મહિલા ટીમોમાં ઓપનર પ્રતિકા રાવલનો સમાવેશ, પણ શેફાલી વર્માની બાદબાકી...
સ્પોર્ટસ

મહિલા ટીમોમાં ઓપનર પ્રતિકા રાવલનો સમાવેશ, પણ શેફાલી વર્માની બાદબાકી…

મુંબઈઃ આગામી 30મી સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકામાં યોજાનારા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપ (World Cup) માટેની ભારતીય ટીમ ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી.

જેમાં પેસ બોલર રેણુકા સિંહ ઠાકુર (Renuka Thakur)ને સામેલ કરીને ફરી ભારત વતી રમવાની તક અપાઈ છે અને ટૉપ-ઑર્ડર બૅટર પ્રતિકા રાવલ (Pratika Rawal)ને મોકો અપાયો છે, પરંતુ ઓપનર શેફાલી વર્માને સાધારણ ફૉર્મ બદલ ટીમમાં સામેલ નથી કરવામાં આવી.

વિશ્વ કપ માટેની ભારતીય ટીમનું સુકાન હરમનપ્રીત કૌર સંભાળશે. સ્મૃતિ મંધાના વાઇસ-કૅપ્ટન છે. મુંબઈમાં વાનખેડે સ્થિત બીસીસીઆઇના વડા મથક ખાતે આયોજિત સિલેક્શન કમિટીની મીટિંગનું અધ્યક્ષસ્થાન ભૂતપૂર્વ ક્રિકેટર નીતુ ડેવિડે સંભાળ્યું હતું.

વર્લ્ડ કપ પહેલાં ઑસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝ રમાશે અને એ માટેની ટીમ પણ જાહેર કરવામાં આવી છે. બન્ને ટીમમાં માત્ર એક જ ફેરફાર છે. ફક્ત સાયલી સતઘરેને અમનજોત કૌરના સ્થાને ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે સિલેક્ટ કરાઈ છે. ઓપનર શેફાલી વર્માને બન્ને ટીમમાં નથી સમાવાઈ. પ્રતિકા રાવલ 14 વન-ડેમાં ખૂબ સારું રમી હોવાથી શેફાલીને બદલે તેને રમવાની તક મળી છે.

રેણુકા સિંહ ઠાકુર ટીમની મુખ્ય ફાસ્ટ બોલર છે. આ વર્ષના માર્ચ મહિના બાદ તે ભારતીય ટીમમાં નહોતી, પણ હવે તે ફરી ફાસ્ટ બોલર્સની આગેવાની સંભાળશે. તેની સાથે યુવાન પેસ બોલર ક્રાંતિ ગૌડ અને અરુંધતી રેડ્ડી પણ ટીમમાં સામેલ છે.

ઇંગ્લૅન્ડ સામેની તાજેતરની પાંચ ટી-20માં 10 વિકેટ લેનાર યુવાન સ્પિનર શ્રી ચરનીને પણ ઑસ્ટ્રેલિયા સામે તેમ જ વર્લ્ડ કપમાં રમવાની તક અપાઈ છે. દીપ્તિ શર્મા, સ્નેહ રાણા અને રાધા યાદવ ટીમની બીજી ત્રણ સ્પિનર છે.

https://twitter.com/BCCIWomen/status/1957763080697372874

વર્લ્ડ કપ માટેની ટીમઃ
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), પ્રતીકા રાવલ, હર્લીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), રેણુકા ઠાકુર, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ, અમનજોત કૌર, રાધા યાદવ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શ્રી ચરની અને સ્નેહ રાણા.

રિઝર્વ ખેલાડીઓઃ તેજલ હસબનીસ, પ્રેમા રાવત, પ્રિયા મિશ્રા, ઉમા ચેટ્રી, મિનુ મની અને સાયલી સતઘરે.

ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટેની ટીમઃ
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), પ્રતીકા રાવલ, હર્લીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), રેણુકા ઠાકુર, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ, સાયલી સતઘરે, રાધા યાદવ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શ્રી ચરની અને સ્નેહ રાણા.

આ પણ વાંચો…એશિયા કપ માટેની ટીમમાં કોણ કેમ સામેલ? કોને કેમ જગ્યા ન મળી?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button