વિમ્બલ્ડનમાં સનસનાટી, પહેલા રાઉન્ડમાં એકસાથે આટલા ક્રમાંકિત ખેલાડીઓ હારી ગયા…
વિક્રમની બરાબરીઃ ફ્રેન્ચ ઓપનની ચૅમ્પિયન કૉકો પ્રથમ રાઉન્ડમાં જ આઉટ, જૉકોવિચનો વિજયી આરંભ

લંડનઃ અહીં ટેનિસની સૌથી લોકપ્રિય અને ગ્રાસ કોર્ટ પરની સૌથી મહત્ત્વની વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ (WIMBLEDON CHAMPIONSHIP)માં સોમવાર તથા મંગળવારના પહેલા બે દિવસ દરમ્યાન પ્રથમ રાઉન્ડમાં ભારે અફરાતરફરી થઈ હતી.
આ બે દિવસમાં પ્રથમ રાઉન્ડમાં કુલ 23 ક્રમાંકિત ખેલાડીઓ (સીડેડ પ્લેયર્સ) હારી ગયા હતા અને વિક્રમની બરાબરી થઈ હતી. પહેલા જ રાઉન્ડમાં પરાજિત થયેલા ક્રમાંકિત ખેલાડીઓમાં ખાસ કરીને કૉકો ગૉફ, એલેક્ઝાંડર ઝવેરેવ, જેસિકા પેગુલા, ડેનિલ મેડવેડેવ, પૉલા બડોસા, કિનવેન ઝેન્ગ, લૉરેન્ઝો મુસેટી, હૉલ્ગર રુનનો સમાવેશ હતો. આ આઠ ખેલાડીનો ગ્રાસ કોર્ટ પરની ટેનિસના પોતપોતાની કૅટેગરીના ટૉપ-ટેનમાં સમાવેશ છે.
આપણ વાંચો: વિમ્બલ્ડનમાં રેકૉર્ડ-બ્રેક ગરમીમાં જીતતાં વર્લ્ડ નંબર-ટૂ અલ્કારાઝના `નાકે દમ આવી ગયો’
ટૉપ-ટેનમાંથી આઠ ખેલાડી પરાજિત થતાં વિમ્બલ્ડન સ્પર્ધા જાણે બિનઅનુભવી, અજાણ્યા અને નવા ખેલાડીઓવાળી બની ગઈ છે. કુલ મળીને જે 23 ક્રમાંકિત ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં હારી ગયા છે એમાંથી 13 પુરુષ અને 10 મહિલા ખેલાડી સામેલ છે.
આ 23માંથી 10 ખેલાડી સોમવારના પહેલા દિવસે અને 13 ખેલાડી મંગળવારના બીજા દિવસે સ્પર્ધાની બહાર થઈ ગયા હતા.
જોકે પુરુષોમાં સૌથી વધુ 24 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા નોવાક જૉકોવિચે (Djokovic) ફ્રાન્સના ઍલેક્ઝાંડ મુલરને સંઘર્ષભર્યા મુકાબલામાં 6-1, 6-7 (7-9), 6-2, 6-2થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જૉકોવિચ ગયા મહિને ફ્રેન્ચ ઓપનમાં નિષ્ફળ રહ્યા બાદ હવે અહીં કરીઅરની કુલ પચીસમું ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતવા મક્કમ છે.
આપણ વાંચો: સોમવારથી વિમ્બલ્ડનઃ અલ્કારાઝ-સિનર અને કૉકો-સબાલેન્કા પર સૌની નજર
બે નવા વિક્રમ રચાયા
મહિલા ટેનિસની ટોચની ત્રણમાંથી બે ખેલાડી એક જ ગ્રેન્ડ સ્લૅમમાં પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હોય એવું પહેલી જ વખત બન્યું છે. પુરુષોની વિમ્બલ્ડનમાં પહેલા રાઉન્ડમાં 13 ક્રમાંકિતો પરાજિત થયા હોય એવું પણ પહેલી જ વખત બન્યું છે.
અમેરિકાની વર્લ્ડ નંબર-ટૂ પ્લેયર કૉકો ગૉફ (Coco Gauff) હજી ત્રણ અઠવાડિયા પહેલાં ક્લે કોર્ટ પરની ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન ઍલીના સબાલેન્કા સામે જીતી ગઈ હતી, પણ અહીં વિમ્બલ્ડનમાં તે પહેલા જ રાઉન્ડમાં પરાસ્ત થઈ છે.
જાણીતા ખેલાડીઓમાં કોનો કોની સામે પરાજય
(1) વર્લ્ડ નંબર-ટૂ કૉકો ગૉફનો 46મા ક્રમની ડૅયાના યાસ્ત્રેમ્સ્કા સામે 6-7 (3-7), 1-6થી પરાજય.
(2) ત્રીજા ક્રમાંકિત ઍલેક્ઝાંડર ઝવેરેવનો 72મા ક્રમના આર્થર રિન્ડરનેક સામે 6-7 (3-7), 7-6 (10-8), 3-6, 7-6 (7-5), 4-6થી પરાજય.
(3) સાતમા ક્રમના લૉરેન્ઝો મુસેટીનો 126મા નંબરના નિકૉલોઝ બાસિલાશવિલી સામે 2-6, 6-4, 5-7, 1-6થી પરાજય.
(4) ચોથા નંબરની જેસિકા પેગુલાનો 116મા ક્રમની એલિસાબેટ્ટા કૉસિયારેટ્ટો સામે 2-6, 3-6થી પરાજય.
(5) વર્લ્ડ નંબર 9 મેડવેડેવનો 64મા ક્રમના બેન્જામિન બોનઝી સામે 6-7 (2-7), 6-3, 6-7 (3-7), 2-6થી પરાજય.