લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સે બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની કારમી હાર પછી પોતાના ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કાનો જાહેરમાં ઠપકો કયા તબક્કે અને શા માટે સાંભળવો પડ્યો એ તો સ્પષ્ટ નથી થયું, પણ બારમાંથી આ છઠ્ઠી મૅચ હાર્યા પછી રાહુલ હરીફ ટીમ હૈદરાબાદના બૅટર્સ (ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા) પર એટલો બધો ઓવારી ગયો હતો કે તેમના વખાણ કરતા થાક્યો જ નહોતો. ગોયેન્કાના ગુસ્સાના આ બે કારણ (છઠ્ઠો પરાજય અને હરીફ ટીમના ખેલાડીઓની વાહ-વાહ) હોઈ શકે.
લખનઊની ટીમ હૈદરાબાદના પેસ બોલર ભુવનેશ્ર્વર કુમારના માત્ર 3.00ના ઇકોનોમી રેટ સાથેના બોલિંગ પર્ફોર્મન્સ (4-0-12-2)ને કારણે 20 ઓવરમાં ચાર વિકેટે ફક્ત 165 રન બનાવી શકી હતી. જવાબમાં હૈદરાબાદે વિકેટ ગુમાવ્યા વગર માત્ર 9.4 ઓવરમાં (62 બૉલ બાકી રાખીને) 167 રન બનાવીને અભૂતપૂર્વ જીત હાંસલ કરી હતી. માત્ર 10 ઓવરમાં 167 રન બન્યા હોવાની ઘટના ટી-20 ક્રિકેટમાં પહેલી વાર બની છે. મૅન ઑફ ધ મૅચ ટ્રેવિસ હેડ (89 અણનમ, 30 બૉલ, આઠ સિક્સર, આઠ ફોર) અને અભિષેક શર્મા (75 અણનમ, 28 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ની જોડીએ જાણે અંધાધૂંધ ફટકાબાજી કરી હતી. તેમની વચ્ચે 167 રનની અતૂટ ભાગીદારી તો થઈ જ હતી, તેમણે અનુક્રમે 16 અને 19 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. હૈદરાબાદના 167 રનમાંથી 148 રન કુલ મળીને 30 બાઉન્ડરીઝમાં બન્યા હતા. 84 રન 14 સિક્સરમાં અને 64 રન 16 ફોરમાં બન્યા હતા.
અભિષેકનો આ સીઝનમાં 205.64નો સ્ટ્રાઇક રેટ (દર 100 બૉલ દીઠ બનાવેલા રન) છે અને એ આંકડાની જાણ થતાં તે પ્રતિક્રિયામાં ‘ઓહ, વૉઉ!’ બોલ્યો હતો.
પરાજયથી સ્તબ્ધ થયેલા રાહુલે મૅચ પછી તરત જ લેવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં હેડ-અભિષેકની ફટકાબાજી અને લખનઊના પરાજય વિશે પૂછવામાં આવતાં કહ્યું, ‘મારે શું કહેવું એ માટે મને શબ્દો નથી જડતા. સામાન્ય રીતે અમે આવી બૅટિંગ ટીવી પર જોઈ છે, પરંતુ આ બૅટિંગ તો અકલ્પનીય હતી. તેઓ (હેડ અને અભિષેક) બૉલને જે રીતે ફટકારી રહ્યા હતા એ વિશે કંઈ કહેવા માટે મારી પાસે શબ્દો ખૂટી ગયા છે. તેમની ટૅલન્ટને માનવી પડે. દરેક બૉલને બહુ સારી રીતે બૅટ પર લેતા હતા.
