મુંબઈની ટીમને યશસ્વીની બાય-બાય!
બૉમ્બે ટુ ગોવાઃ જયસ્વાલને ગોવાની ટીમનો કૅપ્ટન બનાવાશે?: ચોપડા કહે છે, `જાણે ઑસ્ટ્રેલિયન પ્લેયર ઝિમ્બાબ્વે જતો રહે એવું બન્યું'

મુંબઈઃ મુંબઈની ધરતી પર જ ઉછરેલા અને આ જ શહેરમાં ક્રિકેટની પાયાની તાલીમ મેળવનાર યશસ્વી જયસ્વાલે મુંબઈ (Mumbai)ની ટીમને છોડવાનો નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે.
કોઈકને વિચાર આવ્યો હશે કે મોડે-મોડે પણ એપ્રિલ ફૂલ તો નથી બનાવવામાં આવી રહ્યાને? આઇપીએલના માહોલમાં કોઈને એવો પણ વિચાર આવ્યો હશે કે યશસ્વી ક્યાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં છે. તે તો આઇપીએલમાં ડેબ્યૂના સમયથી રાજસ્થાન રૉયલ્સ (RR)ની જ ટીમમાં છે તો પછી મુંબઈનું નામ કેમ બોલાઈ રહ્યું છે.
આ પણ વાંચો: રાજસ્થાનની બૅટિંગ મળ્યા પછી નિરાશાજનક શરૂઆત, યશસ્વી ત્રીજી વાર પણ ફ્લૉપ
રાજસ્થાનનું ફ્રૅન્ચાઇઝી ₹ 18 કરોડ આપે છે
ખરી વાત એ છે કે 23 વર્ષના યશસ્વીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની ટીમને છોડવાનો નિર્ણય લઈ જ લીધો છે. હા, આઇપીએલમાં તે આરઆર વતી જ રમ્યો છે અને આ ફ્રૅન્ચાઇઝી તેને એક સીઝન રમવાના 18 કરોડ રૂપિયા આપે છે.
યશસ્વીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની ટીમને છોડીને ગોવા વતી રમવાનો નિર્ણય લીધો છે. તેણે વિક્રમજનક 42 વખત રણજી ચૅમ્પિયન બનનાર મુંબઈની ટીમ છોડીને ઉતરતા લેયરની ગોવાની ટીમ સાથે હાથ મિલાવ્યા એ સાથે ભારતીય ક્રિકેટમાં આશ્ચર્ય ફરી વળ્યું છે. જોકે આંતરરાષ્ટ્રીય સિરીઝો અને ટૂર્નામેન્ટો સહિત વર્ષભરનું શેડ્યૂલ એટલું બધુ વ્યસ્ત હોય છે કે યશસ્વીને ગોવા વતી કેટલું રમવા મળશે એ પણ એક સવાલ છે.
અર્જુન, સિદ્ધેશ લાડ પણ ગોવાની ટીમમાં
યાદ અપાવવાની કે એક સમયે સચિન તેન્ડુલકરનો પુત્ર અર્જુન (Arjun Tendulkar) પણ મુંબઈની ટીમમાં હતો, પણ તે થોડા વર્ષોથી ગોવા વતી રમે છે. સિદ્ધેશ લાડ (Siddhesh lad) પણ મુંબઈ છોડીને ગોવાની ટીમમાં જોડાયો છે.
યશસ્વી ભૂપેન્દ્રકુમાર જયસ્વાલ મૂળ ઉત્તર પ્રદેશના ભદોહીનો છે. તેણે 2018-’19માં રણજીમાં મુંબઈ વતી ડેબ્યૂ કર્યું હતું. તેણે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA) પાસે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માગ્યું જે તેને મળી ગયું છે. એક અખબારી અહેવાલ મુજબ એમસીએ તરફથી એવું નિવેદન અપાયું છે કે `અમે યશસ્વીને એનઓસી આપી દીધું છે. તેના નિર્ણયથી અમને થોડી નવાઈ લાગી, પણ મુંબઈની ટીમ ઘણી શક્તિશાળી છે. હવે બીજા કોઈને રમવાનો મોકો મળશે. અમારા તરફથી યશસ્વીને બેસ્ટ ઑફ લક.’
ગોવાનો કૅપ્ટન બનાવાશે એ લગભગ `નક્કી’
યશસ્વીએ ગોવાની ટીમ વતી રમવા માટે મુંબઈની ટીમ છોડી છે અને એ વિશે તેણે મુંબઈની ગવર્નિંગ બૉડીને પત્ર આપ્યો હતો જે તરત સ્વીકારી લેવામાં આવ્યો હતો.
યશસ્વી 2025-’26ની સાલથી ગોવા વતી રમશે. તેને કદાચ ગોવાની ટીમનો કૅપ્ટન બનાવવામાં આવશે. યશસ્વીએ એક નિવેદનમાં જણાવ્યું, `મુંબઈની ટીમ છોડી દેવાનો નિર્ણય મારા માટે બહુ મુશ્કેલ હતો. હું આજે જે કંઈ છું એ મુંબઈને લીધે જ છું. આ શહેરે જ મને નવી ઓળખ આપી છે. હું એમસીએનો હંમેશાં ઋણી રહીશ.’
યશસ્વી મુંબઈ વતી છેલ્લે જાન્યુઆરીમાં મુંબઈ વતી જમ્મુ-કાશ્મીર સામેની મૅચમાં રમ્યો હતો. એ અરસામાં જ બીસીસીઆઇએ તમામ ભારતીય ખેલાડીઓને ડોમેસ્ટિક મૅચો રમવી એવો કડક નિયમ અમલમાં મૂક્યો હતો.
ગોવા તરફથી ઘણા પ્લેયરોને ઑફર થઈ રહી છે
યશસ્વીના નિર્ણયથી ઘણાને નવાઈ લાગી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ કહ્યું છે કે આ તો જાણે એવું થયું કે કોઈ ઑસ્ટ્રેલિયન ક્રિકેટરે ઝિમ્બાબ્વેની ટીમમાં જોડાવાનો નિર્ણય લીધો હોય. મને લાગે છે કે યશસ્વીએ પૈસા ખાતર આ નિર્ણય નથી લીધો. રાજસ્થાન રૉયલ્સની ટીમ તેને એક સીઝનના 18 કરોડ રૂપિયા આપે છે અને તે બીસીસીઆઇના
બી’ કૉન્ટ્રૅક્ટમાં પણ છે. યશસ્વી કહે છે કે ગોવામાં તેને કૅપ્ટન્સી ઑફર થઈ રહી છે. બીજું, ગોવા તાજેતરમાં જ એલીટ ગ્રૂપમાં સામેલ થયું છે અને ગોવાના ક્રિકેટ સત્તાધીશો ગોવાની ટીમને વધુ મજબૂત બનાવવા માગતા હોવાથી તેઓ બીજા રાજ્યોના ખેલાડીઓનો સંપર્ક કરી રહ્યા છે.’