ટી-20 ની અસર, ઑસ્ટ્રેલિયા-વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટના પ્રથમ દિવસે આટલી વિકેટ પડી…

બ્રિજટાઉનઃ ઑસ્ટ્રેલિયા (AUSTRALIA) અને વેસ્ટ ઇન્ડિઝ (WEST INDIES)ના ખેલાડીઓ પર ટી-20 ફૉર્મેટની એટલી બધી અસર થઈ છે કે તેમણે સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે (બુધવારે) 14 વિકેટ ગુમાવી દીધી હતી. બાર્બેડોઝમાં બ્રિજટાઉનનું આ એ જ ગ્રાઉન્ડ છે જ્યાં 12 મહિના પહેલાં (જૂન 2024માં) ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ રમાઈ હતી જે ભારતે જીતી લીધી હતી. તાજેતરમાં લૉર્ડ્સમાં સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલના પ્રથમ દિવસે પણ પહેલા દિવસે 14 વિકેટ પડી હતી.
ફરી ટેસ્ટની વાત પર આવીએ તો ડબ્લ્યૂટીસીના રનર-અપ ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને એનો દાવ ટ્રૅવિસ હેડના 59 રન અને ઉસ્માન ખ્વાજાના 47 રન છતાં 180 રનમાં સમેટાઈ (10/180) ગયો હતો અને રમતના અંત સુધીમાં કૅરિબિયન ટીમે 57 રનમાં ચાર (4/57) વિકેટ ગુમાવી હતી. વેસ્ટ ઇન્ડિઝનો ચોથા નંબરનો બૅટ્સમૅન બ્રેન્ડન કિંગ 23 રને રમી રહ્યો હતો. ફીલ્ડિંગમાં તેણે ત્રણ કૅચ છોડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં ભારતના યશસ્વી જયસ્વાલે ચાર કૅચ ડ્રૉપ કર્યા હતા.
ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં કૅરિબિયન પેસ બોલર જેડન સીલ્સે 60 રનમાં પાંચ વિકેટ અને શમાર જોસેફે 46 રનમાં ચાર વિકેટ લીધી હતી. શમારે નવ ટેસ્ટમાં કુલ 34 વિકેટ લીધી છે જેમાંથી 17 વિકેટ ઑસ્ટ્રેલિયનોની છે. ઑસ્ટ્રેલિયાના 57 ઓવરમાં બનેલા 180 રન વેસ્ટ ઇન્ડિઝમાં પ્રથમ બૅટિંગ લીધા પછીનો એનો આ સૌથી નીચો સ્કોર છે. માર્નસ લબુશેનના સ્થાને સૅમ કૉન્સ્ટૅસનો ટીમમાં સમાવવામાં આવ્યો હતો, પણ તે ફક્ત ત્રણ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તાજેતરની આઇપીએલમાં પંજાબને રનર-અપ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર જૉશ ઇંગ્લિસ માત્ર પાંચ રનમાં વિકેટ ગુમાવી બેઠો હતો. ખુદ કૅપ્ટન અને આઇપીએલની સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો પૅટ કમિન્સ પણ 28 રન બનાવીને આઉટ થયો હતો.
કાંગારૂઓ ઑલઆઉટ થયા બાદ રૉસ્ટન ચેઝના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝે 57 રનમાં જે ચાર વિકેટ ગુમાવી એમાંથી બે વિકેટ મિચલ સ્ટાર્કે અને એક-એક વિકેટ કમિન્સ અને જૉશ હૅઝલવૂડે લીધી હતી. પહેલા જ દિવસે 14 વિકેટ પડી જતાં આ મૅચ રોમાંચક વળાંકો સાથે ત્રણથી ચાર દિવસમાં પૂરી થઈ જશે તો નવાઈ નહીં લાગે.