નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 36 વર્ષીય રોહિત શર્મા અને 35 વર્ષીય વિરાટ કોહલી માટે આ છેલ્લો વન ડે વર્લ્ડ કપ હતો. જો કે, બંને ભવિષ્યમાં કેટલીક ICC ટૂર્નામેન્ટ રમી શકે છે. જેમાં આવતા વર્ષે જૂન મહિનામાં યોજાનાર T20 વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે.
રોહિત અને વિરાટ બંનેએ 2022 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ બાદથી ભારત માટે આ ફોર્મેટમાં એકપણ મેચ રમી નથી. 10 નવેમ્બર 2022 ના રોજ, ભારતને સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી બંને આ આ ફોર્મેટમાંથી ગાયબ છે, ભારતીય ટીમ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં રમી રહી છે. આ ફોર્મેટમાં સતત નવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે.
જો કે, T20 વર્લ્ડ કપ રમવાનો નિર્ણય બંનેના પ્રદર્શન પર નિર્ભર રહેશે અને IPL 2024 પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. ODI વર્લ્ડ કપમાં રોહિત અને વિરાટ જે ફોર્મમાં જોવા મળ્યા હતા તે જોતા તેમની વાપસી થઇ શકે છે. તે જોવાનું પણ રસપ્રદ રહેશે કે રિષભ પંત IPL 2024માં પુનરાગમન કરી શકશે કે નહિ.
જો રોહિત અને વિરાટ બંને T20 ન રમવાના હોય તો તેમની નિવૃત્તિ જાહેર થઈ હોત. બીજી તરફ, BCCI ટીમ સિલેક્શનના સમયે પણ સતત નિવેદન આપી રહ્યું છે કે રોહિત અને વિરાટ T20 માટે ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં આગામી વર્ષે IPL બંને માટે T20માં વાપસીનો માર્ગ ખોલી શકે છે. રોહિત IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે, જ્યારે વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ છે.
ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હાર બાદ રોહિત અને વિરાટ બંને ભાવુક થઇ ગયા હતા. એવી અટકળો છે કે તેઓ કદાચ આગામી વર્લ્ડ કપમાં રમતા જોવા નહીં મળે. વિરાટ 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમનો પણ ભાગ હતો, પરંતુ વિરાટ હજુ સુધી T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યો નથી.
જ્યારે રોહિત 2007માં T20 ચેમ્પિયન બનેલી ટીમ ઇન્ડિયાનો ભાગ હતો અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી, પરંતુ તે ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતી શક્યો ન નથી.
T20 વર્લ્ડ કપ2024 ની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા કરવામાં આવશે. રોહિત અને વિરાટ બંનેને તે ટુર્નામેન્ટમાં રમવાની અને ભારતના ICC ટ્રોફી અપાવવાની તક છે. ભારતે છેલ્લે 10 વર્ષ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ICC ટ્રોફી જીતી હતી.
હાલની ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી માટે ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. જો કે આ પછી ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાનું છે. ત્યાં ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે અને ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે. બધાની નજર દક્ષિણ પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલી ટીમ પર રહેશે.