WPL-2026: આરસીબીની રોમાંચક જીત, પણ ચર્ચા તો મુંબઈ ઈન્ડિયન્સની અમેલિયા કેરની જ, જાણો એવું તે શું કર્યું એમઆઈની આ ખેલાડીએ…

વિમન્સ પ્રીમિયર લીગની ચોથી સીઝન (WPL 2026)નો પ્રારંભ અત્યંત રોમાંચક રહ્યો છે. ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં જ 2024ની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને હરાવીને જીત સાથે શરૂઆત કરી છે. આ મેચમાં આરસીબીની જીતની સાથે મુંબઈની એક ખેલાડીએ ઈતિહાસ રચીને અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. આ ખેલાડી એટલે ન્યુઝીલેન્ડની સ્ટાર સ્પિનર અમેલિયા કેર. અમેલિયા લીગમાં 42 વિકેટ લઈને વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનારી નંબર વન પ્લેયર બની ગઈ છે.
ભલે ડબ્લ્યુપીએલ-2026ની પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ હારી ગઈ હોય પણ ન્યુઝીલેન્ડની સ્ટાર સ્પિનર અમેલિયા કેરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અમેલિયા કેર આરસીબીની ઋચા ઘોષની વિકેટ લેતાની સાથે જ ડબ્લ્યુપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે. તેના નામે હવે કુલ 42 વિકેટ બોલાઈ રહી છે. આ મેચમાં તેણે 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી.
મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં આરસીબીએ 3 વિકેટે વિજય મેળવ્યો હતો. 155 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી, પરંતુ અંતિમ ઓવરોએ મેચને એક રોમાંચક ટર્ન આપ્યો હતો.
આરસીબીની જીતનો પૂરેપૂરો શ્રેય જાય છે ટીમની હીરો બનીને ઉભરી આવેલી દક્ષિણ આફ્રિકાની ઓલરાઉન્ડર નૅડિન ડી ક્લાર્ક. આરસીબીને છેલ્લી 4 બોલમાં 18 રનની જરૂર હતી. નૅડિન ડી ક્લાર્કે અશક્યને શક્ય કરી બતાવ્યું અને સતત 4 બાઉન્ડ્રી કે જેમાં 2 ચોગ્ગા અને 2 સિક્સનો સમાવેશ થાય છે એ ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવી હતી.
નૅડિન ડી ક્લાર્કે નંબર 6 પર આવીને માત્ર 7 ફોર અને 2 સિક્સની મદદથી અણનમ 63 રન ફટકાર્યા હતા. જ્યારે આરસીબીએ 65 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આવા કટોકટીના સમયે નૅડિને પોતાની ટીમને સંભાળી લીધી હતી.
આ છે ડબ્લ્યુપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ
વાત કરીએ ડબલ્યુપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારી ખેલાડીઓ વિશે તો મજાની વાત એ છે કે આ લિસ્ટમાં ટોપ-5 માં તમામ વિદેશી ખેલાડીઓ છે. આ ખેલાડીઓમાં 42 વિકેટ સાથે મુંબઈ ઈન્ડિયન્સની અમેલિયા કેર પહેલાં સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સની હેલી મેથ્યુઝ 41 વિકેટ સાથે બીજા સ્થાને છે. ત્યાર બાદ અનુક્રમે સોફી એક્લસ્ટન (36- યુપી વોરિયર્સ), જેસ જોનાસન (33-દિલ્હી કેપિટલ્સ) અને નતાલી સિવર-બ્રન્ટ (33- મુંબઈ ઇન્ડિયન્સ) ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને આવે છે.
આ પણ વાંચો…શુક્રવારથી મહિલાઓની આઇપીએલ



