IPL 2024સ્પોર્ટસ

ફાઇનલમાં દિલ્હી-બૅન્ગલોર સામસામે: સ્મૃતિ વિરુદ્ધ શેફાલી અને લેનિંગ વિરુદ્ધ પેરી

ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈની ટીમ છેલ્લા છ બૉલમાં બાર રન ન બનાવી શકી અને સેમિ ફાઇનલ હારી ગઈ

નવી દિલ્હી: મહિલાઓની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની 2024ની સીઝનમાંથી ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) શુક્રવારની સેમિ ફાઇનલના શૉકિંગ પરાજયને પગલે આઉટ થઈ ગઈ છે, જ્યારે એને હરાવનાર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમ જે 2023ની સીઝનમાં આઠમાંથી છ મૅચ હારી જતાં છેક સેક્ધડ-લાસ્ટ સ્થાને હતી એણે પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને રવિવારે (17મી માર્ચે) એ નિર્ણાયક મુકાબલામાં આરસીબીનો મુકાબલો દિલ્હી કૅપિટલ્સ (ડીસી) સાથે થશે. ગયા વર્ષે ડીસીની ટીમ રનર-અપ હતી, પરંતુ આ વખતે એને પહેલી વાર ટાઇટલ જીતવાની તક છે. એવો જ મોકો આરસીબીને પણ છે. ટૂંકમાં, ડબ્લ્યૂપીએલને રવિવારે નવું ચૅમ્પિયન મળશે.

અહીં ખાસ જણાવવાનું કે પુરુષોની આઇપીએલમાં ડીસી કે આરસીબીની ટીમ અત્યાર સુધીમાં એક પણ ટાઇટલ નથી જીતી, પરંતુ મહિલાઓની ડબ્લ્યૂપીએલમાં એ બેમાંથી એક ટીમને ચૅમ્પિયન બનવાનો સારો મોકો છે.
ફાઇનલમાં બે ટોચની ભારતીય ખેલાડી અને બે ટોચની ઑસ્ટ્રેલિયન પ્લેયર વચ્ચે ચડિયાતા બનવાની ટક્કર થશે. સ્મૃતિ મંધાના આરસીબીની કૅપ્ટન અને ઓપનર છે, જ્યારે શેફાલી વર્મા ડીસીની ઓપનિંગ બૅટર છે. જેમાઇમા રૉડ્રિગ્સ પણ ડીસીને વિજયી યોગદાન આપી શકે એમ છે. મેગ લેનિંગ ડીસીની કૅપ્ટન છે તો એલીસ પેરી આરસીબીની મુખ્ય ઑલરાઉન્ડર છે અને મંધાનાની ટીમ ખાસ કરીને તેના તેમ જ વિકેટકીપર બૅટર રિચા ઘોષના પર્ફોર્મન્સ પર જ નિર્ભર રહેશે.


શુક્રવારે આરસીબી અને એમઆઇ વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટેની રસાકસીભરી એલિમિનેટર રમાઈ હતી. ડીસીની ટીમ શુક્રવાર પહેલાં જ ફાઇનલમાં સ્થાન પાક્કું કરી ચૂકી હતી. આરસીબીએ લો-સ્કોરિંગ મુકાબલામાં બૅટિંગ પસંદ કર્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 135 રન બનાવ્યા હતા જેમાં એલીસ પેરીએ માત્ર 50 બૉલમાં બનાવેલા 66 રન સામેલ હતા. ડીસીની ત્રણ બોલર હૅલી મૅથ્યૂઝ, નૅટ સિવર-બ્રન્ટ અને સાઇકા ઇશાકે બે-બે વિકેટ લીધી હતી.


હરમનપ્રીત કૌરના સુકાનમાં એમઆઇની ટીમ 136 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં છ વિકેટે 130 રન બનાવી શકી હતી. એક પણ બૅટર 40 રન પણ નહોતી બનાવી શકી. હરમનપ્રીતના 33 રન ટીમમાં હાઈએસ્ટ હતા.

આરસીબીની ત્રણ સ્પિનર શ્રેયંકા પાટીલ, સૉફી મૉલિન્યૂક્સ અને આશા શોભનાએ કટોકટીના સમયે કુલ ત્રણ વિકેટ લઈને એમઆઇની બૅટિંગ લાઇન-અપમાં મોટા ગાબડાં પાડ્યા હતા. છેલ્લા છ બૉલમાં માત્ર 12 રન કરવાના બાકી હતા તેમ જ પાંચ વિકેટ પડવાની બાકી હતી ત્યારે આશાની એ ઓવરમાં એક પણ ફોર કે સિક્સ નહોતી ગઈ અને એમઆઇની ટીમ ફક્ત છ રન બનાવી શકી હતી અને પૂજા વસ્ત્રાકરની વિકેટ પણ ગુમાવી હતી. એમઆઇની ઍમેલી કેર 27 રને અને અમનજોત કૌર એક રને અણનમ રહી ગઈ હતી.


એ પહેલાં, કૅપ્ટન હરમનપ્રીતે આરસીબીની શ્રેયંકા પાટીલના ઑફ સ્ટમ્પની બહારના બૉલને છેડવાના પ્રયત્નમાં લૉન્ગ ઑન પર સૉફી ડિવાઇનને કૅચ આપી દીધો હતો. 66 રન બનાવવા ઉપરાંત એક વિકેટ પણ લેનાર આરસીબીની એલીસ પેરીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button