાં વિજય અપાવ્યો હતો.
આજે કઈ બે મૅચ રમાશે?
ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં આજે બપોરે 3.00 વાગ્યાથી ગુજરાત યુપી વચ્ચે મુકાબલો થશે. ત્યાર બાદ 7.30 વાગ્યે ફરી એક વાર મુંબઈ રમશે જેમાં એની ટક્કર દિલ્હી સાથે થશે.



