કેમ કોહલીને આરસીબીની ટીમનું સુકાન ફરી ન સોંપાયું?
કૅપ્ટન્સી વિશે અમદાવાદમાં કોહલી સહિત ત્રણ વચ્ચે મીટિંગ થઈ જેમાં રજત પાટીદારનું નામ નક્કી કરાયું અને વિરાટે નિર્ણયને પૂરો ટેકો આપ્યો

અમદાવાદ/બેન્ગલૂરુઃ રહસ્ય પરથી છેવટે પડદો ઊંચકાયો છે. આગામી 21મી માર્ચે શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી સીઝન માટેની રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમના કૅપ્ટનપદે 31 વર્ષીય ટૉપ-ઑર્ડર બૅટર રજત પાટીદારની નિયુક્તિ થઈ છે અને એ સાથે આ પદ પર વિરાટ કોહલી ફરી નીમાશે એના પર મહિનાઓથી થતી અટકળ હવે બંધ થઈ ગઈ છે. જોકે કોહલીને કેમ ફરી કૅપ્ટન ન બનાવાયો એ મુદ્દો ચર્ચાસ્પદ છે અને એ બાબતમાં રસપ્રદ વિગતો બહાર આવી છે.
ઘણા વખતની ચર્ચાતું હતું કે કોહલી ફરી આરસીબીની કૅપ્ટન્સી સ્વીકારશે. જોકે ફ્રૅન્ચાઇઝીએ એ પદ પર નવા ચહેરાને બેસાડવાનો નિર્ણય લઈ લીધો. આરસીબીએ જ્યારથી ત્રણ ખેલાડીઓને રીટેન કર્યા હતા ત્યારથી કૅપ્ટન્સીના વિષયમાં કોહલી અને પાટીદારનું નામ લેવાતું હતું. આરસીબીની ટીમ એક પણ વાર આઇપીએલનું ટાઇટલ નથી જીતી શકી એ વાત અલગ છે, પણ કોહલીએ 10 વર્ષ સુધી સમર્પિત ભાવના અને જોશ અને ઉત્સાહપૂર્વક સુકાન સંભાળ્યું હતું. જોકે જ્યારથી તેણે કૅપ્ટન્સી છોડી દીધી હતી ત્યારથી ઘણાને એવું પણ લાગતું હતું કે તે ફરી કૅપ્ટન્સીના રોલમાં નહીં જોવા મળે. હવે એ સત્તાવાર રીતે જાહેર થઈ ગયું છે કે કૅપ્ટન તરીકે કોહલી હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે અને આરસીબી પાટીદારને લઈને નવી સીઝનમાં પ્રવેશી રહી છે.

