સ્પોર્ટસ

મહિલાઓના ટી-20 વર્લ્ડ કપનો ગુરુવારે આરંભ…

દુબઈ: યુએઇમાં ગુરુવારે મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને એ નિમિત્તે આઇસીસીએ પોસ્ટ કરેલી તમામ 10 ટીમની કૅપ્ટનોવાળી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

ગુરુવારે પ્રથમ મૅચ બાંગ્લાદેશ-સ્કૉટલૅન્ડ વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. બીજી મૅચ સાંજે 7.30 વાગ્યાથી પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતની પ્રથમ મૅચ આવતી કાલે ન્યૂ ઝીલૅન્ડ સામે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જોકે આ ટૂર્નામેન્ટની સૌથી મોટી મૅચ ભારત-પાકિસ્તાન વચ્ચેની છે જે રવિવારે બપોરે 3.30 વાગ્યાથી રમાશે.

હરમનપ્રીત કૌર ભારતની અને ફાતિમા સના પાકિસ્તાનની કૅપ્ટન છે.

મહિલાઓની ક્રિકેટમાં ભારતને ક્યારેય કોઈ વર્લ્ડ કપ ટ્રોફી નથી મળી. જોકે આ વખતે ભારતની મજબૂત ટીમ જોતાં ટાઇટલ મળવાની સંભાવના છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે એક મુલાકાતમાં કહ્યું છે, ‘એક જ વર્ષમાં જો ભારતને બે મોટા ટાઇટલ મળી જાય તો મજા પડી જાય.’

ભજ્જીનો કહેવાનો અર્થ એ હતો કે જૂનમાં રોહિત શર્માના સુકાનમાં ભારત ટી-20નો વર્લ્ડ કપ જીત્યું ત્યાર પછી હવે હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી પણ મળશે તો આ વર્ષ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

આ નવમો વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ છે. આઠમાંથી છ વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા જીત્યું છે. એક ટાઇટલ ઇંગ્લૅન્ડ અને એક વેસ્ટ ઇન્ડિઝ જીત્યું છે. આ વખતે પણ વિકેટકીપર અલીસા હિલીના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે. ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ બુધવારે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં કોઈ પણ ટીમને એક પણ ભૂલ કરવી ન પરવડે. તેમની સામે દરેક પ્લેયરે બેસ્ટ પર્ફોર્મન્સ જ બતાવવો પડે.’

ભારત-ઑસ્ટ્રેલિયાની લીગ મૅચ રવિવાર, 13મી ઑક્ટોબરે સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button