સ્પોર્ટસ

રાંચીમાં ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ માટેની સલામતી કેમ વધુ કડક બનાવાઈ?

રાંચી: ભારતમાં સિરીઝનું આયોજન થયું હોય અને સ્વાભાવિક રીતે જ આંતરરાષ્ટ્રીય મૅચ રમાવાની હોય એટલે ખેલાડીઓની અને પ્રેક્ષકોની સલામતીનો મુદ્દો તો અગ્રસ્થાને હોય જ. જોકે ઝારખંડના પાટનગર રાંચીમાં શુક્રવારે શરૂ થનારી શ્રેણીની ચોથી ટેસ્ટ માટેની સલામતી વ્યવસ્થા કંઈક ખાસ છે, કારણકે અમેરિકા-સ્થિત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુમે આ મૅચને ખોરવી નાખવાની ધમકી આપી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય માટે પન્નુમ એક મોટો આતંવાદી છે અને અધિકારીઓએ આપેલી માહિતી મુજબ પન્નુમે પ્રતિબંધિત સીપીઆઇ (માઓવાદી) સંગઠનને સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને એમાં એવી અપીલ કરી છે કે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ મૅચને ખોરવી નાખજો.

આ ટેસ્ટ મહેન્દ્રસિંહ ધોનીના હોમટાઉન રાંચીના ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ કૉમ્પ્લેક્સમાં રમાવાની છે. નિર્ધારિત સમય મુજબ આ મૅચ મંગળવાર (27 ફેબ્રુઆરી) સુધી ચાલશે. ઇંગ્લૅન્ડની ટીમ મંગળવારે જ રાંચી પહોંચી ગઈ હતી.

અધિકારીઓના મતે આતંકવાદી પન્નુમે આ મૅચ રદ કરવાની માગણી સાથે મૅચને ખોરવી નાખવાની ધમકી આપી છે અને સીપીઆઇ (માઓવાદી) ગ્રૂપને પણ જવાબદારી સોંપી છે કે જો આ મૅચ રદ કરાય તો એમાં ધમાલ કરીને ખલેલ પહોંચાડજો.
રાંચીના ધુરવા પોલીસ સ્ટેશનમાં પન્નુમની વિરુદ્ધમાં એફઆઇઆર નોંધાવવામાં આવી છે અને પોલીસ તંત્ર સલામતીના કડક બંદોબસ્તની સાથે ધમકી બાબતમાં તપાસ પણ કરી રહ્યું છે.

પન્નુમ 2019ની સાલથી નૅશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)ના રડારમાં છે. 2021માં પન્નુમની વિરુદ્ધમાં બિનજામીનપાત્ર વૉરન્ટ બહાર પાડવામાં આવ્યું હતું. એનઆઇએ દ્વારા અમેરિકા અને કૅનેડામાં પણ તેની ધરપકડ માટેની બિછાવવામાં આવી હતી. સપ્ટેમ્બર 2023માં પંજાબના અમૃતસર અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાં પન્નુમના ઘર અને જમીનના પ્લોટની જપ્તીનું પગલું ભરવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button