વર્ષ નવું, પણ ભૂલ તો જૂની જઃ સિડનીમાં ટીમ ઇન્ડિયા આવતી કાલે કમબૅક કરશે?
સિડનીઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં અહીં શુક્રવારે શરૂ થયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટ-મૅચ (સવારે 5.00 વાગ્યાથી લાઇવ)માંથી કૅપ્ટન રોહિત શર્મા પોતે જ નીકળી ગયો હતો' અને તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહને સુકાનની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ ફરી એકવાર ભારતનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ રહ્યો અને આખી ટીમ સિરીઝમાં આઠ ઇનિંગ્સમાંથી પાંચમી વખત 200 રનની અંદર ઑલઆઉટ થઈ ગઈ.
ભારતનો પ્રથમ દાવ 185 રનના સ્કોર પર સમેટાઈ ગયો ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાએ નવ રનમાં એક વિકેટ ગુમાવી દીધી હતી. હવે શનિવારના બીજા દિવસે ભારતીય બોલર્સ ઑસ્ટ્રેલિયન ટીમને કેટલા રનમાં ઑલઆઉટ કરે છે એના પર મૅચનું ભાવિ નિર્ભર રહેશે. વિજયની આશા જીવંત રાખવા ભારતે શનિવારે કમબૅક કરવું જ પડશે.
બુમરાહે સિરીઝમાં છઠ્ઠી વાર ઉસમાન ખ્વાજા (બે રન)ને આઉટ કર્યો હતો. શુક્રવારની રમતનો જે બૉલ છેલ્લો હતો એમાં ખ્વાજાનો બીજી સ્લિપમાં કે. એલ. રાહુલે કૅચ પકડ્યો હતો. બાકી, સિડનીની ગ્રીન પિચ પર શુક્રવારનો દિવસ ઑસ્ટ્રેલિયાનો અને ખાસ કરીને પેસ બોલર સ્કૉટ બૉલેન્ડ (20-8-31-4)નો હતો.
આપણ વાંચો: મેલબર્નમાં મહાજંગઃ ભારત જીતશે તો ટ્રોફી રીટેન કરશે
ભારતનું નવું વર્ષ નિરાશા સાથે શરૂ થયું છે અને 2024ના વર્ષના અંતમાં કરેલી ભૂલોને ટીમ ઇન્ડિયાએ નવા વર્ષમાં ફરી શરૂ કરી દીધી છે. ભારતીય બૅટર્સ સિરીઝમાં 1-2થી પાછળ રહ્યા બાદ હવે માનસિક દબાણમાં રમી રહ્યા છે. તેમણે વધુ પડતું ડિફેન્સિવ વલણ અપનાવ્યું હતું અને એમાં વિકેટ આપવાની ભૂલ કરી બેઠા હતા.
કિંગ કોહલી તરીકે જાણીતો વિરાટ કોહલી 68 બૉલમાં મહા મહેનતે બનાવેલા 17 રનના પોતાના સ્કોર પર ફરી એકવાર ઑફ સ્ટમ્પની બહારના બૉલને અડવા જતાં કૅચ આપી બેઠો હતો. તે સ્કૉટ બૉલેન્ડના બૉલમાં ત્રીજી સ્લિપમાં 31 વર્ષના નવા ખેલાડી બ્યૂ વેબસ્ટરના હાથમાં કૅચઆઉટ થયો હતો.
તે પોતાની ઇનિંગ્સના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હોત. જોકે બીજી સ્પિલમાં સ્ટીવ સ્મિથે તેનો કૅચ પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે બૉલ જરાક જમીનને અડી ગયો હોવાથી થર્ડ અમ્પાયર જોએલ વિલ્સને તેને નૉટઆઉટ જાહેર કર્યો હતો.
આપણ વાંચો: બુમરાહે ખ્વાજાને આઉટ કરીને જાડેજાના કયા ભારતીય વિક્રમની બરાબરી કરી?
