ચેન્નઈ: ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અને આઇપીએલ (IPL)ના લેજન્ડ એમએસ ધોની હાલમાં લગભગ છેલ્લી આઇપીએલ રમી રહ્યો છે. ગયા વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને પાંચમું અપાવ્યા બાદ બીજા જ અઠવાડિયે તેણે મુંબઈમાં ઘૂંટણમાં સર્જરી કરાવી હતી અને ત્યાર બાદ મહિનાઓ પછી આઇપીએલ-2024 માટેની તૈયારી શરૂ કરી હતી અને આ સીઝનમાં થોડી ફટકાબાજીનો પરચો બતાવી ચૂક્યો છે. જોકે તેના બદલાતા બૅટિંગ-ક્રમ બાબતમાં તેના ઘણા ચાહકો નારાજ છે અને શા માટે તે નીચલા ક્રમે રમે છે એ વિશે વિચારતા હશે. ચેન્નઈની ટીમના બૅટિંગ-કોચ માઇક હસીએ ગુરુવારે એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટને મુલાકાતમાં કહ્યું, ‘ધોનીએ ઘૂંટણમાં સર્જરી કરાવી ત્યાર પછી ચેન્નઈનું ફ્રૅન્ચાઇઝી તેના વર્કલૉડ પર બધુ ધ્યાન આપે છે. તે થોડા બૉલ રમવા માટે જ મેદાન પર ઉતરવાનું પસંદ કરે છે. હું જાણું છું કે તેના અનેક ચાહકો તેને ઉપલા ક્રમે બૅટિંગ કરતો જોવા ઇચ્છતા હશે, પણ તેણે ઘૂંટણમાં ઑપરેશન કરાવ્યું હોવાથી અમારે તેની ફિટનેસનું ધ્યાન રાખવું પડે છે અને એટલે જ તે નીચલા ક્રમે રમે છે.’
ધોનીએ પંજાબ સામેની મૅચમાં નવમા નંબરે બૅટિંગ કરી હતી. જોકે હર્ષલ પટેલના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. ગુજરાત સામે તેણે આઠમા ક્રમે બૅટિંગ કરી હતી અને 11 બૉલમાં ત્રણ સિક્સર, એક ફોરની મદદથી અણનમ 26 રન બનાવ્યા હતા.
‘મિસ્ટર ક્રિકેટ’ તરીકે જાણીતા ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટર માઇક હસીએ એવું પણ કહ્યું હતું કે ‘ધોની હજી પણ પહેલાંની જેમ બૅટિંગ કરે છે. દરેક મૅચ પહેલાં તે બહુ સારી તૈયારી કરે છે, ટીમના કૅમ્પમાં ઘણો વહેલો આવી જતો હોય છે અને શૉટ પણ બહુ સારા ફટકારી શકે છે. અમે તેની ફિટનેસની ખાસ કાળજી રાખીએ છીએ.’
માઇક હસીએ ધોનીના ક્રિકેટલક્ષી ભાવિ વિશે પૂછાતાં કહ્યું, ‘હું તો ઇચ્છું છું કે તે હજી બે સીઝન રમે. જોકે અંતિમ નિર્ણય તો તેણે જ લેવાનો છે. મને લાગે છે કે તે સંજોગોને થોડા રોમાંચક બનાવતો હોવાથી તે ગમે ત્યારે નિર્ણય જાહેર કરી દેશે તો નવાઈ નહીં લાગે.’
Taboola Feed