સુનીલ ગાવસકર કેમ યશસ્વી જયસ્વાલ પર આફરીન થયા છે?
ચેન્નઈ: લેજન્ડરી-ક્રિકેટર સુનીલ ગાવસકરના મંતવ્યો કે તેમનું વિઝન ભારતીય ક્રિકેટના મોવડીઓ માટે પથદર્શક સાબિત થતા હોય છે. આવું અગાઉ ઘણી વાર બની ચૂક્યું છે. સની જો કોઈ આશાસપદ ખેલાડીનું નામ લે અને બોર્ડ સાથે સંકળાયેલા સિલેક્ટરો તેમની સલાહને ફૉલો કરે તો એમાં સફળ થતા હોય છે.
હાલના ભારતીય ક્રિકેટરો બાબતમાં ગાવસકરનું લેટેસ્ટ માનવું એ છે કે યુવા લેફ્ટ-હૅન્ડ બૅટર યશસ્વી જયસ્વાલ ઇંગ્લૅન્ડ સામેની ઘરઆંગણાની સિરીઝ દરમ્યાન ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન જમાવી લેશે. લિટલ માસ્ટરનું એવું માનવું છે કે ‘સાઉથ આફ્રિકાના સેન્ચુરિયનમાં તેમ જ વેસ્ટ ઇન્ડિઝમાં એક્સ્ટ્રા બાઉન્સ સામે ટીમ ઇન્ડિયાના અનુભવી બૅટર્સે સંઘર્ષ કરવો પડ્યો હતો, પણ ટૉપ-ઑર્ડર બૅટર યશસ્વી જે અપ્રોચ સાથે રમ્યો એ કાબિલદાદ કહેવાય. હવે જો યશસ્વી એવી બાઉન્સી અને હાર્ડ પિચો પર સારું રમી શક્તો હોય તો ભારતની પિચો પર વધુ સારું રમશે જ.’
ગાવસકર એવું પણ માને છે કે ટૉપ-ઑર્ડરમાં એક લેફ્ટ-હૅન્ડર હોવો જ જોઈએ.
યશસ્વીએ ગયા વર્ષે વેસ્ટ ઇન્ડિઝમાં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ફક્ત સાત ટેસ્ટ-ઇનિંગ્સમાં 45.14ની બૅટિંગ ઍવરેજે 316 રન બનાવ્યા છે જેમાં એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી સામેલ છે.
સાઉથ આફ્રિકામાં યશસ્વી ચાર ઇનિંગ્સમાં માત્ર 50 રન બનાવી શક્યો હતો, પણ તેણે ત્યાંની પિચો પર જે અપ્રોચ દાખવ્યો એનાથી સની ખુશ છે.