કોહલીએ તો પાટીદારને શુભકામના આપી છે, પણ બુધવારે અમદાવાદમાં ભારતની ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી વન-ડે વખતે જે મીટિંગ થઈ એની વિગતો પણ જાણવા જેવી છે. કોહલીએ એક વીડિયોમાં જણાવ્યું છે કે હું પાટીદારને શક્ય હશે ત્યાં દરેક રીતે સપોર્ટ કરીશ.' આરસીબીના ફ્રૅન્ચાઇઝીએ ઇંગ્લૅન્ડને 2019ના વન-ડે વર્લ્ડ કપ અને 2022ના ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર 41 વર્ષના મો બૉબાટની નિયુક્તિ ગયા વર્ષે ડિરેકટર ઑફ ઑપરેશન્સ તરીકે કરી હતી. બૉબાટને માઇક હેસનના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે. બૉબાટે જણાવ્યું હતું કે
આરસીબીના નવા કૅપ્ટન તરીકે વિરાટ અમારા માટે એક વિકલ્પ હતો જ. જોકે રજત પાટીદારને સુકાન સોંપાયું એ નિર્ણયથી વિરાટ બેહદ ખુશ અને ઉત્સાહિત હતો જે આરસીબીના વીડિયોમાં જોઈ શકાય છે.’
ખરેખર તો કોહલી, મો બૉબાટ અને હેડ-કોચ ઍન્ડી ફ્લાવર વચ્ચે અમદાવાદમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે દરમ્યાન મીટિંગ થઈ હતી અને એમાં આરસીબીના વિષયમાં અંતિમ નિર્ણય લેવાયો હતો. મો બૉબાટે પત્રકારોને કહ્યું, આરસીબીના કૅપ્ટનપદે ભારતીય ખેલાડીને જ રાખવો કે વિદેશીને એ મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. અમે બધા એક વાત પર સહમત હતા કે કૅપ્ટન તો ભારતીય જ હોવો જોઈએ. કોઈ વિદેશીને કૅપ્ટન ન બનાવવો એવો અમારો અભિગમ નહોતો, પણ અમારા બધાનું દૃઢપણે માનવું હતું કે આ ભારતની પ્રોફેશનલ લીગ ટૂર્નામેન્ટ છે જેની મૅચો ભારતની પિચો પર જ રમાવાની છે અને હરીફ ટીમોમાં પણ મોટા ભાગના ભારતીય ખેલાડીઓ હશે.
એટલે ભારતની પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ હોય તેમ જ સ્થાનિક પરિસ્થિતિ વિશે સારી સમજબૂઝ હોય એવો જ ખેલાડી ટીમને કૅપ્ટન તરીકે સૌથી વધુ મદદરૂપ થઈ શકે.' મો બૉબાટે એવું પણ કહ્યું હતું કે
અમે વિરાટ પર ઘણી ચર્ચા કરી હતી. અમારા માટે તે પણ એક મોટો વિકલ્પ હતો જ. એમાં કોઈ શંકા ન હોવી જોઈએ. ક્રિકેટપ્રેમીઓએ
પહેલાં તો વિરાટના નામની જ આશા રાખી હશે. જોકે અમે રજત પાટીદારના નામ પર પણ ઘણી વાતચીત કરી હતી. હું તો માનું છું કે ટીમની આગેવાની સંભાળવાની બાબતમાં વિરાટ માટે કૅપ્ટન્સીના ટૅગની કોઈ જ જરૂર નથી. નેતૃત્વ તેની રગેરગમાં છે અને એ જ તેની સૌથી મોટી તાકાત છે. તે હંમેશાં લીડર જ રહેવાનો છે. ગયા વર્ષે ફાફ ડુ પ્લેસી કૅપ્ટન હતો ત્યારે પણ આપણે બધાએ જોયું જ હતું કે વિરાટ મેદાન પર ટીમને કેટલા બધા ઉત્સાહ સાથે માર્ગદર્શન આપી રહ્યો હતો અને ડુ પ્લેસીની ગેરહાજરીમાં કૅપ્ટન્સી પણ સંભાળતો હતો. તે ઢગલો રન કરવાની સાથે કૅપ્ટન ન હોવા છતાં ટીમની આગેવાની પણ સારી રીતે સંભાળી શકે છે. ગયા વર્ષે તેણે જે સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા એ આરસીબીની બાબતમાં સૌથી મોટું આકર્ષણ હતું.’

2021ની આઇપીએલના બીજા રાઉન્ડમાં કોહલીએ સ્વેચ્છાપૂર્વક કૅપ્ટન્સી છોડી દીધી હતી અને ત્યારથી ફાફ ડુ પ્લેસીને સુકાન સોંપાયું હતું. એ જોતાં કોહલીને ફરી સુકાન સોંપાય એની સંભાવના બહુ ઓછી હતી. ચેન્નઈ અને મુંબઈની વાત કરીએ તો અનુક્રમે ધોની અને રોહિતના સ્થાને ઋતુરાજ ગાયકવાડ અને હાર્દિક પંડ્યાને કૅપ્ટન્સીની જવાબદારી સોંપવામાં આવી છે. કોહલી હજી ઘણા વર્ષો સુધી આરસીબી વતી રમી શકે એમ છે, પરંતુ કૅપ્ટન્સીની બાબતમાં આ ફ્રૅન્ચાઇઝી હવે ફરી પાછળની દિશામાં પગલું ભરે એ પણ સંભવ નથી.
આ પણ વાંચો: આરસીબી (RCB)ને પાંચમી વાર પણ 18મી મેની તારીખ ફળી?: કોહલી (Virat Kohli)ના 3,000 રન અને 9,000 રનના રેકૉર્ડ
ઉલ્લેખનીય છે કે મહિલાઓની આરસીબી ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના છે અને 2024ની ડબ્લ્યૂપીએલની સીઝનમાં આ ટીમ ચેમ્પિયન બની હતી.