ટેસ્ટ-ક્રિકેટમાં ખૂબ મહેનત કરજો, આ ફૉર્મેટમાં શીખવાની સાથે મનોરંજન પણ મળશે : વૉર્નર | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ટેસ્ટ-ક્રિકેટમાં ખૂબ મહેનત કરજો, આ ફૉર્મેટમાં શીખવાની સાથે મનોરંજન પણ મળશે : વૉર્નર

છેલ્લી ટેસ્ટ રમેલા ઑસ્ટ્રેલિયન ઓપનરે યુવા વર્ગ માટે કહ્યું કે ‘રેડ બૉલની ગેમમાં મેં ગજબનો રોમાંચ અનુભવ્યો’ક હેલિકૉપ્ટરમાં બેસીને બિગ બૅશ રમવા જવાનો પ્લાન બનાવ્યો

સિડનીમાં વોર્નરને સ્ટેન્ડિંગ ઓવેશન (ઉપર) મળ્યું હતું. તેની આગવી સ્ટાઈલના ફોટા મીડિયામાં વાઈરલ થયા હતા.

ઑસ્ટ્રેલિયાના ૩૭ વર્ષના ઓપનિંગ બૅટર ડેવિડ વૉર્નરે શનિવારે સિડનીમાં પાકિસ્તાન સામેની સિરીઝની છેલ્લી મૅચ રમવાની સાથે ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરી ત્યાર બાદ એક મુલાકાતમાં યુવા વર્ગ માટેની સલાહમાં કહ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે લોકો મને રોમાંચક અને મનોરંજક ક્રિકેટ રમનારા ખેલાડી તરીકે યાદ રાખે. હું એવી પણ ઇચ્છા રાખું છું કે હું જે રીતે રમ્યો એ યાદ કરે ત્યારે બાળકના ચહેરા પર સ્મિત આવે. વ્હાઇટ બૉલ (મર્યાદિત ઓવર્સની ક્રિકેટ)થી માંડીને ટેસ્ટ-ક્રિકેટ સુધીની સફર એટલે ક્રિકેટની સર્વોપરિતા. હું યુવા વર્ગને સલાહ આપીશ કે રેડ બૉલ ક્રિકેટ (ટેસ્ટ-ક્રિકેટ) રમવામાં ખૂબ મહેનત કરતા રહેજો, કારણકે આ ફૉર્મેટમાં શીખવાની સાથે ઘણું મનોરંજન પણ મળશે.’
વૉર્નરે સિડની ટેસ્ટના પ્રથમ દાવમાં ૩૪ રન બનાવ્યા પછી છેલ્લા દિવસે બીજા દાવમાં ૭૫ બૉલમાં સાત ફોરની મદદથી ૫૭ રન બનાવ્યા હતા. ટેસ્ટમાં આ તેની ૩૭મી હાફ સેન્ચુરી હતી. આ ફૉર્મેટમાં તે ૨૬ સદી પણ ફટકારી ચૂક્યો છે. તે સાજિદ
ખાનના બૉલમાં એલબીડબ્લ્યુ થયો હતો.

વૉર્નરે ૧૩ વર્ષની ટેસ્ટ-કરીઅરમાં ૧૧૨ ટેસ્ટમાં ૨૬ સેન્ચુરી ફટકારી હતી અને ૧૨,૫૧૭ બૉલ રમીને કુલ ૮૭૮૫ રન બનાવ્યા હતા. અણનમ ૩૩૫ રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો. ટેસ્ટમાં તેના નામે ૬૯ છગ્ગા અને ૧૦૩૫ ચોક્કા છે. તેણે ટેસ્ટ-ક્રિકેટમાં કુલ ૯૧ કૅચ પકડ્યા હતા જેમાંનો છેલ્લો (૯૧મો) કૅચ મોહમ્મદ રિઝવાનનો હતો.

વૉર્નર હવે ગણતરીના દિવસોમાં પોતાના દેશની બિગ બૅશ લીગ ટી-૨૦ સ્પર્ધામાં રમવા માગે છે. તે સિડની થન્ડર ટીમમાં છે અને શુક્રવારે સિડનીમાં રમાનારી આ ટીમની મૅચ પહેલાં તેના ભાઈના લગ્નમાં હાજરી આપ્યા પછી હેલિકૉપ્ટરમાં બેસીને સિડની ક્રિકેટ સ્ટેડિયમ સુધી પહોંચવા માગે છે. સિડની થન્ડર ટીમ પણ ઇચ્છે છે કે છેલ્લી ત્રણ લીગ મૅચમાં વૉર્નર રમે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button