રોહિત શર્માએ ટેસ્ટ કરીઅરના છેલ્લા હિસ્સામાં પોતે જ પ્લેઇંગ-ઇલેવનની બહાર રહેવું પડ્યું એ બદલ કાર્યવાકહ સુકાની જસપ્રીત બુમરાહ અને વિકેટકીપર-બૅટર રિષભ પંતે ભાવાત્મક પ્રતિક્રિયા આપી હતી. રોહિતે ત્રણ ટેસ્ટમાં કુલ ફક્ત 31 રન બનાવ્યા હતા અને તેના સ્થાને શુભમન ગિલને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો.
જોકે ગિલ
ડુ ઑર ડાય’ જેવી આ મૅચમાં રમવા મળ્યાની તકનો ફાયદો ન લઈ શક્યો અને 89 મિનિટ (દોઢ કલાક સુધી) સુધી ક્રીઝમાં ટકી રહીને બનાવેલા ફક્ત 20 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.
બુમરાહના સુકાનમાં પર્થમાં ભારતે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને 295 રનથી હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ લીધી હતી. બુમરાહે શુક્રવારે ટૉસ વખતે કહ્યું હતું કે `અમારા કૅપ્ટને નેતૃત્વની ખરી ભાવના બતાવી છે અને પોતે જ આ ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો છે.
આ જ બતાવે છે કે અમારી ટીમમાં બહુ સારી એક્તા છે.’ બુમરાહે 45,000-પ્લસ પ્રેક્ષકોથી ભરાયેલા સિડનીના મેદાન પરથી આવું કહીને ડ્રેસિંગ-રૂમ વિશે થતી જાત જાતની અટકળો પર પૂર્ણવિરામ મુકાવવાનો પ્રયાસ કર્યો હતો.
આપણ વાંચો: વિરાટ આઉટ થતાં જ અનુષ્કાનું રિએકશન જોવા જેવું હતું…
ભારતના 185 રનમાં રિષભ પંત (40 રન, 98 બૉલ, 149 મિનિટ, એક સિક્સર, ત્રણ ફોર)નો સૌથી મોટો ફાળો હતો. પાંચ વખત ઈજા થવા છતાં તે લડાયક વલણ રાખીને રમતો રહ્યો હતો. યશસ્વી જયસ્વાલે 10 રન, તેના સાથી-ઓપનર કે. એલ. રાહુલે ચાર રન, શુભમન ગિલે 20 રન, વિરાટ કોહલીએ 17 રન, રવીન્દ્ર જાડેજાએ 26 રન બનાવ્યા હતા.
પંતની જેમ જાડેજા પણ 149 મિનિટ સુધી ક્રીઝમાં રહ્યો હતો અને 95 બૉલનો સામનો કર્યો હતો. જોકે નીતીશ કુમાર રેડ્ડી પોતાના પહેલા જ બૉલ પર (ગોલ્ડન ડકમાં) આઉટ થઈ ગયો હતો.
વૉશિંગ્ટન સુંદરે 49 મિનિટ સુધી મેદાન પર રહ્યા બાદ 30 બૉલમાં ત્રણ ફોરની મદદથી 14 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં પહેલી જ વાર રમેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ત્રણ રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે ખુદ સુકાની બુમરાહે 17 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોરની મદદથી બાવીસ રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજ ત્રણ રને અણનમ રહ્યો હતો.
ઑસ્ટ્રેલિયાના બોલર્સમાં પેસ બોલર સ્કૉટ બૉલેન્ડ ચાર વિકેટ લેવા બદલ સૌથી સફળ હતો. મિચલ સ્ટાર્કને 49 રનમાં ત્રણ, પૅટ કમિન્સને 37 રનમાં બે અને સ્પિનર નૅથન લાયનને 19 રનમાં એક વિકેટ મળી હતી. નવા પેસ બોલિંગ ઑલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરને 29 રનમાં વિકેટ નહોતી મળી.