સ્પોર્ટસ

મહિલાઓની આરસીબી નવી ચૅમ્પિયન

બૅન્ગલોરે ડબ્લ્યૂપીએલની દિલધડક લો-સ્કોરિંગ ફાઇનલમાં સ્પિનર્સના તરખાટથી દિલ્હીની ટીમને પછાડી

નવી દિલ્હી: રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમ અહીં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની મુંબઈ ઇન્ડિયન્સ પછીની બીજી ચૅમ્પિયન ટીમ બની હતી. એણે રસાકસીભરી લો-સ્કોરિંગ ફાઇનલમાં દિલ્હી કૅપિટલ્સ (ડીસી)ને ત્રણ બૉલ બાકી રાખીને આઠ વિકેટથી હરાવીને પહેલી વાર તાજ જીતી લીધો હતો. જે કામ 16 વર્ષમાં આરસીબીના પુરુષો આઇપીએલમાં નથી કરી શક્યા એ કામ મહિલા ટીમે કરી દેખાડ્યું છે. દિલ્હીએ આપેલો ફક્ત 114 રનનો લક્ષ્યાંક બૅન્ગલોરે (19.3 ઓવરમાં 115/2) મેળવી લીધો હતો. સાતમી ઓવર દિલ્હીની સ્પિનર રાધા યાદવે કરી હતી જેમાં સૉફી ડિવાઇને (32 રન) ત્રણ ફોર, એક સિક્સરની મદદથી 18 રન ફટકાર્યા હતા. કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ 31 રન, એલીસ પેરીએ અણનમ 35 રન અને રિચા ઘોષે અણનમ 17 રન બનાવ્યા હતા.
અરુણ જેટલી સ્ટેડિયમમાં 30,000 પ્રેક્ષકોની હાજરીમાં બૅન્ગલોરની ઑફ-સ્પિનર શ્રેયંકા પાટીલ (3.3-0-12-4), ઑસ્ટ્રેલિયાની લેફ્ટ-આર્મ સ્પિનર સૉફી મૉલીન્યૂક્સ (4-0-20-3) અને લેગ-સ્પિનર આશા શોભના (3-0-14-2) આ જીતની ત્રણ સ્ટાર-સ્પિનર હતી.
એ પહેલાં, દિલ્હીની કૅપ્ટન મેગ લેનિંગે (23 રન, 23 બૉલ, ત્રણ ફોર) બૅટિંગ પસંદ કર્યા પછી શેફાલી વર્મા (44 રન, 27 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) સાથે 64 રનની ભાગીદારી કરીને બૅન્ગલોરની ટીમને મોટી ચિંતામાં મૂકી દીધી હતી. જોકે આઠમી ઓવરથી દિલ્હીની ટીમનો ધબડકો શરૂ થયો હતો. સૉફીએ એ ઓવરના પહેલા, ત્રીજા અને ચોથા બૉલમાં અનુક્રમે શેફાલી જેમાઇમા (0) અને ઍલીસ કૅપ્સી (0)ની વિકેટ લીધી હતી. ત્રણ ઓવર પછી ખુદ લેનિંગને શ્રેયંકા પાટીલે તેમ જ પછીથી મૅરિઝેન કૅપ અને જેસ જોનસનને સ્પિનર આશાએ એક જ ઓવરમાં પૅવિલિયન ભેગી કરી હતી. 87મા કુલ સ્કોરમાં સાત વિકેટ પડી ગઈ હતી, પરંતુ રાધા યાદવ તથા અરુંધતી રેડ્ડીએ ટીમને 100નો આંકડો બતાવ્યો હતો. જોકે રાધા રનઆઉટ થઈ અને પછી શ્રેયંકાએ એક જ ઓવરમાં અરુંધતી, તાનિયા ભાટિયાની વિકેટ લેતાં દિલ્હીનો દાવ 113 રને સમેટાઈ ગયો હતો. દિલ્હીની મોટા ભાગની બૅટરે વિકેટ ફેંકી દીધી હતી.
2023ની પ્રથમ ડબ્લ્યૂપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચૅમ્પિયન બની હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button