વિશ્વ વિજેતા ગુકેશની નવી વિરલ સિદ્ધિ, વર્લ્ડ રૅન્કિંગમાં આ સર્વોચ્ચ સ્થાને પહોંચ્યો

ચેન્નઈઃ તાજેતરમાં જ 18 વર્ષની ટીનેજ વયે ચેસ વિશ્વના સૌથી યુવાન વર્લ્ડ ચૅમ્પિયન બનેલા ચેન્નઈના ડી. ગુકેશે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ચેસ જગતની સર્વોચ્ચ સંચાલન સંસ્થા ફિડે દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રૅન્કિંગમાં ગુકેશ ચોથા સ્થાન પર આવી ગયો છે. એ સાથે, તેણે ભારતના જ અર્જુન એરીગૈસીને પાછળ મૂકી દીધો છે અને વર્તમાન ભારતીય ખેલાડીઓમાં સર્વોચ્ચ રૅન્ક ધરાવતો પ્લેયર બની ગયો છે.
ગુકેશે આ ગૌરવ ગુરુવારે મેળવ્યું. તેણે નેધરલૅન્ડ્સના વિજ્ક આન જિમાં ચાલી રહેલી પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલ ટૂર્નામેન્ટમાં જર્મનીના વિન્સેન્ટ કીમરને હરાવ્યો એ સાથે ફિડેના ક્રમાંકોમાં ચોથા નંબર પર આવી ગયો હતો.
આ સ્પર્ધામાં ગુકેશની આ બીજી જીત છે. તેના માટે આ ચોથી રૅન્ક વધુ મહત્ત્વપૂર્ણ છે, કારણકે અઠવાડિયા પહેલાં જ તે ભારતીય રમતગમત ક્ષેત્રના સર્વોત્તમ ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત થયો હતો. તેના રેટિંગ પૉઇન્ટ 2,784 થઈ ગયા છે, જ્યારે એરીગૈસીના રેટિંગ 2779.5 છે. એરીગૈસી ચોથા ક્રમે હતો, પણ ગુકેશની એ સ્થાન પર એન્ટ્રી થતાં એરીગૈસી પાંચમે ગયો છે.
આ પણ વાંચો…રોહિત ઉપરાંત ટીમ ઇન્ડિયાના આ બેટર્સ રણજીમાં ફ્લોપ રહ્યા; ચાહકો નિરાશ
રેટિંગના લિસ્ટમાં વર્લ્ડ નંબર-વન નોર્વેનો મૅગ્નસ કાર્લસન 2832.5 પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. અમેરિકાનો ગૅ્રન્ડમાસ્ટર હિકારુ નાકામુરા (2,802) બીજા નંબરે તથા ફૅબિયાનો કારુઆના (2,798) ત્રીજા નંબરે છે.
અર્જુન એરીગૈસીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું અને ત્યારે તે સૌથી મોટી રૅન્ક ધરાવતો ભારતીય ખેલાડી બન્યો હતો અને હવે ગુકેશ તેના સ્થાને ચોથા ક્રમે આવી ગયો છે.