એશિયા કપ હોકી: પાકિસ્તાન સુરક્ષાના નામે ટીમને ભારત નહીં મોકલે? PHF પ્રમુખે લખ્યો પત્ર

નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ ભારત કોઈ રમતમાં ભાગ લેવા જવા પાકિસ્તાનને ના પાડે તેવું અનેક વખત બન્યું છે, પરંતુ પાકિસ્તાન કોઈ રમત રમવા માટે ભારત આવાની ના પાડે તેવું શક્ય છે? જી હા, પાકિસ્તાન હોકી ફેડરેશને રમતના વૈશ્વિક સંચાલક મંડળ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનને જાણ કરી છે કે સુરક્ષા ચિંતાઓને કારણે આવતા મહિને ભારતમાં યોજાનારા એશિયા કપમાં પોતાની ટીમ નહીં મોકલે! પાકિસ્તાનને ટીમને ભારતમાં સુરક્ષા અંગે જોખમ તોળાઈ રહ્યું છે. જો કે, ભારતમાં આજ સુધી એવી કોઈ ઘટના બની નથી, જેમાં કોઈ વિદેશી ખેલાડીઓને હેરાન કરવામાં આવ્યાં હોય કે તેમની સુરક્ષામાં ચૂક જોવા મળી હોય!
તારિક બુગતીએ એશિયાઈ હોકી મહાસંઘને પત્ર લખ્યો
પીએચએફના અધ્યક્ષ તારિક બુગતીએ એશિયાઈ હોકી મહાસંઘને પત્ર લખીને જાણ કરી છે કે, તેઓ પોતાની ટીમને ભારત મોકલી શકશે નહીં! વધુમાં કહ્યું કે, અમે તેમને જાણ કરી છે કે હાલના સંજોગોમાં જો અમારી ટીમ ભારતમાં રમશે તો સુરક્ષા જોખમોનો સામનો કરવો પડશે. પીએચએફના અધ્યક્ષ તારિક બુગતીનું કહેવું એવું છે કે, તેમના દેશના ખેલાડીઓ એશિયા કપ માટે ભારતની યાત્રા કરવા નાથી માંગતા! પરંતુ પ્રશ્ન એ છે કે, તે મેચ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ છે. તેમાં હવે મહાસંઘ શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે!
આ પણ વાંચો: WCL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ; આ ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો
પાકિસ્તાનની સરકારે આ મામલે નથી આપ્યું કોઈ નિવેદન
આ ઇવેન્ટ અને પાકિસ્તાનની મેચો વિશે નિર્ણય લેવાનું FIH અને AHF પર નિર્ભર છે. ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટમાં ભારતમાં યોજાશે કે પછી કોઈ બીજા દેશમાં તે એક મોટો પ્રશ્ન છે. પાકિસ્તાન એશિયાઈ હોકી મહાસંઘને પ્રશ્ન કરે છે કે, તેમના ખેલાડીઓ ભારતમાં સુરક્ષિત રહેશે તેની શું વિશ્વાસ છે? શું ખેલાડીઓ મેટ પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે? જો કે, મહત્વની વાત એ પણ છે કે, આ સમગ્ર મામલે પાકિસ્તાનની સરકારનું કોઈ નિવેદન નથી આવ્યું. પરંતુ પાકિસ્તાન હોકી ટીમના એક વરિષ્ઠ અધિકારીએ આ નિર્ણય લીધો છે. હવે પાકિસ્તાનની સરકાર પણ તે નિર્ણયને સમર્થન આપે છે કે કેમ તે નક્કી નથી!