યુએસ જિમ્નેસ્ટના કેસની અસર ફોગાટના મંગળવારના ફેંસલાને થશે?
સ્પોર્ટ્સ નિષ્ણાત શું ક્હે છે?
પૅરિસ: કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસમાં મંગળવાર, 13મી ઓગસ્ટે અપાનારા ફેંસલા પર અસર પડી શકે એવો એક ચુકાદો કોર્ટ ઑફ આર્બીટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ) દ્વારા આપવામાં આવ્યો છે જેમાં કડક નિયમનું પાલન ન થવા બદલ અમેરિકાની જિમનેસ્ટ જોર્ડન ચાઇલ્સ પાસેથી બ્રોન્ઝ મેડલ પાછો લઈ લેવામાં આવ્યો છે.
ચાઇલ્સના કોચે નોંધાવેલી એક અપીલને આધારે ઇન્ટરનેશનલ જિમ્નેસ્ટિક્સ ફેડરેશને ચાઇલ્સનો સ્કોર સુધારીને તેને પાંચમા પરથી ત્રીજા સ્થાન પર લાવી દીધી હતી.
પરિણામે, ચાઇલ્સને બ્રોન્ઝ અપાયો હતો. જોકે રોમાનિયાની જિમ્નેસ્ટ ઍના બાર્બોસુની ટીમે એ ફેંસલાને પડકારતા કહ્યું કે ચાઇલ્સની વિરોધ નોંધાવવા સંબંધિત અપીલ નિર્ધારિત એક મિનિટ કરતાં ચાર સેકન્ડ મોડી થઈ હોવાથી એ અપીલ ધ્યાનમાં ન લઈ શકાય.
કોર્ટે ટેક્નિકલ બાબતને (નિયમને) લક્ષમાં લઈને રોમાનિયન જિમ્નેસ્ટની તરફેણ કરી હતી અને યુએસની જિમ્નેસ્ટ ચાઇલ્સ પાસેથી બ્રોન્ઝ પાછો માગી લીધો હતો અને ઍનાને આપી દીધો હતો.
આ કેસના ચુકાદાની સીધી અસર ફોગાટની અપીલ પરના ફેંસલા પર પડી શકે કે કેમ એની ચર્ચા થઈ રહી છે. જોકે ચાઇલ્સના કેસમાં ખુદ ફેડરેશને જ પોતાના નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાથી કોર્ટે ચુકાદો બદલાવો પડ્યો હતો. એ જોતાં, આ કેસની ફોગાટના કેસ પર અસર નહીં પડે એવું જાણીતા ધારાશાસ્ત્રી સૌરભ મિશ્રાનું માનવું છે. તેમણે એક જાણીતા અખબારને મુલાકાતમાં કહ્યું, “ચાઇલ્સના કેસ સામે ફોગાટનો કેસ જુદો છે.
એ જિમ્નેસ્ટના કેસમાં ખુદ ફેડરેશને જ નિયમ તોડ્યો હતો. ફોગાટનો કેસ તેના વજનને લગતો છે. કુસ્તીની ઇવેન્ટના પ્રથમ દિવસે ફોગાટનું વજન બરાબર હતું અને એને ધ્યાનમાં રાખીને ચુકાદો અપાશે તો ફોગાટની ફેવરમાં આવી શકે. હા, એક વાત નક્કી છે કે હવે પછી ઍથ્લીટો અને તેમની રાષ્ટ્રીય ખેલફૂદ સંસ્થાઓ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં અને કાનૂની ગૂંચવણો સંબંધમાં ખૂબ સજાગ થઈ જશે. “
Also Read –