મહિલાઓના ધમાકેદાર ટી-20 વર્લ્ડ કપનો દિવસ નજીક આવી ગયો, જાણો ટૂર્નામેન્ટનું એ-ટુ-ઝેડ…
છ દિવસ પછીના ભારત-પાકિસ્તાનના મુકાબલા પર સૌની નજર
દુબઈ: મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ ખૂબ નજીક આવી ગયો છે. ત્રણ જ દિવસ બાદ વિમેન્સ ક્રિકેટની આ ફૉર્મેટનો નવમો મહાંજગ યુએઇમાં શરૂ થશે. 3-20 ઑક્ટોબરની આ વિશ્ર્વ સ્પર્ધાની પ્રથમ મૅચ શારજાહમાં રમાશે અને ફાઇનલ મુકાબલો દુબઈમાં થશે.
ઑસ્ટ્રેલિયા છેલ્લા ત્રણ વર્લ્ડ કપથી ટ્રોફી ઉપાડતું આવ્યું છે અને આ વખતે પણ ચૅમ્પિયન બનવા માટે અલીઝા હિલીની ટીમ પ્રબળ દાવેદાર છે. જોકે હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં અને સ્મૃતિ મંધાનાની વાઇસ-કૅપ્ટન્સીમાં ભારતીય ટીમ પણ ટાઇટલ જીતવા માટે ફેવરિટ છે.
આ વખતના વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં 10 ટીમ ભાગ લઈ રહી છે અને તેમની વચ્ચે ફાઇનલ સહિત કુલ 23 મૅચ રમાશે. 10 ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ તથા શ્રીલંકા છે, જ્યારે ગ્રૂપ-બીમાં ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કૉટલૅન્ડ સામેલ છે.
ભારતવાળા ગ્રૂપમાં તમામ મજબૂત ટીમો છે, પરંતુ ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર પર સૌની નજર રહેશે. આ વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ શુક્રવાર, 4 ઑક્ટોબરે ન્યૂ ઝીલૅન્ડ સામે રમાવાની છે. જોકે રવિવાર, 6 ઑક્ટોબરના ભારત-પાકિસ્તાનના હાઈ-વૉલ્ટેજ મુકાબલા પર સૌ કોઈ ક્રિકેટપ્રેમી મીટ માંડીને બેસશે.
ગયા ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે પાંચ રનથી પરાજય થયો હતો અને છેવટે ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું હતું.
આ વિશ્ર્વ કપ બાંગ્લાદેશમાં રમાવાનો હતો, પરંતુ ત્યાં રાજકીય ઊથલપાથલ થતાં અને ક્રાંતિકારી દેખાવો થવાને પગલે આઇસીસીએ વર્લ્ડ કપ યુએઇમાં રાખવાનું નક્કી કર્યું હતું.
વર્લ્ડ કપમાં ભારતની લીગ મૅચ ક્યારે?
(1) | 4 ઑક્ટોબર | ન્યૂ ઝીલૅન્ડ સામે | સાંજે 7.30 |
(2) | 6 ઑક્ટોબર | પાકિસ્તાન સામે | બપોરે 3.30 |
(3) | 9 ઑક્ટોબર | શ્રીલંકા સામે | સાંજે 7.30 |
(4) | 13 ઑક્ટોબર | ઑસ્ટ્રેલિયા સામે | સાંજે 7.30 |
ભારતીય ટીમ:
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દયાલન હેમલતા, દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટીલ, સજીવન સજના, આશા શોભના, રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ અને અરુંધતી રેડ્ડી.