દેશ માટે પહેલા ગોલ્ડ લાવીશ પણ રાજકારણમાં તો નહીં આવુંઃ મનુ ભાકર
ભિવાની: પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર મહિલા શૂટર મનુ ભાકરનું સોમવારે તેના નાનીના ઘર ચરખી દાદરીમાં ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. મનુએ અહી થયેલા પોતાના સન્માનને આખી જિંદગી યાદ રાખવાની વાત કરી હતી.
તેણે એમ પણ કહ્યું હતું કે હું રાજકારણમાં પ્રવેશ કરીશ નહી પરંતુ હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગું છું અને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો એ મારું લક્ષ્ય છે.
તેણે કહ્યું હતું કે કોઇ પણ ખેલાડીના વિચાર પર નિર્ભર છે કે તે રાજકારણમાં પ્રવેશ કરે કે પછી યુવાઓને રમત પ્રત્યે પ્રેરિત કરે. મારું ધ્યાન માત્ર દેશ માટે ગોલ્ડ જીતવા પર છે. હું અત્યારે રાજકારણ પ્રવેશ કરીશ નહીં.
સન્માન સમારોહમાં પૂર્વ મંત્રી સતપાલ સાંગવાન, આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ અને ભાજપ નેતા બબીતા ફોગાટ સહિત ઘણા રાજનેતાઓ હાજર રહ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં મનુએ કહ્યું, “જેટલું સન્માન મળી રહ્યું છે તેનાથી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનો ઉત્સાહ વધી રહ્યો છે.
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટના વજન મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મનુએ કહ્યું, “વિનેશની ભાવના ફાઇટર જેવી રહી છે. આ મામલામાંથી બોધપાઠ લેવો જોઈએ. વિનેશ ફોગાટ સાથે જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. મને તેની ટેકનિકલ જાણકારી નથી.