New World Records in T20: ભારતીય મૂળના ક્રિકેટરે ક્રિસ ગેઈલનો 11 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો!
ફક્ત 27 બૉલમાં સેન્ચુરી: 18 સિક્સર ફ્ટકારવાનો વિશ્વવિક્રમ પણ રચ્યો
એપિસ્કોપી (સાયપ્રસ): ક્રિકેટની રમત આજે દુનિયાના ખૂણે-ખૂણે રમાવા લાગી છે. નાના દેશો પણ હવે એકમેક સામે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા લાગ્યા છે જેને લીધે વર્ષો જૂના અમૂલ્ય રેકોર્ડ ફટાફટ તૂટી રહ્યા છે. એક તરફ વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપનો સુપર-એઇટ રાઉન્ડ શરૂ થવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ એસ્ટોનિયા જેવા નાના દેશના ભારતીય મૂળના ખેલાડીએ સાયપ્રસ સામેની ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો નવો વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. એ સાથે, તેણે ક્રિસ ગેઈલનો 11 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.
એસ્ટોનિયા અને સાયપ્રસ વચ્ચે છ મેચની ઇન્ટરનેશનલ ટી-20 સીરિઝ રમાઈ રહી છે જેમાં સોમવારે બીજી મેચમાં 32 વર્ષના સાહિલ ચૌહાણે (144 અણનમ, 41 બૉલ, અઢાર સિક્સર, છ ફોર) અભૂતપૂર્વ પર્ફોર્મ કર્યું હતું. તેણે આ એક ઈનિંગ્સમાં એક સાથે ત્રણ વિશ્વવિક્રમ સ્થાપિત કર્યા હતા.
ચૌહાણે (Sahil Chauhan) માત્ર 27 બોલમાં સેન્ચુરી પૂરી કરી હતી. ગેઇલે 2013ની આઇપીએલમાં બેંગલૂરુ વતી રમીને પુણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી (17 છગ્ગા, 13 ચોક્કાની મદદથી અણનમ 175) ફટકારી હતી. અત્યાર સુધી સમગ્ર ટી-20 ફોર્મેટમાં ગેઈલના નામે 30 બૉલની સદીનો વિશ્વવિક્રમ લખાયો હતો. જોકે ગેઈલનો એ વિશ્વવિક્રમ હવે બીજા નંબર પર આવી ગયો છે અને હવે ચૌહાણનું નામ પ્રથમ ક્રમાંકે છે. ચૌહાણે એક ઇન્ટરનેશનલ ટી-20 ઇનિંગ્સમાં સૌથી ઓછા 33 બૉલમાં સદી પૂરી કરવાનો નામિબિયાના જેન નિકોલનો ચાર મહિના જૂનો ફાસ્ટેસ્ટ ઇન્ટરનેશનલ ટી-20 સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો હતો. નિકોલે ફેબ્રુઆરીમાં નેપાળ સામે 8 સિક્સર અને 11 ફોરની મદદથી 33 બૉલમાં 101 રન બનાવ્યા હતા.
ચૌહાણે એક જ ટી-20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સરનો નવો વર્લ્ડ રેકોર્ડ પણ કાયમ કર્યો છે. તેણે સોમવારે સાયપ્રસ સામેની મૅચમાં 18 છગ્ગા ફટકાર્યા હતા. એ સાથે ચૌહાણે એક ટી-20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં સૌથી વધુ 16 સિક્સર ફટકારવાનો અફઘાનિસ્તાની બૅટર હઝરતુલ્લા ઝઝાઈનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો છે.
ચૌહાણે સમગ્ર ટી-20 ફોર્મેટની એક ઇનિંગ્સમાં સૌથી વધુ 18 સિક્સર ફટકારવાના ક્રિસ ગેઈલના સાત વર્ષ જૂના વિશ્વવિક્રમની બરાબરી પણ કરી છે. ગેઈલે 2017માં મિરપુરમાં બાંગલાદેશ પ્રીમિયર લીગની એક મેચમાં રંગપુર રાઇડર્સ વતી રમીને 18 છગ્ગાની મદદથી અણનમ 146 રન બનાવ્યા હતા.
એસ્ટોનિયાએ સોમવારે સાયપ્રસ (20 ઓવરમાં 191/7)ને 42 બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી હરાવ્યું હતું. મૅન ઑફ ધ મૅચ ચૌહાણના અણનમ 144 રનની મદદથી માત્ર 13 ઓવરમાં ચાર વિકેટ 194 રન બનાવ્યા હતા.
ચૌહાણ બે દિવસ પહેલાં સાયપ્રસ સામેની પ્રથમ ટી-20માં પહેલા જ બોલમાં ઝીરોમાં (ગોલ્ડન ડકમાં) આઉટ થઈ ગયો હતો, પરંતુ સોમવારે તેણે બીજી મૅચમાં નવા ઇતિહાસ રચી દીધા હતા.