સ્પોર્ટસ

વિરાટ ફરી આરસીબીની કૅપ્ટન્સી સ્વીકારશે? જોકે બીજા ચાર-પાંચ ઉમેદવાર હોવાનો માલિકોનો દાવો

બેન્ગલૂરુઃ 2008થી 2024 સુધીની તમામ આઇપીએલ સીઝનમાં વિરાટ કોહલી ઉપરાંત એક એકથી ચડિયાતા સ્ટાર ખેલાડીઓ લઈને રમવા ઊતરતી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) ટીમની કૅપ્ટન્સી ફરી વિરાટ કોહલી સંભાળશે એવી ચર્ચા તાજેતરના મેગા ઑક્શન બાદ થતી હતી, પરંતુ હવે બહાર આવેલા અહેવાલ મુજબ આરસીબીના ચીફ ઑપરેટિંગ ઑફિસર રાજેશ મેનને એક જાણીતી વેબસાઇટને મુલાકાતમાં મોટો ખુલાસો કર્યો હોવાનું મનાય છે.

આપીએલ આગામી 21મી માર્ચે શરૂ થશે. જેમાં પ્રથમ મૅચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ફાઇનલ પચીસમી મેએ નિર્ધારિત છે. આ ટૂર્નામેન્ટના સૌથી મોંઘા (27 કરોડ રૂપિયાની કિંમતના) ખેલાડી રિષભ પંતને લખનઊ સુપર જાયન્ટ્સે તાજેતરમાં જ કૅપ્ટન્સી સોંપી હતી.

આરસીબીના મેનને એવું કહ્યું છે કે તેમની ટીમમાં ઘણા લીડર છે એટલે કૅપ્ટન્સીની બાબતમાં હજી હમણાં નક્કી નથી કર્યું. અમારી પાસે ચારથી પાંચ ખેલાડી એવા છે જેઓ કૅપ્ટન બનવાને લાયક છે. ખરું કહું તો અમે કૅપ્ટન્સીની બાબતમાં વિગતે ચર્ચા કરી જ નથી. અમે વિચાર કરીશું અને પછી નિર્ણય પર આવીશું.’

આપણ વાંચો: વિરાટ કોહલી ચિલ્લી-ચિકનમાંથી હવે ચિલ્લી-પનીર પર આવી ગયો છે

કોહલી આઇપીએલનો ત્રીજા નંબરનો સૌથી અનુભવી કૅપ્ટન છે. તે આરબીસીની 143 મૅચમાં નેતૃત્વ સંભાળી ચૂક્યો છે અને તેનો વિજયને લગતો રેશિયો 48.56 છે. 2016માં તેણે આરસીબીને ફાઇનલ સુધી પહોંચાડી હતી જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આરસીબીનો પરાજય થયો હતો.

ઉલ્લેખનીય છે કે મેગા ઑક્શનમાં આરસીબીએ ખેલાડીઓ મેળવવા વિશે જે રણનીતિ અપનાવી હતી એની ખૂબ ટીકા થઈ હતી. ખાસ કરીને જે ખેલાડીમાં કૅપ્ટન્સીના સંપૂર્ણ ગુણો હોય તેની ખરીદી કરવામાં આ ટીમના ફ્રૅન્ચાઇઝીએ કંજૂસાઈ કરી હોવાની ચર્ચા છે. આરસીબીએ રિષભ પંત કે કે. એલ. રાહુલને મેળવવા પાછળ મોટો ખર્ચ કરવાનું ટાળ્યું હતું.

આપણ વાંચો: વિરાટ કોહલીના સાવ સસ્તામાં ડાંડિયા ડૂલ… હજારો પ્રેક્ષકો સ્તબ્ધ

હરાજીમાં આ ફ્રૅન્ચાઇઝીએ ખરીદેલા સૌથી મોંઘા ખેલાડી (જૉશ હૅઝલવૂડ)ની કિંમત 12.50 કરોડ રૂપિયા છે. જોકે ટીમ પાસે સૌથી મોંઘો ખેલાડી ઇંગ્લૅન્ડનો વિકેટકીપર-ઓપનર ફિલ સૉલ્ટ છે. તાજેતરમાં ભારત સામે સારું પર્ફોર્મ કરનાર ઑલરાઉન્ડર જૅકબ બેથેલ પર પણ આ ટીમે બિડ મૂક્યા હતા અને તેને મેળવવામાં સફળતા મેળવી હતી.

2025ની આઇપીએલ માટેની આરસીબીની ટીમઃ

વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, ફિલ સૉલ્ટ (વિકેટકીપર), ટિમ ડેવિડ, રજત પાટીદાર, જિતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, જૅકબ બેથેલ, લિઆમ લિવિંગસ્ટન, સ્વસ્તિક ચિકારા, મનોજ ભંડાગે, મોહિત રાઠી, રોમારિયો શેફર્ડ, જૉશ હૅઝલવૂડ, ભુવનેશ્વર કુમાર, લુન્ગી ઍન્ગિડી, રસિખ સલામ, સુયશ શર્મા, સ્વપ્નિલ સિંહ, નુવાન થુશારા, યશ દયાલ અને અભિનંદન સિંહ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button