આ વખતની વિમ્બલ્ડનના ટેનિસ કપલ કોણ છે, જાણો છો?

લંડનઃ ટેનિસમાં ચાર ગ્રેન્ડ સ્લૅમ સ્પર્ધાઓમાં સૌથી મોટી કહેવાય અને એમાં પણ ગ્રાસ-કોર્ટ પરની વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ સર્વોચ્ચ સ્થાને છે અને એની લોકપ્રિયતા એટલી ઊંચા સ્તરે છે કે કોઈ પણ ખેલાડી માટે એ સફળતાનું સર્વોત્તમ શિખર ગણાય છે અને આ સૌથી મોટી ટેનિસ સ્પર્ધા સોમવાર, 30મી જૂને અહીં લંડનના ઑલ ઇંગ્લૅન્ડ ક્લબ ખાતે શરૂ થઈ રહી છે.
આમ તો આ ચૅમ્પિયનશિપમાં વર્તમાન ટેનિસના લગભગ બધા ટોચના ખેલાડીઓ ભાગ લેશે, પણ એમાં ત્રણ જોડી એવી છે જેમના પર સૌની નજર રહેશે જ. આ જોડી એટલે પતિ-પત્ની તથા બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડની છે જેઓ પોતપોતાની કૅટેગરીમાં રમશે.
આ વખતની વિમ્બલ્ડનમાં મોટા ભાગના ખેલાડીઓ પોતાના પરિણામો પર જ ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે છ ખેલાડી એવા છે જેઓ પોતાના પાર્ટનર આ ચૅમ્પિયનશિપમાં કેવી પ્રગતિ કરશે એ પર પણ વિશેષ ધ્યાન આપશે.
આપણ વાંચો: ઇંગ્લૅન્ડની ટોચની ટેનિસ પ્લેયરની પાછળ પડેલા મજનુને વિમ્બલ્ડનની ટિકિટ લેતા અટકાવાયો
વિમ્બલ્ડન-2025ના ટેનિસ-કપલ્સઃ
(1) એલિના સ્વિતોલિના અને ગાએલ મૉન્ફિલ્સ વિમ્બલ્ડન-2025નું એકમાત્ર એવું કપલ છે જે પરિણીત છે. તેમણે બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 2021ના જુલાઈમાં લગ્ન કર્યાં હતાં. યુક્રેનની સ્વિતોલિનાએ ગયા વર્ષે મૉન્ફિલ્સથી થયેલા પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. વિમ્બલ્ડનમાં તેમના પરિણામ વિરોધાભાસી રહ્યા છે.
પરિણામોની દૃષ્ટિએ ચાર ગ્રેન્ડ સ્લૅમમાં ફ્રાન્સના મૉન્ફિલ્સ માટે વિમ્બલ્ડન સૌથી ખરાબ સ્પર્ધા રહી છે. આ સ્પર્ધામાં તે વધુમાં વધુ ચોથા રાઉન્ડ સુધી પહોંચી શક્યો છે અને એને પણ સાત વર્ષ થઈ ગયા. બીજી તરફ, સ્વિતોલિના બે વખત (2019માં, 2023માં) વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં પહોંચી શકી છે.
એ બે સેમિમાં તે અનુક્રમે સિમોના હાલેપ અને માર્કેટા વૉન્ડ્રૉઉસોવા સામે હારી ગઈ હતી અને છેવટે એ બે હરીફ ખેલાડી એમાં ચૅમ્પિયન બની હતી. આ વખતે આ કપલમાંથી એક પણ ખેલાડી ફૉર્મમાં નથી. મહિલાઓના રૅન્કિંગમાં સ્વિતોલિના 14મા ક્રમે છે. તે પ્રથમ રાઉન્ડમાં ગયા વર્ષની ક્વૉર્ટર ફાઇનલિસ્ટ ઍના બૉન્ડર સામે રમશે. રૅન્કિંગમાં મૉન્ફિલ્સ 18મા નંબરે છે અને તે પ્રથમ રાઉન્ડમાં યુગો હમ્બર્ટ સામે રમશે.
આપણ વાંચો: જૉકોવિચ ત્રીજા રાઉન્ડમાં, બે ભારતીય ખેલાડી જીત્યા: વિમ્બલ્ડન વિજેતા હારી
(2) કૅટી બૉલ્ટર અને ઍલેક્સ ડિ મિનૉર પાંચ વર્ષથી રિલેશનશિપમાં છે. 2020માં તેઓ એકમેકના પ્રેમમાં પડ્યાં હતાં અને ડિસેમ્બર, 2024માં તેમણે સગાઈ કરી હતી. ઇંગ્લૅન્ડની કૅટી કે ઑસ્ટ્રેલિયાનો ઍલેક્સ ક્યારેય કોઈ ગ્રેન્ડ સ્લૅમ સ્પર્ધામાં બહુ આગળ નથી વધી શક્યા.
કૅટી માટે તો વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ સ્વદેશી સ્પર્ધા કહેવાય અને એમાં તે બે વખત ત્રીજા રાઉન્ડ સુધી આગળ વધી શકી છે. ઍલેક્સ આ સ્પર્ધામાં ગયા વર્ષે પહેલી વાર ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. જોકે પછી તે ઈજાને કારણે એ સ્પર્ધામાં નહોતો રમી શક્યો જેને કારણે તેના હરીફ ખેલાડી નોવાક જૉકોવિચને વૉકઓવર મળી જતાં તે આગળ ગયો હતો.
આપણ વાંચો: વિશ્ર્વની 32મા નંબરની ક્રૅચિકૉવા વિમ્બલ્ડનનો તાજ જીતી
આ વખતની વિમ્બલ્ડનમાં 11મા ક્રમાંકિત ઍલેક્સનો પ્રથમ રાઉન્ડમાં ક્લે-કોર્ટના સ્પેશિયાલિસ્ટ રોબર્ટો બૉએના સામે થશે. બીજી તરફ, તેની ફિયૉન્સીએ તેનાથી ચડિયાતા ક્રમની પોઉલા બડોસા સામે રમવાનું છે.
(3) પોઉલા બડોસા અને સ્ટેફાનૉસ સિત્સિપાસ બે વર્ષથી રિલેશનશિપમાં છે. મે, 2024માં તેઓ થોડા સમય માટે એકમેકથી અલગ થઈ ગયાં હતાં, પણ મહિના પછી પાછાં ભેગાં થઈ ગયાં હતાં. વિમ્બલ્ડનમાં આ યુગલ પોતપોતાની કૅટેગરીની સિંગલ્સમાં વધુમાં વધુ ચોથા રાઉન્ડ સુધી પહોંચી શક્યું છે.
બડોસા સ્પેનની અને સિત્સિપાસ ગ્રીસનો છે. બડોસા ત્રણ વખત અને સિત્સિપાસ બે વખત ચોથા રાઉન્ડમાં પહોંચી શક્યાં છે. 24મા ક્રમાંકિત સિત્સિપાસે પ્રથમ રાઉન્ડમાં ક્વૉલિફાયર વાલેન્ટિન રૉયર સામે રમવાનું છે. બડોસા પહેલા રાઉન્ડમાં કૅટી બૉલ્ટર સામે રમશે.