સ્પોર્ટસ

કૅચીઝ વિન મૅચીઝ: કપિલ, સૂર્યા પછી હવે અમનજોત, હરમનનાં વર્લ્ડ કપનાં કૅચ બન્યા ઐતિહાસિક

નવી મુંબઈ: ભારતીય ક્રિકેટમાં પુરુષોએ કુલ ચાર વર્લ્ડ કપ (World Cup) જીત્યા અને ત્યાર પછી હવે મહિલાઓએ પહેલો વર્લ્ડ કપ જીતીને ભારતની વિમેન્સ ક્રિકેટમાં નવો અધ્યાય શરૂ કર્યો છે અને આ બધામાં સૌથી મહત્વનું એ છે કે કેટલાક અદ્ભૂત કૅચ (Catch)ને લીધે આ વિરલ સિદ્ધિઓ શક્ય બની છે.

અમનજોતનો અપ્રતિમ કૅચ, લૉરા વૉલ્વાર્ટ પૅવિલિયનમાં

રવિવારે નવી મુંબઈમાં સાઉથ આફ્રિકાએ જીતવા માટે 299 રનનો ટાર્ગેટ મેળવવાનો હતો અને 42મી ઓવરમાં ટીમનો સ્કોર 6/220 હતો ત્યારે 101 રન પર રમી રહેલી સૌથી ડેન્જરસ બૅટર અને કેપ્ટન લૉરા વૉલ્વાર્ટ સ્પિનર દીપ્તિ શર્માના બૉલમાં અમનજોત કૌર (Amanjot Kaur)ને કૅચ આપી બેઠી હતી. અમનજોત ડીપ મિડ વિકેટ પર ઊભી હતી અને વૉલ્વાર્ટે ઊંચો શૉટ મારતાં જ અમનજોત ડાબી દિશામાં દોડી હતી. બૉલ પર તેની એકસરખી નજર હતી અને બૉલ તેના હાથમાં આવ્યો અને બે વખત ફમ્બલ થયા પછી તેણે અદ્દભૂત કૅચ લીધો હતો.

હરમનનાં અફલાતૂન કૅચમાં નેડિન આઉટ અને ભારત જીત્યું

રવિવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને જીતવા 299 રનનો મુશ્કેલ લક્ષ્યાંક મળ્યો હતો. 46મી ઓવરમાં ટીમનો સ્કોર 9/246 હતો. ફાઈનલની સુપરસ્ટાર બોલર દીપ્તિ શર્માનાં નીચા ફુલ ટૉસમાં નેડિન ડિ ક્લર્કે બૉલ સીધો એક્સ્ટ્રા કવરની દિશામાં ધકેલ્યો હતો. હરમનપ્રીત (Harmanpreet) પાછળની દિશામાં દોડી હતી અને ઊંચો કૅચ આબાદ ઝીલ્યો એ સાથે જ ભારતીય મહિલા ટીમનું ઐતિહાસિક જશન શરૂ થઈ ગયું હતું.

સૂર્યકુમારનો શાનદાર કૅચ, મિલરે ચાલતી પકડી

જૂન 2024માં બ્રિજટાઉનમાં ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે જીતવા માટે સાઉથ આફ્રિકાને 170 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. હાર્દિક પંડયાની 20મી ઓવરમાં સ્કોર 6/161 હતો. હાર્દિકનો પ્રથમ બૉલ વાઇડ ફુલ ટૉસ હતો જેમાં ડેવિડ મિલરે સિક્સરની લાલચમાં ઊંચો શૉટ માર્યો હતો. સૂર્યકુમાર યાદવ લોંગ ઑફ પરથી ડાબી દિશામાં દોડ્યો હતો અને બાઉન્ડરી લાઈનને આરપાર જઈને અદ્દભુત કૅચ ઝીલી લીધો હતો.

કપિલનો અણધાર્યો કૅચ, રિચર્ડ્સ પૅવિલિયનમાં

જૂન 1983માં લોર્ડ્સમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વર્લ્ડ કપ ફાઈનલમાં કેપ્ટન કપિલ દેવે વિવ રિચર્ડ્સનો શાનદાર કૅચ ઝીલ્યો હતો. કપિલ દેવ મિડ-ઑન પર ઊભા હતા અને વિવ રિચર્ડ્સ 33 રન પર રમી રહ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે જીતવા માટે 184 રનનો લક્ષ્યાંક મેળવવાનો હતો અને કૅરિબિયાનોનો સ્કોર બે વિકેટે 57 રન હતો. મદન લાલના બૉલમાં રિચર્ડ્સે ઊંચો શોટ માર્યો હતો અને કપિલ દેવ પાછળની દિશામાં દોડ્યા હતા અને કૅચ ઝીલી લીધો હતો.

ભારતે છેવટે 43 રનના માર્જિનથી ફાઈનલ જીતી લીધી અને એ સાથે વન-ડે વિશ્વના સિંહાસન પરથી વેસ્ટ ઇન્ડીઝને ઊથલાવવામાં આવ્યું હતું. ખુદ રિચર્ડ્સે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘ મને હજી નથી સમજાયું કે કપિલ દેવ ક્યાંથી દોડીને આવ્યા અને મારો કૅચ ઝીલી લીધો. કપિલ દેવ દૂરથી દોડીને આવ્યા અને પોતે આ કૅચ ઝીલી રહ્યા છે એવો સાથી ફીલ્ડરને સંકેત કર્યો હતો. એ જ ઘડીએ મેં વિચારી લીધું કે મારે હવે પૅવિલિયનમાં પાછા જવું જ પડશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button