World Cup ODI 2023: બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયા માટે નવી જર્સી કરી રિલીઝ

નવી દિલ્હીઃ એશિયન કપમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને કપ જીત્યો છે ત્યારે ભારતીય ટીમ વર્લ્ડ કપ માટે તૈયારીઓ કરી છે. ઘરઆંગણે રમાનારા વર્લ્ડ કપની ટીમ જાહેર કરવામાં આવ્યા પછી આજે ટીમ ઈન્ડિયા માટે સત્તાવાર રીતે જર્સી રિલીઝ કરી હતી.
ભારતમાં રમાનાર વન-ડે વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી બહાર પાડવામાં આવી છે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જર્સી પર તિરંગાની છાપ મુકવામાં આવી છે. બીસીસીઆઇ અને એડિડાસ દ્વારા જર્સી રિલીઝ કરવા માટે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો દ્વારા જર્સીનો ફર્સ્ટ લૂક જોવા મળ્યો હતો.
ખભા નજીક ત્રણ સફેદ પટ્ટાને બદલે જર્સીમાં તિરંગાના ત્રણ પટ્ટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેન્ટરમાં મોટા સ્પોન્સર ડ્રીમ ઇલેવન લખેલું દેખાય છે. આ સિવાય બાકીની જર્સીને સાદી રાખવામાં આવી છે. બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, “1983- ધ સ્પાર્ક. 2011- ધ ગ્લોરી. 2023- ધ ડ્રીમ. ઇમ્પોસિબલ નહી યે સપના, તીન કા ડ્રીમ હૈ અપના ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમશે. આ પછી ટીમની બીજી મેચ અગિયારમી ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે થશે. ત્યાર બાદ ભારતીય ટીમ તેની ત્રીજી મેચ પાકિસ્તાન સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. આ પછી ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની મેચો બાંગ્લાદેશ, ન્યૂ ઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામે રમશે.