મને ખાતરી છે કે હૈદરાબાદની ટીમના દરેક બૅટરે સિક્સર ફટકારવાની બાબતમાં ખૂબ મહેનતથી સારી તૈયારી કરીને આવ્યા હશે. તેમની એ તૈયારી આપણે મેદાન પર જોઈ જ રહ્યા છીએ. અમને મૅચ દરમ્યાન સતત થયા કરતું હતું કે અમે બનાવેલા રન (165) ઘણા ઓછા છે. જોકે હૈદરાબાદના બૅટર્સે જે રીતે બૅટિંગ કરી એના પરથી મને થાય છે કે જો અમે 250 રન બનાવ્યા હોત તો એ લક્ષ્યાંક પણ તેમણે હાંસલ કરી લીધો હોત.’
આપણ વાંચો: LSG vs CSK Highlights: રાહુલ-ડિકૉકની જોડીએ વિક્રમી ભાગીદારીથી લખનઊને જીતાડ્યું
એવું મનાય છે કે રાહુલે હાર્યા પછી હરીફ ટીમના બૅટર્સની જે રીતે આટલી બધી વાહ-વાહ કરી એ ગોયેન્કાને નહીં ગમ્યું હોય.
બ્રાયન લારાએ હજી બે દિવસ પહેલાં રાજસ્થાન રૉયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલની સાથે અભિષેક શર્માની ખૂબ પ્રશંસા કરી હતી.
રાહુલ પરના ગોયેન્કાના ક્રોધનું ત્રીજું કારણ એ ચર્ચાય છે કે આ મૅચમાં હૈદરાબાદે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ટી. નટરાજનના સ્થાને અભિષેક શર્માને લીધો હતો, પણ રાહુલની લખનઊની ટીમે ઇમ્પૅક્ટ પ્લેયરને મેદાન પર બોલાવ્યો જ નહોતો. હેડ-અભિષેકની આતશબાજીથી રાહુલ ઍન્ડ કંપની એટલી બધી પ્રેશરમાં આવી ગઈ હશે કે તેમને ઇમ્પૅક્ટ પ્લેયરને બોલાવવાનું કદાચ સૂઝ્યું જ નહી હોય.
ગોયેન્કાના ગુસ્સાનું ચોથું કારણ એ પણ હોઈ શકે કે રાહુલે બૅટિંગમાં સાધારણ પર્ફોર્મ કર્યું છે. છેલ્લી 10 ઇનિંગ્સમાં તેની માત્ર બે હાફ સેન્ચુરી (82 અને 76 રન) છે. એ સિવાય બાકીની આઠ ઇનિંગ્સમાં તે એક પણ વાર 40 રનના આંકડા પર પણ નથી પહોંચી શક્યો.
ગોયેન્કાના ગુસ્સાનું પાંચમું કારણ એ મનાય છે કે રાહુલે આટલા મહત્ત્વના તબક્કે અને હૈદરાબાદ જેવી વિક્રમાદિત્યોવાળી ટીમ સામે ક્રિષ્નપ્પા ગૌતમ જેવા સ્પિનરને પહેલી વાર રમવાનો મોકો આપ્યો. 35 વર્ષનો ગૌતમ ઑફ-સ્પિનર છે. રાહુલની ફોજમાં પાંચ બોલરમાં ત્રણ સ્પિનર હતા. ગૌતમ ઉપરાંત રવિ બિશ્ર્નોઈ અને આયુષ બદોની પણ સ્પિનર છે અને યશ ઠાકુર તથા નવીન-ઉલ-હક સહિત તમામ પાંચ બોલરને વિકેટ નહોતી મળી.
લખનઊએ પીઢ સ્પિનર અમિત મિશ્રાને આ વખતે એક જ મૅચમાં (27 એપ્રિલે રાજસ્થાન સામે) રમાડ્યો છે જેમાં તેણે 20 રનમાં રિયાન પરાગની વિકેટ લીધી હતી. બની શકે કે મિશ્રાને ન રમાડીને ગૌતમને રમાડ્યો તેમ જ મૅટ હેન્રી જેવા અનુભવી કે શામર જોસેફ જેવા પડકારરૂપ બોલરને ન રમાડ્યો એ પણ ગોયેન્કાના ગુસ્સાનું કારણ હોઈ શકે.