સ્પોર્ટસ

દેવદત્ત પડિક્કલને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાનો મોકો શા માટે અપાયો?

કોચી: ટૉપ ઑર્ડરનો લેફ્ટ-હૅન્ડ બૅટર દેવદત્ત પડિક્કલ આઇપીએલમાં બહુ જાણીતું નામ છે. આઇપીએલમાંના પર્ફોર્મન્સને કારણે તે ઘેર-ઘેર જાણીતો થયો છે. એક સમય હતો જ્યારે આઇપીએલમાં ચડિયાતો બૅટર પુરવાર થવા ઋતુરાજ ગાયકવાડ સાથે તેની હરીફાઈ થતી હતી. રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમી ચૂકેલા આ બૅટરને અઢી વર્ષ પહેલાં ભારત વતી ટી-20માં રમવાની તક પણ મળી હતી, પણ માત્ર બે મૅચમાં ખાસ કંઈ સારું પર્ફોર્મ ન કરતા તેની ઇન્ટરનૅશનલ કરીઅર ત્યાં જ અટકી ગઈ હતી. હવે તેને ફરી ભારત વતી રમવાનો ઓચિંતો જ મોકો મળ્યો છે. કેએલ રાહુલ ઘૂંટણના દુખાવાને કારણે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ માટેની ટીમમાંથી ફરી બહાર થઈ જતાં પડિક્કલને સિલેક્ટરોનું તેડું આવ્યું છે.

બ્રિટિશરો સામે ત્રીજી ટેસ્ટ ગુરુવાર, 15મીએ રાજકોટમાં શરૂ થશે.
23 વર્ષના પડિક્કલે ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ સારું પર્ફોર્મ કર્યું છે જેને લીધે સિલેક્ટરોએ તેના પર કળશ ઢોળ્યો છે. તેણે 31 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 2227 રન બનાવ્યા છે. 44.54 તેની બૅટિંગ-ઍવરેજ છે અને તેના સવાબે હજાર રનમાં છ સેન્ચુરી તથા બાર હાફ સેન્ચુરી સામેલ છે.

ખાસ કરીને વર્તમાન સીઝનમાં તેનો દેખાવ અસાધારણ રહ્યો છે. માત્ર ચાર મૅચમાં તેણે 92.66ની સરેરાશે 556 રન બનાવ્યા છે. છમાંથી ત્રણ ઇનિંગ્સમાં તેણે સદી ફટકારી હતી અને જ્યારે પણ તેણે 50 રન પાર કર્યા હતા ત્યારે સેન્ચુરી સુધી પહોંચ્યો હતો. પંજાબ સામે 193 રન તેનો આ સીઝનનો હાઇએસ્ટ સ્કોર છે.

પડિક્કલે તાજેતરમાં અમદાવાદમાં ઇંગ્લૅન્ડ લાયન્સ સામેની સિરીઝમાં સારું પર્ફોર્મ કર્યું હોવાથી તેને સિલેક્ટ કરવા પાછળનું એ પણ એક કારણ હતું. તેણે ઇન્ડિયા ‘એ’ વતી 65, 21, 105 રન બનાવ્યા હતા.

પડિક્કલે તાજેતરમાં ઇન્ડિયા ‘એ’ ટીમ વતી સાઉથ આફ્રિકાનો જે પ્રવાસ કર્યો હતો એમાં તેણે સિનિયર નૅશનલ ટીમના ખેલાડીઓ સાથે બૅટિંગ પ્રૅક્ટિસ કરી હતી એટલે તેને હવે ટેસ્ટ માટે પસંદ કરવાનું એ પણ એક કારણ છે. કર્ણાટક વતી પડિક્કલ અગાઉ માત્ર ઓપનિંગમાં રમતો હતો, પણ થોડા સમયથી વનડાઉનમાં અને ચોથા નંબરે રમે છે.

વિરાટ કોહલી વધુ ત્રણ ટેસ્ટ નથી રમવાનો, શ્રેયસ ઐયરની ટીમમાંથી હકાલપટ્ટી થઈ છે, કેએલ રાહુલ ઈજાને કારણે ટીમની બહાર છે અને રવીન્દ્ર જાડેજાનું પણ અનિશ્ર્ચિત છે. એ જોતાં મિડલ-ઑર્ડરમાં પડિક્કલને રમવાનો મોકો મળી શકે. રજત પાટીદારે ટેસ્ટમાં ડેબ્યૂ કરી લીધું છે અને હવે સરફરાઝ ખાન તથા પડિક્કલને તક મળી શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button