
મૅન્ચેસ્ટર: ઇંગ્લૅન્ડ (England) સામેની ચોથી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી)માં બુધવારના પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે ચાર વિકેટે 264 રન કર્યા હતા, પરંતુ સવાલ એ છે કે ઈજાગ્રસ્ત રિષભ પંત (Rishabh Pant) જે બુધવારે 37 રનના સ્કોર પર રિટાયર હર્ટ થયો તે હવે આજે ફરી બૅટિંગ કરી શકશે કે પછી તેની પાંચમી વિકેટ ગણી લેવી?
ટીમની નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ પંતની પગની ઈજા (leg injury) ગંભીર છે અને તે આજે ફરી બૅટિંગ કરવા કે આ મૅચમાં રમવા મેદાન પર ફરી ઊતરશે કે કેમ એમાં શંકા છે.
વાઇસ કેપ્ટન અને વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત બ્રિટિશ ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સના યોર્કરમાં રિવર્સ સ્વીપનું સાહસ કરવા ગયો ત્યારે તેને જમણા પગમાં બૉલ વાગ્યો હતો. અઢી વર્ષ પહેલાં તેણે કાર અકસ્માત બાદ આ જ પગમાં સર્જરી કરાવી હતી.
પંતને લોર્ડ્સની ત્રીજી ટેસ્ટમાં ડાબા હાથની પહેલી આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી. એ મૅચમાં તેણે મોટા ભાગે બૅટિંગ જ કરી હતી અને એ ઈજા બાદ હવે વર્તમાન ટેસ્ટમાં તેને પગની નવી ઈજા નડી છે.
બુધવારે યશસ્વી જયસ્વાલ (58 રન) અને સાંઇ સુદર્શન (61 રન) હાફ સેન્ચુરી કરવામાં સફળ થયા હતા, પરંતુ કે. એલ. રાહુલ (46 રન) ચાર રન માટે અડધી સદી ચૂકી ગયો હતો. ત્યાર બાદ રિષભ પંત એક સિક્સર અને બે ફોરની મદદથી બનાવેલા 37 રને રિટાયર હર્ટ થયો હતો.
રવીન્દ્ર જાડેજા અને ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર 19-19 રને નૉટઆઉટ હતા. હવે ભરોસાપત્ર બૅટ્સમેનોમાં એકમાત્ર વોશિંગ્ટન સુંદર બાકી રહ્યો છે. જોકે હવે તો ભારત (India)ના પૂંછડિયા બૅટ્સમેનો પણ સારી બૅટિંગ કરી લેતા હોવાથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને નવોદિત અંશુલ કંબોજ ટીમને કેટલા રનનું યોગદાન આપે છે એ જોવું રહ્યું.
ટીમ ઇન્ડિયાનો સ્કોર 400 રન સુધી પહોંચશે તો સમય જતાં બ્રિટિશરોને ભારત આ મૅચમાં સારી લડત આપી શકશે. નહીં તો, ભારત માટે આ મૅચમાં જ સિરીઝ 1-3થી ગુમાવવાનો સમય આવી શકે.
આ પણ વાંચો…ભારતના પહેલા સાતમાંથી આ પાંચ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન