સ્પોર્ટસ

ધોની કેમ કૉમેન્ટરી બૉક્સમાં આવવાનું ટાળે છે? તેના જ શબ્દોમાં જાણીએ…

નવી દિલ્હીઃ ભારતના જ નહીં, સમગ્ર ક્રિકેટ જગતના સર્વશ્રેષ્ઠ કૅપ્ટન-વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે ઓળખાતો મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને બાદ કરતા ભાગ્યે જ ન્યૂઝમાં ચમકતો હોય છે અને સોશ્યલ મીડિયાથી તો તે દૂર જ રહે છે, પરંતુ એક યુટયૂબ ચૅનલ પરની તેની સાથેની વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે ધોની કૉમેન્ટરી બૉક્સથી પણ દૂર રહેવામાં માને છે. તે શા માટે કૉમેન્ટરી બૉક્સમાં જવાનું ટાળે છે એ માટે તેણે કેટલાક વજૂદવાળા કારણો આપ્યા છે.

` કૂલ કૅપ્ટન’ તરીકે વિખ્યાત ધોનીએ કહ્યું છે કે તે માઇક્રોફોનથી અર્થાત કૉમેન્ટરી બૉક્સથી દૂર રહેવામાં માને છે. સામાન્ય રીતે ક્રિકેટરો નિવૃત્તિ પછી કોચ બનતા હોય છે અથવા કૉમેન્ટેટર બની જતા હોય છે. જોકે ધોનીનું કહેવું છે કે તેના માટે કૉમેન્ટેટર બનવું બહુ મુશ્કેલ કામ છે અને એના તેણે કેટલાક કારણો આપ્યા છે.

આપણ વાચો: ક્રિકેટ બાદ હવે ફિલ્મી પિચ પર મહેન્દ્ર સિંહ ધોનીની ઓપનિંગ? ‘ધ ચેઝ’ના ટીઝરે મચાવી ધમાલ

ધોની 44 વર્ષનો છે. તેના નેતૃત્વમાં ભારત ત્રણ આઇસીસી ટ્રોફી જીતી ચૂક્યું છે. તેણે 2020માં રિટાયરમેન્ટ લીધા પછી માત્ર આઇપીએલ મારફત (ચેન્નઈ સુપર કિંગ્સ મારફત) ક્રિકેટ સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. એ સિવાયના લગભગ 10 મહિના તે પરિવાર સાથે હોય છે અને તેમની સાથે વિદેશોના પ્રવાસે જતો હોય છે. સામાન્ય રીતે તે ક્રિકેટને લગતા વિવાદ સંબંધમાં કે કોઈ ગંભીર ચર્ચા દરમ્યાન મંતવ્યો આપવાનું ટાળતો હોય છે.

પીટીઆઇના અહેવાલ અનુસાર ધોની (Dhoni) સ્પોર્ટ્સ બ્રૉડકાસ્ટર જતીન સપ્રુને યુટ્યૂબ (YouTube) ચૅનલ પરની વાતચીતમાં કહે છે, ` મારી દૃષ્ટિએ કૉમેન્ટરી આપવી બહુ મુશ્કેલ કામ છે. કૉમેન્ટરી બૉક્સમાંથી ક્રિકેટ વિશેની સમજ આપવી કે પોતાના અનુભવો વર્ણવવા અને વ્યક્તિગત રીતે કોઈની ટીકા શરૂ કરી દેવી એ બન્ને મુદ્દા વચ્ચે મોટી રેખા છે.

બન્ને કામમાં ફરક છે. ઘણી વાર એવું બને છે કે તમને કંઈક ખોટું લાગતું હોય તો તમે એ કહી દેવા માગો છો, પણ એ કેવી રીતે કહેવું એ એક કલા છે. ખૂબ વિનમ્રતાથી કહેવું અને એમાં શબ્દોનો પ્રયોગ એવી રીતે કરવો કે કોઈને એવું ન લાગે કે તેને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. ટીમ જો હારી રહી હોય તો એ પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે અને કોઈને પણ ખોટું ન લાગે એ રીતે કારણો વર્ણવવાની આવડત કૉમેન્ટેટરમાં હોવી જરૂરી છે. એ જ તો કૉમેન્ટરી (commentary)ની ખરી કલા છે.’

આપણ વાચો: IPL મેચ ફિક્સિંગ મામલે પૂર્વ IPSને રાહત, સુપ્રીમ કોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ પાઠવી

મને મારા આંકડા યાદ નથી રહેતાઃ ધોની

ધોનીએ એવું પણ કહ્યું કે ` હું આંકડાબાજીમાં નબળો છું. ઘણાને સચોટ આંકડા બહુ યાદ રહેતા હોય છે. મને મારા પોતાના આંકડા યાદ નથી રહેતા. મને જો મારી કરીઅરને લગતા આંકડા વિશે કોઈ પૂછે તો હું સંતોષકારક જવાબ ન આપી શકું. કેટલાકને માત્ર ભારતીય ક્રિકેટ ટીમ કે ભારતીય ખેલાડીઓને લગતા જ નહીં, સમગ્ર ક્રિકેટ યુગની પ્રત્યેક વ્યક્તિ વિશેના આંકડા યાદ હોય છે.’

પોતાના માટે શું બેસ્ટ એ નક્કી કરવાનું ચાતુર્ય જરૂરી

ધોનીએ મુલાકાતમાં કહ્યું કે તેને બોલવા કરતાં સાંભળવું વધુ ગમે છે. તેણે કહ્યું, ` મને જે લોકો ઠીક લાગે તેમની સાથે ચર્ચા કરી લેતો હોઉં છું, પરંતુ મને બોલવા કરતાં સાંભળવું વધુ પસંદ છે. મને જે ટૉપિક પર ખાસ કંઈ ખબર ન હોય એના પર બોલવાનું ટાળું છું, કારણકે એ જ મુદ્દા પર હું વધુ સાંભળું તો વધુ જાણકારી મેળવી શકું છું.

જેના વિશે ખાસ કંઈ જાણતો ન હોઉં તો પણ બોલવું એ મને પસંદ નથી. હંમેશાં સલાહ સૂચનો મેળવવા એ જરૂરી નથી. જેમની સાથે ચર્ચા વિચારણા થતી રહેતી હોય તેમની સાથેની વાતચીતમાં આપોઆપ જાણકારીઓ મળી જ જતી હોય છે. પોતાના માટે શું બેસ્ટ છે એ નક્કી કરવાનું ચાતુર્ય વ્યક્તિમાં હોવું જ જોઈએ.’

મોબાઈલ પર વાતચીત કરવી પણ બહુ ફાવતું નથી

એમએસ ધોનીને મોબાઇલ પર વાતચીત કરવી પણ બહુ નથી ફાવતી. તે કહે છે, ` હું ફોન પર વાતચીત કરવામાં પોતાને માહિર નથી માનતો, કારણકે હું જેની સાથે વાતચીત કરું ત્યારે તેનો ચહેરો ન જોઈ શકું એટલે તેની સાથે વાતચીત કરતા રહેવું મને થોડું વિચિત્ર લાગે છે.

એમાં મારે સુધારો કરવો છે, પણ (મજાકમાં કહે છે) નથી કરી શકતો જેનો મને કોઈ રંજ નથી. તમે જાણતો હશો કે મોબાઇલ નવો-નવો આવ્યો ત્યારે એ મોબાઇલના માલિક માટે વધુ ફાયદાકારક ગણાતો હતો, પણ હવે એવું છે કે તમારા ફોનનો બીજાને વધુ ફાયદો મળતો હોય છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button