રોહિત, હાર્દિક, બુમરાહ, સૂર્યા સહિત ઘણા ખેલાડીઓ કેમ 24મી મેએ વર્લ્ડ કપ માટે રવાના થઈ જશે?
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલ-2024ની સીઝનના પ્લે-ઑફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ છે, પરંતુ આ ટીમના ચાર ખેલાડીઓ જૂનની પહેલી તારીખે અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં રમવાના છે.
બીસીસીઆઇએ નક્કી કર્યું છે કે આઇપીએલની જે પણ ટીમ પ્લે-ઑફમાં નહીં પહોંચે એવી ટીમમાંના જે પણ ખેલાડીઓનું વર્લ્ડ કપની ટીમમાં સિલેક્શન થયું છે તેઓ અમેરિકા જવા 24મી મેએ ભારતથી રવાના થશે. પ્લે-ઑફમાં જનારી ચાર ટીમમાંના વર્લ્ડ કપના ખેલાડીઓ 26મી મેની આઇપીએલ-ફાઇનલ પછી જશે.
વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને (ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી) ન્યૂ યૉર્કમાં આયરલૅન્ડ સામે રમાશે. નવમી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર (ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.00 વાગ્યાથી) થશે.
જે ટીમ પ્લે-ઑફમાં નથી જવાની એમાં મુંબઈ ઇન્ડિયન્સ ઉપરાંત પંજાબ કિંગ્સનો સમાવેશ છે જ. ચેન્નઈ સામેની શુક્રવારની મૅચમાં ગુજરાતની પણ ‘કરો યા મરો’ની કસોટી હતી. જે ટીમ પ્લે-ઑફથી વંચિત રહેશે એના ખેલાડીઓને આરામ માટે વધુ સમય નહીં મળે એવી સ્પષ્ટતા જય શાહે ગુરુવારે કરી હતી.
વર્લ્ડ કપની પ્રથમ મૅચ પહેલી જૂને (ભારતીય સમય મુજબ બીજી જૂને સવારે 6.00 વાગ્યાથી) અમેરિકા અને કૅનેડા વચ્ચે રમાશે.
ભારતના ગ્રૂપમાં પાકિસ્તાન અને આયરલૅન્ડ ઉપરાંત અમેરિકા અને કૅનેડા પણ છે.