મહિલા વર્લ્ડકપ: સેમિ-ફાઈનલની રેસમાં ટકી રહેવા શ્રીલંકા માટે ‘કરો યા મરો’ની સ્થિતિ, આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે

કોલંબોઃ મહિલા વન-ડે વર્લ્ડકપમાં આવતીકાલે શ્રીલંકા અને ભૂતપૂર્વ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ સામ સામે ટકરાશે. પોતાની અગાઉની જીતથી ઉત્સાહી ન્યૂ ઝીલેન્ડ મંગળવારે અહીં રમાનારી આઈસીસી મહિલા વન-ડે વર્લ્ડ કપ મેચમાં સહ-યજમાન શ્રીલંકા સામે ટકરાશે. ન્યૂઝીલેન્ડ પોતાની જીતની લય જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ, શ્રીલંકા હજુ સુધી એક પણ મેચ જીતી શક્યું નથી અને ઘરઆંગણાની પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરશે.
ન્યૂઝીલેન્ડની ટીમ 2000ની ચેમ્પિયન છે, પરંતુ વર્તમાન ટુર્નામેન્ટમાં શરૂઆત ખરાબ રહી હતી. તેમને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે તેમની પહેલી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પછી બાંગ્લાદેશને હરાવીને જીતનો લય મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ન્યૂઝીલેન્ડ હાલમાં પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. ત્રણ મેચમાં બે પોઈન્ટ અને -0.245ના નેટ રન રેટ સાથે આ આંકડો તેઓ સુધારવાનો પ્રયાસ કરશે. કેપ્ટન સોફી ડિવાઈને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, ત્રણ ઇનિંગમાં 86.66ની સરેરાશથી સ્કોર કર્યો છે. પાંચમા ક્રમની બેટ્સમેન બ્રુક હોલિડેના શાનદાર પ્રદર્શનથી ટીમને બાંગ્લાદેશ સામે જીત અપાવવામાં મદદ મળી હતી. ન્યૂઝીલેન્ડના ટોપ-ઓર્ડરમાં સાતત્યનો અભાવ એક મોટી ચિંતાનો વિષય છે.
અનુભવી સુઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર અને અમેલિયા કેર સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં સંઘર્ષ કરી રહી છે, જેના કારણે ડિવાઇન પર ઘણી જવાબદારી આવી ગઈ છે. તેણે પોતાની લય પરત મેળવવી પડશે. શ્રીલંકાના સ્પિન આક્રમણ સામે વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે.
આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ચાર મેચ રમાઈ ચૂકી છે જેમાં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 205 છે. સ્પિનરોએ મેદાન પર પ્રભુત્વ મેળવ્યું છે અને 41 વિકેટ ઝડપી છે જે ઝડપી બોલરો કરતા 14 વધુ છે. જ્યાં સુધી શ્રીલંકાનો સવાલ છે ત્યાં સુધી સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે કોઈપણ કિંમતે જીત મેળવવી પડશે. ચમારી અટાપટ્ટુની કેપ્ટનશીપ હેઠળની ટીમનો ત્રણ મેચમાંથી એક પોઈન્ટ છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. તેઓ સાતમા સ્થાને છે, ફક્ત પાકિસ્તાનથી આગળ છે.
શ્રીલંકાની બેટિંગ તેમના કેપ્ટન અટાપટ્ટુ પર ખૂબ નિર્ભર છે અને જો તેમને જીતવું હશે તો તેમના અન્ય બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે. શ્રીલંકાને પણ તેમની ફિલ્ડિંગમાં નોંધપાત્ર સુધારો કરવાની જરૂર પડશે, કારણ કે છેલ્લી મેચોમાં ઘણા ડ્રોપ કેચ અને નબળી ફિલ્ડિંગ તેમને ભારે પડી છે. અહીંની પરિસ્થિતિ ફરી એકવાર સ્પિન-ફ્રેન્ડલી બનવાની અપેક્ષા છે. તેથી શ્રીલંકાને મેચમાં ટકી રહેવા માટે તેમના સ્પિનરો પર આધાર રાખવો પડશે.