સ્પોર્ટસ

સ્મૃતિની સેન્ચુરીએ જિતાડ્યા, સ્પિનર શ્રી ચરનીનો ડેબ્યૂમાં જ તરખાટ…

નૉટિંગમઃ ઇંગ્લૅન્ડ (ENGLAND)માં ભારતના સિનિયર ક્રિકેટરો સિરીઝની પ્રથમ ટેસ્ટ હારી ગયા, પણ ત્યાર બાદ ભારત (INDIA)ના જુનિયર ક્રિકેટરોએ શુક્રવારે ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમ સામે વન-ડેમાં છ વિકેટે વિજય મેળવ્યો અને ત્યાર બાદ શનિવારે ભારતની મહિલા ટીમે (WOMEN’S TEAM) પહેલી ટી-20માં ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમને 97 રનથી સજ્જડ હાર આપી હતી. ટી-20માં રનની ગણતરીએ ઇંગ્લિશ મહિલા ટીમની આ સૌથી ખરાબ હાર છે. બૅટિંગમાં કૅપ્ટન અને પ્લેયર ઑફ ધ મૅચ સ્મૃતિ મંધાના (112 રન, 62 બૉલ, ત્રણ સિકસર, પંદર ફોર)નો અને બોલિંગમાં શ્રી ચરની (3.5-0-12-4)નો સર્વોત્તમ દેખાવ હતો. 20 વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર ચરની (SHREE CHARANI)ની આ પહેલી જ ટી-20 મૅચ હતી. મુખ્ય કૅપ્ટન હરમનપ્રીત કૌર પ્રૅક્ટિસમાં માથામાં ઈજા થતાં આ મૅચમાં નહોતી રમી.

ઇંગ્લૅન્ડની ટીમ 211 રનના લક્ષ્યાંક સામે 14.5 ઓવરમાં માત્ર 113 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. દીપ્તિ શર્મા અને રાધા યાદવે બે-બે વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડે 211 રનના તોતિંગ લક્ષ્યાંક સામે ધબડકા સાથે શરૂઆત કરી હતી. નવ રનમાં એણે બે વિકેટ ગુમાવી હતી. અમનજોત કૌર અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ લીધી હતી. એ પહેલાં, ભારતે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 210 રન કર્યા હતા જેમાં કૅપ્ટન મંધાના (SMRITI MANDHANA)નું સૌથી મોટું યોગદાન હતું.

BCCI ON X

તેની અને હર્લીન દેઓલ (43 રન, 23 બૉલ, સાત ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી થઈ હતી.
ભારતની ડબ્લ્યૂપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમનાર ઇંગ્લૅન્ડની કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને ભારતીય ટીમે પ્રથમ બૅટિંગ મળતાં પૂરો ફાયદો લીધો હતો. ઓપનર શેફાલી વર્મા (20 રન) અને સ્મૃતિ વચ્ચે 77 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ઇંગ્લૅન્ડની પેસ બોલર લૉરેને 27 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. સ્મૃતિ મંધાનાની મહત્ત્વની વિકેટ સૉફી એકલસ્ટને લીધી હતી. અમનજોત કૌર ત્રણ રને અને દીપ્તિ શર્મા સાત રને અણનમ રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button