સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડના ફાઇટ-બૅક સાથે હિસાબ બરાબરીમાં, હવે બીજો દાવ પરિણામ લાવી શકે

ભારતના બીજા દાવમાં સરસાઈ સહિત 2/96

લીડ્સઃ ભારતે અહીં ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીમાં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ (બપોરે 3:30 વાગ્યાથી લાઈવ)માં રવિવારના ત્રીજા દિવસે બ્રિટિશ ટીમના જબરદસ્ત ફાઇટ-બૅક બદલ છ રનની નજીવી સરસાઈ (6 RUNS LEAD) મેળવી ત્યાર બાદ ખરાબ શરૂઆત કરી હતી, પરંતુ પછીથી ઓપનર કેએલ રાહુલે ફરી એકવાર સાધારણ ભાગીદારી કરીને ટીમને થોડી સારી સ્થિતિ અપાવી હતી. ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારત (INDIA)નો બીજા દાવનો સ્કોર બે વિકેટે 90 રન હતો.

સરસાઈ સહિત ભારતનો સ્કોર 2/96 હતો. રાહુલ 47 રને અને કૅપ્ટન શુભમન ગિલ છ રને રમી રહ્યા હતા. ભારતના 471 રનના જવાબમાં યજમાન બ્રિટિશ ટીમે 465 રન કર્યા હતા.

પ્રથમ દાવનો સેન્ચુરિયન યશસ્વી જયસ્વાલ બીજા દાવમાં ચાર જ રન બનાવીને પૅવિલિયન ભેગો થયો હતો. ત્યાર બાદ રાહુલે પહેલી ટેસ્ટ રમી રહેલા સાઇ સુદર્શન સાથે 66 રનની ભાગીદારી કરી હતી. ઇંગ્લૅન્ડ (England)ના કેપ્ટન-પેસ બોલર બેન સ્ટૉક્સે સતત બીજા દાવમાં આઇપીએલ-2025ના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન સુદર્શનને આઉટ કર્યો હતો. સુદર્શન 48 બૉલમાં ચાર ફોરની મદદથી 30 રન કરી શક્યો હતો.

બુમરાહ થયો કપિલની બરાબરીમાં

ઇંગ્લૅન્ડે પ્રથમ દાવમાં 465 રન કર્યા હતા. જસપ્રીત બુમરાહે (24.4-5-85-5) પાંચ વિકેટ તેમ જ પ્રસિદ્ધ ક્રિષ્નાએ ત્રણ અને મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી. બુમરાહે વિદેશમાં સૌથી વધુ 12 વખત એક ટેસ્ટ દાવમાં પાંચ કે વધુ વિકેટ લેવાની કપિલ દેવના ભારતીય વિક્રમની બરાબરી કરી હતી.

ક્રિષ્ના-સિરાજ ખૂબ ખર્ચાળ બન્યા

એકંદરે ભારતીય બોલર્સ ખર્ચાળ સાબિત થયા હતા. ક્રિષ્નાની 20 ઓવરમાં 128 રન થયા હતા જેને લીધે બ્રિટિશરો 450-પ્લસ રન કરી શક્યા અને ભારતને છ રનની મામૂલી સરસાઈ મળી હતી. સિરાજની 27 ઓવરમાં 122 રન બન્યા હતા. રવીન્દ્ર જાડેજાને 68 રનમાં અને શાર્દુલ ઠાકુરને 38 રનમાં વિકેટ નહોતી મળી.

ઇંગ્લેન્ડે છેલ્લી પાંચ વિકેટમાં 189 રન ઉમેર્યા

ઇંગ્લેન્ડે બૅટિંગમાં ભારતને જોરદાર વળતી લડત આપી હતી. બેન ડકેટના 62 રન બાદ ઑલી પૉપે 106 રન અને હૅરી બ્રુકે 99 રન બનાવ્યા હતા. જોકે ખરી લડત પૂછડિયા બૅટ્સમેનોની હતી. એમાં ક્રિસ વૉક્સ (55 બૉલમાં 38 રન), જૅમી સ્મિથ (બાવન બૉલમાં 40 રન), બ્રાયડન કાર્સ (23 બૉલમાં બાવીસ રન) અને જૉશ ટન્ગ (18 બૉલમાં 11 રન)નો સમાવેશ હતો.
એક તરફ ભારતે શનિવારે છેલ્લી પાંચ વિકેટ માત્ર 24 રનમાં ગુમાવી હતી ત્યારે ઇંગ્લેન્ડે રવિવારે છેલ્લી પાંચ વિકેટ ગુમાવતાં પહેલાં સ્કોરમાં 189 રન ઉમેર્યા હતા.

લકી-અનલકી હૅરી બ્રુક

હૅરી બ્રુક 46 અને 80 રન પર મળેલા બે જીવતદાન બાદ 99 રન પર પ્રસિદ્ધ ક્રિષ્નાના બૉલમાં શાર્દુલ ઠાકુરને સીધો કૅચ આપી બેઠો હતો.

હજી બે દિવસમાં પરિણામ શક્ય

હજી બે દિવસ બાકી છે. ભારતીય ટીમ જો બીજા દાવમાં સારું રમીને 350 જેટલો લક્ષ્યાંક બ્રિટિશરોને આપશે તો મૅચનો અંત રોમાંચક થઈ જશે અને ભારતને જીતવાનો સારો મોકો મળશે.

આ પણ વાંચો…ઇંગ્લૅન્ડમાં જન્મેલા પ્રથમ અશ્વેત બ્રિટિશ-ક્રિકેટર ડેવિડ લૉરેન્સનું નિધન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button