
સેમી ફાઈનલમાં પહેલાં જ ચોથા નંબર પર આવનારી ન્યુઝીલેન્ડની ટીમને મોટો આંચકો લાગી શકે એમ છે, કારણ કે ટીમ તેના સ્ટાર બેટ્સમેન હેનરી નિકોલ્સને કારણે મુશ્કેલીમાં મુકાય એવી શકયતા વ્યક્ત કરાઈ રહી છે. હેનરી પર બોલ ટેમ્પરિંગનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ મેચમાં અમ્પાયર દ્વારા તેની સામે બોલ ટેમ્પરિંગનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.
નિકોલ્સ પર ન્યુ ઝીલેન્ડ ક્રિકેટની આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ છે. કેન્ટરબરી અને ઓકલેન્ડ વચ્ચે રમાયેલી પ્લંકેટ શિલ્ડ મેચના ફૂટેજમાં નિકોલ્સ બોલને તેના હેલ્મેટ પર બોલ ઘસતો જોવા મળ્યો હતો અને તેની આ હરકતને કારણે જ તે હવે મુશ્કેલીમાં મુકાઈ શક્યતા છે.
ન્યુ ઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હેગલી ઓવલ ખાતે કેન્ટરબરી અને ઓકલેન્ડ વચ્ચેની પ્લંકેટ શિલ્ડ મેચના ત્રીજા દિવસે કોડના નિયમ 3.1, કલમ 1.15ના કથિત ભંગ માટે હેનરી નિકોલ્સને જાણ કરવામાં આવી છે. આ નિવેદનમાં આગળ એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ મામલો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કમિશનર સમક્ષ રજુ કરવામાં આવ્યો છે અને હજી સુધી આ મામલે સુનાવણી માટે હજુ સુધી કોઈ તારીખ નિર્ધારિત કરવામાં આવી નથી.
આ વિવાદાસ્પદ મેચ વિશે વાત કરીએ તો નિકોલસે તેની ટીમ કેન્ટરબરીની 8 વિકેટથી જીતમાં મોટો ફાળો આપ્યો હતો. કેન્ટરબરીએ પ્રથમ દાવમાં ઓકલેન્ડને 271 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ત્યાર બાદ કેન્ટરબરીએ 9 વિકેટે 413 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. નિકોલ્સે 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી ઈનિંગમાં પણ ઓકલેન્ડની ટીમ માત્ર 256 રન જ બનાવી શકી હતી. જેના કારણે કેન્ટરબરીને 61 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને કેન્ટરબરીએ આ ટાર્ગેટ 2 વિકેટના નુકસાને પર હાંસલ કર્યો હતો. આ જીત સાથે જ કેન્ટરબરી 6 ટીમની ટૂર્નામેન્ટમાં ચોથા ક્રમે આવી ગઈ છે.