ગ્રીસમાં ઑલિમ્પિક્સની જ્યોત કઈ પ્રાચીન વિધિ વગર પ્રગટાવવામાં આવી?
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સ માટેની જ્યોત ગઈ કાલે ખરાબ વાતાવરણ છતાં પ્રગટાવવામાં આવી હતી. ઑલિમ્પિક્સના જન્મસ્થાન ગ્રીસમાં પ્રાચીન ઑલિમ્પિયા નામના સ્થળે અપોલો ન દેખાવા છતાં જ્યોત પ્રગટાવવાની વિધિ બરાબર પાર પાડવામાં આવી હતી. યુરોપના દેશ ગ્રીસમાં સૂર્યને અપોલો તરીકે ઓળખાય છે અને આકાશમાં અનેક વાદળો છવાયેલા હોવાથી પરંપરાગત લાઇટિંગ નહોતી થઈ શકી.
સામાન્ય રીતે પ્રાચીન ગ્રીસની વિધિ મુજબ સૂર્યના જલદ કિરણોની મદદથી ચાંદીની મશાલ પ્રગટાવવામાં આવતી હોય છે, પણ અપોલો (સૂર્ય) ન દેખાતાં ગ્રીસની અભિનેત્રી મૅરી મિનાએ સૂર્યની દિશામાં માત્ર વંદન કર્યા બાદ બૅક-અપ તરીકે રાખવામાં આવેલી જ્યોતને ઑલિમ્પિક્સ માટેની જ્યોત પ્રગટાવવા માટે વપરાઈ હતી.
આપણ વાંચો: મૅરી કૉમે અચાનક પૅરિસ ઑલિમ્પિક્સ માટેના ભારતીય સંઘના ટોચના સ્થાનેથી રાજીનામું આપી દીધું
મુખ્ય જ્યોતને સોમવારે ફાઇનલ રિહર્સલ દરમ્યાન પ્રગટાવવામાં આવી હતી. બળતણથી લથબથ મશાલને અરીસા સામે ધરવામાં આવે છે અને એ અરીસા પર સૂર્યના કિરણો પડતાં જ્યોત પ્રજ્જવલિત થાય છે.
ઑલિમ્પિક જ્યોતને ગ્રીસમાં 5,000 કિલોમીટરનો પ્રવાસ કરાવ્યા બાદ 26મી એપ્રિલે ઍથેન્સમાં પૅરિસ ઑલિમ્પિક્સના આયોજકોને સોંપવામાં આવશે.
ઑલિમ્પિક્સની જ્યોત સાથે સૌથી પહેલાં ગ્રીસનો 2021ની ટોક્યો ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલિસ્ટ સ્ટેફાનૉસ ડૉસ્કોસ દોડ્યો હતો. તે રૉવિંગમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.