ગાવસકર કેમ શુભમન ગિલથી નારાજ છે?
હૈદરાબાદ: લેજન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસકર ક્યારેય કોઈ ખેલાડીને તેની ભૂલ બદલ ઠપકો આપવાનું નથી ચૂકતા. પછી ભલે એ ખેલાડી ગમે એવો સ્ટાર હોય કે દિગ્ગજ હોય.
ભારતે હૈદરાબાદમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે સારી એવી લીડ લઈ લીધી, પરંતુ એ પહેલાં અમુક વિકેટો પડી એ બાબતમાં ગાવસકર નારાજ હતા. ખાસ કરીને વનડાઉન બૅટર શુભમન ગિલ ૨૩ રનના તેના સ્કોર પર જે રીતે આઉટ થયો એ ગાવસકરને જરા પણ નહોતું ગમ્યું.
કરીઅરની પહેલી જ ટેસ્ટ રમી રહેલા લેફટ-આર્મ સ્પિનર ટૉમ હાર્ટલીની ઓવરના પાંચમા બૉલમાં ગિલ ખરાબ શોટ રમ્યો હતો. એક તો તે હાર્ટલીના ફ્લાઇટેડ બૉલને સમજી નહોતો શક્યો અને એને ખોટી રીતે ફટકારવાના સાહસમાં મિડ-વિકેટ પર ડકેટને કેચ આપી બેઠો હતો.
હાર્ટલીને ગિલના રૂપમાં કરીઅરની પહેલી વિકેટ મળી હતી. આ ટેસ્ટમાં 20થી વધુ રન બનાવી ચૂકેલાઓમાં ગિલનો ૩૪.૬૪નો સ્ટ્રાઈક રેટ સૌથી ઓછો છે. તેણે 23 રન 66 બોલમાં બનાવ્યા હતા.
ગાવસકરે કોમેન્ટરી દરમિયાન કહ્યું કે, ” મને એ નથી સમજાતું કે ગિલ કેવા પ્રકારનો શૉટ મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો? તે શૉટને બરાબર એક્ઝિક્યુટ કરવામાં જ થાપ ખાઈ ગયો હતો. તેણે 66 બોલની લાંબીમાં ખૂબ મહેનત કરી અને પછી એ મહેનતને પોતે જ પાણીમાં જવા દીધી.”
ગિલ ટેસ્ટ ફોર્મેટમાં અપેક્ષા મુજબ નથી રમી શક્યો. તે 37માંથી 10 ઇનિંગ્સમાં 25 રન પાર કર્યા પછી હાફ સેન્ચુરી પૂરી નથી કરી શક્યો. સાઉથ આફ્રિકામાં તે બે વખત પોતાની ઇનિંગ્સને સારી રીતે ડેવલપ કર્યા પછી અનુક્રમે 26 અને 36 રન બનાવ્યા બાદ આસાનીથી વિકેટ આપી બેઠો હતો. 20થી 40 રનની વચ્ચેનો ગૅપ ગિલ માટે માથાનો દુખાવો બની ગયો છે