T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે ટોપ-10માં એક પણ ભારતીય બોલર નહીં! જાણો કારણ

મુંબઈ: ICC T20I રેકિંગમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો છે, ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમ પહેલા નંબરે છે, બેટિંગ રેન્કિંગમાં ભારતના ચાર બેટર ટોપ 10માં છે, જ્યારે બોલર્સ રેન્કિંગમાં ભારતના ત્રણ બોલર ટોપ 10માં છે. ભારતીય ટીમ બે વાર T20I જીતી ચુકી છે. પરંતુ T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ભરતોનો એક પણ બોલર ટોપ 10માં નથી.
ઇન્ટરનેશનલ ક્રિકેટ, ડોમેસ્ટિક ક્રિકેટ અને લીગ ક્રિકેટ મળીને T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ટોપ 10 બોલરોની યાદી પર નજર કરીએ તો, અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન પ્રથમ સ્થાને છે, તેને વર્ષ 2015 થી 2025 વચ્ચે 487 મેચોમાં 660 વિકેટ લીધી છે. આ યાદીમાં વેસ્ટ ઇન્ડીઝનો ડ્વેન બ્રાવો બીજા સ્થાને છે, તેણે 2006 થી 2024 વચ્ચે 582 મેચોમાં 631 વિકેટ લીધી છે. 2011 થી 2025 વચ્ચે 557 મેચોમાં 590 વિકેટ લઇને વેસ્ટ ઈન્ડિઝનો સુનીલ નારાયણ ત્રીજા સ્થાને છે.
2006 થી 2025 વચ્ચે 436 મેચમાં 554 વિકેટ સાથે દક્ષિણ આફ્રિકાનો ઇમરાન તાહિર ચોથા સ્થાને છે. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન પાંચમા સ્થાને છે, તેને 2006 થી 2025 વચ્ચે 459 મેચોમાં તેણે 502 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: બુમરાહ-અર્શદીપ નહીં, પણ આ ભારતીય બોલર સામે પાકિસ્તાનીઓ બની જાય છે મ્યાંઉ…
વેસ્ટ ઈન્ડિઝનો આન્દ્રે રસેલ 2010 થી 2025 વચ્ચે 564 મેચોમાં 487 વિકેટ લઈને છઠ્ઠા સ્થાને છે. ઇંગ્લેન્ડનો ક્રિસ જોર્ડન 2008 થી 2025 વચ્ચે 418 મેચોમાં 438 વિકેટ લઇને સાતમા સ્થાને છે. પાકિસ્તાનનો વહાબ રિયાઝ 2005 થી 2023 વચ્ચે 348 મેચોમાં 438 વિકેટ સાથે આઠમા સ્થાને છે, પાકિસ્તાનનો મોહમ્મદ આમિર 2008 થી 2025 વચ્ચે 344 મેચોમાં 401 વિકેટ સાથે નવમા સ્થાને છે અને શ્રીલંકાનો લસિથ મલિંગાએ 2004 થી 2020 વચ્ચે 295 મેચોમાં 390 વિકેટ લઇને દસમા સ્થાને છે.
T20 ફોર્મેટમાં સૌથી સફળ ભારતીય બોલર:
આમ T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 10 બોલરોમાં એક પણ ભારતીય બોલરનું નામ નથી. T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલ છે, તેણે 2009 થી 2025 દરમિયાન 326 મેચોમાં 380 વિકેટ લીધી છે, જો કે એકંદરે તે ચૌદમાં સ્થાને છે. નોંધનીય છે કે બે-ત્રણ વર્ષમાં ચહલને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી, જે સ્થાન મળ્યું હોત તો કદાચ તેને ટોપ 10માં સ્થાન મળી શક્યું હોત.
ભારતીય બોલર્સ પાછળ હોવાનું કારણ:
ટોપ 10માં ભારતીય બોલરનું નામ ન હોવાનું મુખ્ય કારણ એ છે કે BCCI તેના કોઈપણ ખેલાડીને ભારતની બહાર રમાતી લીગમાં સામેલ થવાની મંજૂરી આપતું નથી. ભારતીય બોલરો પાસે T20I, ડોમેસ્ટિક ક્રિકેટ, IPL અન્ય અન્ય ભારતીય લીગમાં જ વિકેટ રમી શકે છે, આથી ભારતીય ખેલાડીઓને પ્રમાણમાં ઓછી T20 મેચ રમવાનો મોકો મળે છે. બીજી તરફ, અન્ય દેશોના ખેલાડીઓ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિવાય કોઈ પણ દેશમાં રમાતી કોઈ પણ લીગમાં રમવાની છૂટ છે. જેના કારણે તેમને વિકેટ લેવાની વધુ તકો મળે છે.